સુરતના યુવાન ફિલ્મકાર જનાન્તિક શુક્લની દસ્તાવેજી ફિલ્મ કઈ સિદ્ધિ થકી ચર્ચામાં છે?
પ્રાસંગિક -વિનીત શુક્લ
ગુજરાત અને કેન્દ્ર સરકારોને વન અધિકાર સંબંધી કાયદા સુધારવાની ફરજ પડી. એમાં આ આંદોલનની પ્રમુખ ભૂમિકા રહી
———
આપણી વચ્ચેના, આપણી ભાષાના અને આપણાં મૂળ સાબૂત રાખવા મથતા યુવાન સર્જકનું કામ આપણાથી
હજારો માઈલ દૂર પોંખાય એનો આપણને આનંદ થાય એ કેટલું સ્વાભાવિક છે!
વાત જનાન્તિક શુકલ નામના સુરતના સ્વતંત્ર ફિલ્મકારની છે. મધ્ય ગુજરાતના દેડિયાપાડા વિસ્તારના આદિવાસીઓની વસાવા કોમના સુદીર્ઘ અહિંસક આંદોલનને સજીવ કરતી જનાન્તિક શુકલની ગુજરાતી દસ્તાવેજી ફિલ્મ ‘મૂળસોતાં- ધ રૂટેડ’ની તાજેતરમાં અમેરિકાના સવાના ફિલ્મ ફેસ્ટિવલના ‘ગ્લોબલ શોટ્સ’ વિભાગમાં એવૉર્ડ મળ્યો છે. કળાત્મકતાને આંચ આવવા દીધા વગર પણ ટૂંકી દસ્તાવેજી ફિલ્મમાં કોઈ સામાજિક મુદ્દાને કેવી સ્પષ્ટતા સંવેદનશીલતા સાથે વાચા આપી શકાય એનું પ્રત્યક્ષ પ્રમાણ ‘મૂળસોતા’ બની છે. અને એટલે જ એને આવી સ્વીકૃતિ મળે એ આનંદ સાથે ગૌરવનો પણ પ્રસંગ બની રહે છે.
પોતાની અંદર પડેલાં અનેકવિધ અંકુરોને જનાન્તિક શુકલ વાચન, શ્રવણ, ભાવન અને અભ્યાસથી પુષ્ટ કરી, સભાનતા સાથે, ફિલ્મ, ફોટોગ્રાફી, પ્રવાસ, પરિસંવાદ, પ્રવચન, તાલીમ શિબિર અને લેખનમાં પ્રગટ કરતા રહે છે. જલદી સંતુષ્ટ થયા વગર, પૂરી ધીરજ સાથે, આગળ વધવાના અભિગમથી એનું દરેક કામ બહેતર બનવાની દિશામાં રહે છે.
દેડિયાપાડાના ૩૨-૩૫ વર્ષ ચાલેલા આ યાદગાર જનઆંદોલન વિષય પર દસ્તાવેજી ફિલ્મ બનાવવાની ચાનક જનાન્તિકને કેમ ચડી? આ આંદોલને સાચવેલી સાધ્ય- સાધનની શુદ્ધિ અને એણે મેળવેલાં પરિણામ આ યુવાન ફિલ્મકારને હલાવી ગયાં. સાથે જ સ્થાપિત હિતો અને અન્યાય સામેના દૃઢ છતાં સૌમ્ય જંગથી પણ એમની ટીમ પ્રભાવિત થઈ.
આંદોલનના કર્ણધારોએ આંદોલનને ગાંધીચીંધ્યા અહિંસક માર્ગેથી ચલિત ન થવા દીધું. તો ગુજરાત અને કેન્દ્ર સરકારોને વન અધિકાર સંબંધી કાયદા સુધારવાની ફરજ પડી. એમાં આ આંદોલનની પ્રમુખ ભૂમિકા રહી. એના પરિણામ દેડિયાપાડાના ૮,૦૦૦ જેટલાં ખેડૂત કુટુંબ સહિત દેશનાં લગભગ ૫૦,૦૦૦ ખેડૂત કુટુંબને પુષ્કળ લાભ મળ્યા.
એ સમાજના યુવાનો સ્ત્રીઓને વિવિધ ક્ષેત્રે કામ કરવાની તક મળી. એક ગામની ગ્રામસભાને ત્રણ વર્ષમાં રૂ. ૩૨,૦૦૦ના વાંસ વેચવાનો અધિકાર મળ્યો. કાયદા સુધરતા વન સુરક્ષા વધી અને એ વિસ્તારના લોકોમાં ‘આ મારું જંગલ છે’ એવો આત્મીય ભાવ પ્રગટ્યો.
