નીતીશ-તેજસ્વીની અદાણીના મિત્ર રાહુલ ગાંધી હવે ઉદ્દીપક
કૉંગ્રેસ સાથે બેઠક પવાર ખડગેના પડખે ની જ ભૂમિકામાં
કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ
જોરશોરથી પ્રચારિત કરવામાં આવતું હતું એનાથી વિપરીત વિપક્ષો આગામી લોકસભાની ચૂંટણી માટે એક થઇ રહ્યાના સંકેત વીતેલા સપ્તાહમાં દિલ્હીમાં યોજાયેલી બેઠકો અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં ઉઠેલા અસંતોષના તોફાને આપ્યા છે. વિપક્ષનો એક મોરચો થશે કે વધુ મોરચા રચાશે એ કશ્મકશ હજુ ચાલુ રહેવાની, પરંતુ બિહારના મુખ્યમંત્રી અને જનતાદળ (યુનાઇટેડ)ના સુપ્રીમો નીતીશકુમાર અને એમના નાયબ મુખ્યમંત્રી તથા લાલુ પ્રસાદના રાજકીય વારસ એવા રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના તેજસ્વી યાદવે કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક કરી. એમાં ખડગે ઉપરાંત કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થયા પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે પણ નીતીશ-તેજસ્વીની બેઠક થઇ એ શુભ સંકેત જરૂર આપે છે. બીજા જ દિવસે મુંબઈથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સુપ્રીમો શરદ પવાર પણ ખડગેના નિવાસસ્થાને આવીને કૉંગ્રેસના નેતાઓ ખડગે અને રાહુલ સાથે બેઠક કરીને વિપક્ષી એકતા પર ભાર મૂકીને કેજરીવાલ અને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી સાથે પણ મંત્રણા કરીને વિપક્ષી એકતા મજબૂત કરવાના સંકેત આપ્યા છે. સામે પક્ષે ભાજપ અને એના સમર્થકો કૉંગ્રેસના એક માત્ર નેતા રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા હોવાનું જોતાં તેઓ રાહુલથી ગભરાટ અનુભવતા હોવાનું સ્પષ્ટ થાય છે. સુરતની અદાલતના ચુકાદા પછી સાંસદ તરીકે ગેરલાયક ઠરાવાયેલા રાહુલ જેલવાસી થાય કે આઠ વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે તેની ગોઠવણ થઇ રહ્યા છતાં રાહુલને જ ટાર્ગેટ બનાવાય એ સત્તાધીશોમાં પ્રવર્તતા છુપા ડરના સંકેત આપે છે.
રાજ્યોના સૂબાઓની ગડમથલ
મહારાષ્ટ્રમાં શિવસેના-ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસ સાથે પવારની પાર્ટીનું જોડાણ છે. શરદ પવારના ભત્રીજા અજિતદાદાને ફરી પટાવવાની અને કેટલાંક કૌભાંડોમાં સંડોવવાની કોશિશો તેમને ભાજપ ભણી જવા માટે પ્રેરવાના પ્રયાસો હોઈ શકે, પરંતુ જેમ છાસવારે લાલુ યાદવના પરિવાર અને ખાસ કરીને તેજસ્વીને કેન્દ્રીય એજન્સીઓ કનડે છે છતાં હજુ મચક આપી નથી તેમ પવાર પરિવાર પણ પોતાની એકતા જાળવે એવું બને. બિહારમાં કૉંગ્રેસ જેડી(યુ) અને આરજેડી તેમ જ ડાબેરી પક્ષો સાથેના મહાગઠબંધનમાં છે. તમિળનાડુમાં દ્રમુકના સુપ્રીમો અને મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન સાથે કૉંગ્રેસનું જોડાણ છે. કેરળમાં ડાબેરી મોરચો શાસન કરે છે અને એ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે કેન્દ્રના રાજકારણમાં વિપક્ષે રહેવાનું પસદ કરે એવી શક્યતા રહેવી સ્વાભાવિક છે. કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં, ખાસ કરીને રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં, આંતરકલહ શમાવવાના પ્રયાસોમાં પણ મોવડીમંડળ સક્રિય છે. તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિના સુપ્રીમો અને મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ માટે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મધુર સંબંધ રહ્યા નથી. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તો કૉંગ્રેસમાંથી છૂટા થયેલા ગુલામનબી આઝાદનો બટુક પક્ષ કેટલો કામ આવે એ કહેવું મુશ્કેલ છે. અહીં નેશનલ કૉંગ્રેસના ડૉ. ફારુક અબદુલ્લાહ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નાં મહેબૂબા મુફ્તી ભાજપ સાથે જવાનું ટાળે. રાજસ્થાનમાં ડૉ. અબદુલ્લાહના જમાઈ સચિન પાઈલટ કૉંગ્રેસ છોડે તો કદાચ એનસીની ભૂમિકા બદલાય, પરંતુ પવારની સક્રિયતા એમને એમ કરતાં વારી શકે. ઓડિશા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ અનુક્રમે નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડી હજુ પોતાના પક્ષનો ટેકો ભાજપની વ્હેલમાં આપે છે, પરંતુ ક્યારે એ વંડી ઠેકી જવાનું પસંદ કરે એ કહેવું મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તો વિપક્ષે છે, પણ બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં સુપ્રીમો માયાવતી હજુ કેન્દ્રીય એજન્સીઓના સંભવિત ડરથી ખુલ્લેઆમ વિપક્ષી મોરચામાં આવવાને બદલે પોતાના એકલવીરના સૂર કાઢે છે. જોકે આ બધા પક્ષો કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દબદબાને કારણે જ વિપક્ષી એકતામાં જોડાવાની બાબતમાં સંકોચ અનુભવે છે, પરંતુ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી કેવી દિશા પકડે છે એના પછી વિપક્ષી મોરચો દોડવું હતું ને ઢાળ મળ્યા જેવી સ્થિતિમાં જોવા મળશે.
