‘ભારતમાં બેઠેલા કેટલાક દુશ્મનો એક્ટિવ થયા છે. કોઇ પણ મિશન સંપથી પૂરું કરી શકાય, શંકાથી નહીં.’
અનિલ રાવલ
‘શું.? મહેશ, રાહુલ અને કબીરમાંથી કોઇ એક ડબલ એજન્ટ છે.?’ સપનામાં પણ ન વિચારી શકાય એવી વાત સાંભળીને માયા ચિત્કારી ઊઠી.
શું વિજય બત્રાની વાત સાચી હશે.? એને કઇ રીતે ખબર પડી.? હું તો વિજય પોતે જ ડબલ એજન્ટ હોવાની શંકા સાથે આવી છું, પણ એણે તો શંકાની બંદૂકનું આખું નાળચું ફેરવી નાખ્યું. ભારતમાં એનું નેટવર્ક હશે જ. એ અહીં બે વર્ષથી છે એટલે એનું નેટવર્ક બહોળું હોઇ શકે છે. નક્કી કોઇ ડબલ બેનિફિટ હોવો જોઇએ, પણ મને વિશ્ર્વાસમાં લેવાનું કારણ શું અને મને જ આ વાત શા માટે કરી.? માયાએ વીજળીના ઝબકારાની ઝડપે વિચારી લીધું.
‘ત્રણમાંથી કોઇ એક ડબલ એજન્ટ છે એટલી ગુપ્ત માહિતી તમને મળી છે તો એ માણસ કોણ છે એ બાતમી મેળવતા તમને વાર નહીં લાગે.’
‘મારી કોશિશ ચાલુ જ છે, પણ મેં તને ચેતવવા માટે આ વાત કરી છે.’
‘મને ચેતવવાની જરૂર નથી…આ વાત જો સાચી હોય તો આપણે ચેતી જવાની જરૂર છે…મારે એકલીએ નહીં. અને હા, તમને જેણે કહ્યું એણે મારું નામ કેમ ન લીધું. હું પણ ડબલ એજન્ટ હોઇ શકું છું.’
‘જેણે મને કહ્યું એણે તારું નામ નથી લીધું.’
‘હું ક્યાં રહું છું એની તમને ખબર છે તો મહેશ, રાહુલ અને કબીર ક્યાં છે એની પણ ખબર જ હશે તમને.’
‘ના, મને ખબર નથી.’
‘પહેલા એ શોધો કે ત્રણેય જણ ક્યાં છે અને એમાંથી ડબલ એજન્ટ કોણ છે.’ બોલીને માયાએ વિજયની આંખોમાં આંખ નાખીને કહ્યું: ‘જે કોઇ ડબલ ગેમ ખેલતું હશે એનો ખેલ હું ખતમ કરીશ.’
‘કોનો ખેલ ખતમ કરવો છે મેડમ.?’ કબીરે એન્ટ્રી કરી.
કબીર વિજયના ઘરમાં શું કરે છે.? માયા માની શકતી નથી. બેકગ્રાઉન્ડમાં વિજય બત્રાના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. માયા વિજય બત્રાની નૌટંકી સમજી ગઇ.
‘યુ ચીટર…..તમે ફરી નાટક કર્યું. તમારી આ મજાક કરવાની ખતરનાક આદત….ક્યારેક મોંઘી પડશે.’
‘સોરી, સોરી, પણ આ વખતે નાટક ભજવવામાં કબીર પણ સામેલ છે.’
હવે કબીરના હસવાનો અવાજ આવ્યો..
‘મને ખાતરી હતી કે વિજય નામ સાંભળીને તું મને મળવા ફોન કરીશ.’
હું પણ તને મળવા ઉતાવળી હતી….મિ. ડબલ એજન્ટ એની તને ક્યાં ખબર હતી. માયા બોલી નહીં, પણ એના હોઠ પર સ્મિત ફરક્યું.