દસ્તાવેજી ફિલ્મ ‘મૂળસોતાં’ આ આંદોલનનાં વિવિધ પાસાં અને અનેક રૂપ પ્રગટાવે છે. આવાં આંદોલનોનાં મહત્ત્વ અને સાર્થકતાને એ, પ્રતિબદ્ધતાનાં ઢોલ- નગારાં વગાડ્યા વગર આપણી સુધી પહોંચાડે છે. એ લોકોનાં કાચાં પાકાં ઘરોમાં રહી, એમની સાથે એમનો જ ખોરાક જમી, એમના સુખ, દુ:ખ, પહેરવેશ, આશા, અપેક્ષાને નજીકથી અનુભવવાની તક મળી તો જ ફિલ્મને એનું અપેક્ષિત રૂપ અમે આપી શક્યા, એમ દિગ્દર્શક જનાન્તિક શુકલ નિખાલસતાથી સ્વીકારે છે.
‘મૂળસોતાં’માં અમે સ્ટીપ મોશન એનિમેશનનો જરા જુદી રીતે ઉપયોગ કર્યો છે અને કળાકાર રાહુલ કંથારિયા પાસે હાથ વડે થોડું કામ કરાવ્યું છે, એમ કહી જનાન્તિકભાઈ પ્રેમથી ઉમેરે છે કે એ પ્રદેશના લોકોને ફિલ્મ સાથે
વિવિધ સ્તરે સાંકળીને એમાં શક્ય એટલી વધુ અધિકૃતતા લાવવાના અમારા પ્રયાસને એમણે કોઠાસૂઝથી સફળ બનાવ્યો છે.
વાંદરી, સાંકળી, પીંપળાદ, સગાઈ સહિતના કેટલાંય ગામોમાં અબાલવૃદ્ધોના સહકારને અમે ભૂલી શકીએ એમ નથી. એમાં પણ ઓછાબોલા, પરંતુ ભારે કામગરા ખેડૂત મીરાભાઈની અનેકવિધ સહાયને અમે ખૂબ પ્રેમાદર સાથે યાદ કરીએ છીએ. એમના દેહ સાથે વૃક્ષ-વનનું એકત્વ સિદ્ધ કરી અમે જરૂરી વેધકતા જન્માવી શક્યા છીએ.
આ આંદોલનના કેન્દ્રમાં હતાં
શ્રીમતી તૃપ્તિ પારેખ મહેતા અને વડોદરાની સંસ્થા ‘આર્ચવાહિની’ સંસ્થાના કાર્યકરો અંબરીષ મહેતા અને રાજેશ મિશ્રા સહિત
અનેકના નક્કર પ્રદાનને જનાન્તિક શુકલ સપ્રેમ યાદ કરે છે. વન અધિકાર કાયદા ઘડવાની સમિતિમાં તૃપ્તિબેન અને અંબરીષભાઈ હતા.
‘મૂળસોતાં’ સાથે સક્રિય રીતે જોડાયેલા ‘રંગ ફિલ્મ્સ’ના કાર્યકરો છે. સિનેમેટોગ્રાફર પ્રતીક ભાલાવાળા (સુરત), એસોસિએટ દિગ્દર્શક અને નિર્માણ મીતેશ સુશીલા (સુરત), સંગીત આયોજક દેવલ મહેતા (અમદાવાદ), એડિટરો બુર્ઝિન ઉનવાલા અને પ્રયાગરાજ ચોક્સી (અમદાવાદ) તથા દિગ્દર્શક જનાન્તિક શુકલ પર્યાવરણ, શિક્ષણ, બાળકો, સામાજિક અભ્યાસ સહિતના વિવિધ પ્રશ્ર્નોને વાચા આપવાના રંગ ફિલ્મ્સ પ્રયાસ કરે છે.
‘મૂળસોતા’ અને ‘રંગ ફિલ્મ્સ’ની આખી ટીમને અમેરિકામાં એવૉર્ડ મેળવવા બદલ મબલખ અભિનંદન સાથે એમના તરફથી ભવિષ્યમાં સમાજહિતલક્ષી દસ્તાવેજી ફિલ્મો અને અર્થસભર ફીચર ફિલ્મો મળે એવી અપેક્ષા- શુભેચ્છા.