એકતા પહેલાં, નેતા પછી
ભારતીય જનતા પક્ષ થકી રાહુલ ગાંધી પરના સતત મારાને જોતાં એ મોદી વિરુદ્ધ રાહુલ કરીને લાભ લેવા માગે છે. મોદી સમાજ સામે રાહુલનાં કથિત ઉચ્ચારણો અંગે કૉંગ્રેસને ઓબીસી સમાજ વિરુદ્ધ ગણાવવાની સત્તારૂઢ પક્ષ અને એના સોશિયલ મીડિયાની કોશિશો સફળ થતી લાગતી નથી. સામે પક્ષે, કૉંગ્રેસે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેને ચૂંટીને માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે, કારણ કે ખડગે પીઢ કૉંગ્રેસી હોવા ઉપરાંત દલિત પણ છે. ભાજપના નેતા મોદી ચા વેચવાવાળા તરીકે પોતાને ઓબીસી સમાજના નેતા ગણાવવા માંડ્યા ત્યારે ખડગેએ તો મ્હેણું માર્યું હતું કે મારી તો કોઈ ચા પણ નહોતું પીતું. કર્ણાટકમાં ચૂંટણી જાહેર થવા પૂર્વે જ મુસ્લિમોને ઓબીસી ક્વોટામાં મળેલી ૪ ટકા અનામત રદ કરીને બબ્બે ટકા લિંગાયત અને વોક્કલિંગા સમાજને આપવાનો નિર્ણય કરીને કર્ણાટકની ભાજપ સરકારે મુસ્લિમો વિરોધી ઝુંબેશ પણ ચાલુ રાખી છે, પણ સાથે જ જેમને અનામત ફાળવી એ સમાજના મત મેળવવા માટે ભરસક પ્રયાસો આદર્યા છે. મામલો સુપ્રીમ કોર્ટે ગયો છે. કમનસીબે ભાજપના સંઘનિષ્ઠ પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર જેવા લિંગાયત નેતાઓ પણ ટિકિટ ફાળવણીના મુદ્દે વટક્યા છે. ભાજપના ઘણા નેતાઓએ રાજીનામાં આપ્યાં અને કેટલાક વર્તમાન કે પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રી કૉંગ્રેસમાં જોડાયા છે. ઓછામાં પૂરું કર્ણાટક વિધાનસભામાં સહકારી દૂધ ઉત્પાદક નંદિની વિરુદ્ધ ગુજરાતની અમૂલ બ્રાન્ડનો મુદ્દો પણ ઉછાળ્યો છે. ગુજરાતી નેતાઓ અંગે પણ ક્ધનડિગા પ્રજામાં નોખો ભાવ પ્રગટી રહ્યો છે. વડા પ્રધાન મોદીએ આક્રમક પ્રચાર માટે કર્ણાટક જવાનું ટાળ્યું છે. એનો હવાલો ગૃહમંત્રી અમિત શાહ અને સ્થાનિક નેતાગીરીને સોંપાયો છે. દક્ષિણના આ રાજ્યમાં પક્ષાંતર થકી જ ભાજપે સત્તા હસ્તગત કરી હતી એટલે આ વખતની આ ચૂંટણીનું પરિણામ કેવું આવે છે એના પર આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી તેમ જ વિપક્ષી એકતા પર મદાર છે.