(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સિડેનહૅમ એલ્યુમની એસોસિયેશન દ્વારા કૉલેજના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એક રિયુનિયનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિયુનિયનમાં સિડેનહૅમમાં ભણી ચૂકેલાં વિદ્યાર્થીઓને પધારવાનું આમંત્રણ છે, એવું એસોસિયેશનના ફાઉન્ડર ડિરેક્ટર અજિત લાલવાણીએ જણાવ્યું હતું.
‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતાં અજિત લાલવાણીએ જણાવ્યું હતું કે, ‘૧૦૯ વર્ષ જૂની સિડેનહૅમ કૉલેજનો એક સમૃદ્ધ વારસો છે અને અમે બધા એના વારસદાર છીએ એનો અમને ગર્વ છે. એક સમયે કોમર્સના કોર્સ માટે એશિયામાં નંબર વન રહી ચૂકેલી સિડેનહૅમ કૉલેજની ચમક ઝાંખી પડી રહી છે. છેલ્લાં બે દાયકાની વાત કરીએ તો ક્વૉલિટી ઓફ એજ્યુકેશનનું સ્તર કથળી ગયું છે. રિયુનિયનનું આયોજન કરવાનો મૂળ હેતુ જ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આવે અને કઈ રીતે કૉલેજના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન સિસ્ટમ, ક્લાસરૂમ્સને અપગ્રેડ કરી શકાય, એ માટે શું-શું કરવું જોઈએ એની ચર્ચા-વિચારણા કરવાનો છે.’
જુલાઈ-૨૦૨૨માં આ સિડેનહૅમ એલ્યુમની એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી હતી. રિયુનિયન એક એવું મંચ છે કે જ્યાં કૉલેજના પ્રિન્સિપલ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ સાથે સંકળાયેલા લોકો અને વિદ્યાર્થીઓ ભેગા મળી શકે છે, એવું અજિત લાલવાણીએ વધુમાં જણાવ્યું હતું.
૨૩મી ડિસેમ્બર, ૨૦૨૨ના સાંજે સાડાસાત વાગ્યે વિલિંગ્ડન ક્લબ ખાતે યોજાનારા રિયુનિયનમાં સિડેનહૅમ કોલેજમાં જ ભણી ચૂકેલા દીપક પારેખ (એચડીએફસી ગ્રૂપના ચૅરમેન), કેકી મિસ્ત્રી (એચડીએફસીના સીઈઓ), નિરંજન હિરાનંદાની (હિરાનંદાની ગ્રૂપના ચૅરમેન, ફાઉન્ડર), ફાલ્ગુની નાયર (નાયકાનાં ફાઉન્ડર), ઉદય કોટક (કોટક બેંક), કુમારમંગલમ બિરલા (બિરલા ગ્રૂપના ચૅરમેન), શૈલેશ હરીબક્તી (ઈન્ડિયાના બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ), જૂહી ચાવલા, રીતિક રોશન, દિલિપ પિરામલ (વીઆઈપી લગેજ) હાજર રહેશે, એવું અજિત લાલવાણીએ ઉમેર્યું હતું.