નવી દિલ્હી: વેપાર-ઉદ્યોગમાં અગ્રણી અદાણી ગ્રૂપ પર છેતરપિંડીના આરોપોની ચર્ચાના વિરોધ પક્ષોના સાંસદોના હઠાગ્રહને પગલે સોમવારે રાજ્યસભાની બેઠક કોઈપણ કાર્યવાહી વગર મોકૂફ રખાઈ હતી. સોમવારે સવારે શરૂઆતના તબક્કામાં અદાણીના મુદ્દે ચર્ચાની માગણી સાથે ધાંધલને પગલે ગૃહની બેઠક બપોરે બે વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. અમેરિકાના ઍક્ટિવિસ્ટ શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર છેતરપિંડીના વ્યવહારો અને શૅરોના ભાવોમાં ગોલમાલના આરોપો પણ મુક્યા હતા.
બપોરે બે વાગ્યે બેઠક ફરી શરૂ થઈ ત્યારે પણ વિપક્ષી સભ્યોએ અદાણી ગ્રૂપ વિશે ચર્ચાનો હઠાગ્રહ રાખ્યો હતો. એ વખતે ગૃહના અધ્યક્ષ જગદીપ ધનખડે એ આગ્રહ માન્ય ન રાખતાં સભ્યોને ગૃહની કાર્યસૂચિ પરનાં કામકાજ પૂરાં કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સૌને તેમની વાત રજૂ કરવાની તક અપાશે. તમારો આગ્રહ તાર્કીક નથી. તેની સામે કેટલાક વિપક્ષી સાંસદોએ તીવ્ર પ્રત્યાઘાતો વ્યક્ત કરતાં માગણીના અનુસંધાનમાં બુલંદ અવાજે સૂત્રોચ્ચાર કરવા માંડ્યો હતો. વિરોધ પક્ષોએ અધ્યક્ષની વિનંતીને માન ન આપતાં જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી આવતી કાલ પર મુલતવી રાખી હતી.
સોમવારે રોજના સમય પ્રમાણે રાજ્યસભાની બેઠક શરૂ થઈ ત્યારે ગૃહનું પૂર્વ નિર્ધારિત કામકાજ પડતું મૂકીને અદાણી ગ્રૂપની ચર્ચા હાથ ધરવાની માગણી કરતી વિવિધ વિરોધ પક્ષોના નેતાઓની દસેક નોટિસો અધ્યક્ષ જગદીપ ધનખડે સ્વીકારી નહોતી. નોટિસોના અસ્વીકાર સામે વિપક્ષી સાંસદોએ વિરોધ દર્શાવ્યો હતો. જોરશોરથી સૂત્રોચ્ચાર કરતા સાંસદોને શાંત પાડવા વારંવાર કરેલી વિનંતીઓ માન્ય ન રખાતાં પહેલી વખત ગૃહનું કામકાજ બપોરે બે વાગ્યા સુધી મોકૂફ રખાયું હતું. બપોરે બે વાગ્યે પણ વિપક્ષી સાંસદોએ ધાંધલ ચાલુ રાખતાં અધ્યક્ષે દિવસનું કામ પૂર્ણ જાહેર કરીને બેઠક કાલ પર મુલતવી રાખી હતી. અગાઉ બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ પણ વિપક્ષોની ધાંધલને પગલે ગૃહનું કામકાજ ખોરવાયું હતું.
દરમિયાન હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં વેપાર-ઉદ્યોગના અદાણી ગ્રૂપ સામે છેતરપિંડી અને શૅરોના ભાવોમાં ગોલમાલના આરોપોને બાબતે વિરોધ અને એ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માગણી સાથે વિપક્ષી સાંસદોની ધાંધલને પગલે સોમવારે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી. સ્પીકરે વિપક્ષી સાંસદોને તેમની વાત રજૂ કરવાનો પુરતો સમય આપવાની બાંયધરી આપ્યા છતાં તેમણે શોરબકોર ચાલુ રાખ્યો હતો.
સોમવારે સવારે લોકસભાની બેઠક શરૂ થતાંની સાથે કૉંગ્રેસ તથા અન્ય પક્ષોના સંસદસભ્યો ‘અદાણી સરકાર શેમ શેમ’ના સૂત્રોચ્ચાર કરતાં ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. તેઓ અદાણી ગૂ્રપના શૅરોના ભાવ ગગડી જવા અને એ કૉર્પોરેટ ગ્રૂપની બિઝનેસ પ્રૅક્ટિસિસની તપાસની માગણી કરી રહ્યા હતા. સ્પીકરે વિરોધ પક્ષોના સંસદસભ્યોને તેમની ખુરશીઓ પર પાછા જઇને ગૃહની પૂર્વ નિર્ધારિત ચર્ચાઓમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો. સ્પીકરે તેમને પોતાની ચૅમ્બરમાં આવીને માગણીઓની ચર્ચાનું આપેલું આમંત્રણ તેમણે સ્વીકાર્યું નહોતું. કૉંગ્રેસ તથા અન્ય પક્ષોના સભ્યોએ વિનંતી ન સ્વીકારતાં સ્પીકરે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી. (એજન્સી)