નવી દિલ્હી: ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ વિરોધ પક્ષોની એકતાની દિશામાં પ્રાદેશિક અને એકથી વધુ રાજ્યોમાં પ્રભાવ ધરાવતા વિરોધ પક્ષો સક્રિય થયા છે. સોમવારે કોલકાતામાં પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવની મુલાકાતમાં વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની તૈયારી વિશે ચર્ચા કરવામાં આવી હતી. નીતિશકુમારે કોલકાતામાં મમતા બેનરજી સાથે મંત્રણા પછી લખનઊમાં સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ સાથે પણ વિપક્ષી એકતાની ચર્ચા કરી હતી.
મમતા બેનરજી (તૃણમૂલ કૉંગ્રેસ), નીતિશકુમાર (જનતા દળ-યુનાઇટેડ) અને તેજસ્વી યાદવ (રાષ્ટ્રીય જનતા દળ)ની એકાદ કલાકની બંધ બારણે મંત્રણામાં વિપક્ષી એકતા બાબતે તેમના પક્ષોના વલણની ચર્ચા કરવામાં આવી હતી. મમતા બેનરજીએ નીતિશકુમારને વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે ‘વિપક્ષોની સહિયારી તૈયારી’ માટે બિહારમાં વિરોધ પક્ષોનું સંમેલન યોજવાનો અનુરોધ કર્યો હતો. કટોકટી સામેની ચળવળ અને ‘સંપૂર્ણ ક્રાંતિ’ ચળવળના પ્રણેતા જયપ્રકાશ નારાયણે આંદોલનનો પાયો તેમના વતનના રાજ્ય બિહારમાં નાખ્યો હોવાથી વિપક્ષી એકતા સંમેલન બિહારમાં યોજવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.