કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘મોદી’ અટક અંગેના બદનક્ષી કેસમાં સ્ટે માટેની રાહુલ ગાંધીની અરજી પરનો આદેશ અત્રેની સેશન્સ અદાલતે તા. 20 એપ્રિલ પર મુકર્રર કર્યો છે. આજે અદાલતમાં બંને પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ વિશેષ જજ આર.પી. મોગેરાએ આ કેસમાં તા. 20 એપ્રિલે આદેશ કરાશે, એમ જણાવ્યું હતું.
ગત તા. 23મી માર્ચના રોજ સુરત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમણે વર્ષ 2019માં એક ચૂંટણીસભાને સંબોધતાં કરેલી ‘બધા જ ચોરને મોદી અટક કેમ હોતી હશે’ની ટિપ્પણી બદલ ગુનેગાર ગણીને બે વર્ષની કેદની સજાનો આદેશ આપ્યો હતો. તેમણે આ ચુકાદાની વિરુદ્ધ સેશન્સ અદાલતમાં અપીલ કરી હતી. તેમણે આ કેસમાં પોતાને દોષિત ઠેરવવા સામે સ્ટે માટે પણ અદાલતને વિનંતી કરી હતી.