ત્રણેય જણ ગોઠવાયાં. ચા-કોફી અને બિસ્કિટ મુકાયાં. માયા ચાની સિપ મારતા વિચારી રહી હતી કે વિજયે બીજું કાંઇ નહીંને ડબલ એજન્ટનું નાટક શા માટે કર્યું. માણસ પોતે જેવો હોય એવું વિચારે. એણે કબીરને પોતાને ત્યાં રાખ્યો…..જેથી ગુપ્ત માહિતીની સૌથી પહેલાં એને જાણ થાય.. હું જ્યાં રહું છું એમના વિશે એને બધી જ ખબર છે. દિલ્હીમાં બેઠેલી વ્યકિત એના કોન્ટેક્ટમાં છે. કદાચ એ ચીફ ગોપીનાથ રાવ હોઇ શકે.
માયાએ ગરમ ચાની બીજી સિપ મારી અને ગરમાગરમ ચાનો ચટકો લાગ્યો. એનો વિચાર તૂટ્યો.
‘શું વિચારે છે માયા.?’ વિજયે પૂછ્યું.
‘કાંઇ નહીં, ચાની મજા માણી રહી છું.’
‘હું કહું તને કે તું શું વિચારે છે.’
‘અચ્છા, કહો હું શું વિચારું છું.?’
‘તું વિચારે છે કે હું ડબલ એજન્ટ છું.’ વિજય હસ્યો.
માયા હબક ખાઇ ગઇ. આ માણસને કેમ ખબર પડી. એ મજાકિયો છે કે પછી મજાકમાં બધું કહીને શાણો બને છે. પહેલા દિવસથી જીવ જોખમમાં મૂકતી મજાક કરતો આવ્યો છે. એ ખડખડાટ હસી પડી, પણ એના હસવા પાછળ ગંભીરતા છૂપાઇ હતી.
‘ના રે હું એવું કાંઇ વિચારતી નહતી.’ કબીર ચૂપ હતો.
‘એક મિનિટ તમે બંને અંદર આવશો.?’ વિજયે કહ્યું.
‘માયાએ કબીરની સામે જોયું. બંને ઊભા થયાં અને વિજયની સાથે અંદર એના બેડરૂમમાં ગયાં. વિજયે સામેની દીવાલ પર જડેલો અરિસો ખસેડ્યો. અંદર ખાનામાં મોર્સ કોડ મશીન પડ્યું હતું. વિજયે કાંડા ઘડિયાળ પર નજર કરતા કહ્યું: વેઇટ મેસેજનો ટાઇમ થઇ ગયો છે.’
‘બીપ બીપ બીપ’ લાંબા અને ટૂંકા બીપના અવાજ સાથે મેસેજ ઉતરવા લાગ્યો. વિજયે માયાને મેસેજ વાંચવા ઇશારો કર્યો.
‘ન્યુક્લીઅર પ્લાન્ટ શોધી કાઢવાનું મિશન પ્રાયોરિટી છે..પણ આ એકમાત્ર મિશન નથી. મિશનની પાછળ બીજું મિશન જોડાયેલું હોય છે…જે અણધાર્યું મિશન હોઇ શકે. કદાચ લીડ મળશે. એ લીડ કદાચ મિસલીડ પણ હોઇ શકે. ભારતમાં બેઠેલા કેટલાક દુશ્મનો એક્ટિવ થયા છે. કોઇપણ મિશન સંપથી પૂરું કરી શકાય, શંકાથી નહીં.’ માયાએ મેસેજ સંભળાવ્યો. છેલ્લી લાઇન જરા મોટે અવાજે બોલીને વિજયની સામે જોયું. ડબલ એજન્ટની એની શંકા વિખેરાઇ ગઇ, પણ ચીફનો સંપથી રહેવાનો અને શંકા નહીં કરવાનો ઇશારો કરતો મેસેજ મગજમાં ઘુમરાયા કર્યો.
‘ચીફે સંપની વાત શા માટે કરી.?’ માયાએ પૂછ્યું.
‘ચીફનો અનુભવ બોલતો હશે.’ વિજયે કહ્યું.
‘મને કોઇ પર શંકા નથી.’ માયા બોલી.
‘આપણે ન્યુક્લીઅર પ્લાન્ટ સુધી પહોંચવું છે…અને એ પણ જલદી.’ શંકા કુશંકાથી પર રહેલા કબીરે કહ્યું.
‘મહેશ અને રાહુલ ક્યાં છે.?’ માયાએ વાતનો દોર બદલ્યો.
‘રાહુલ ઇસ્લામાબાદની એક હોટલમાં વેઇટર છે અને મહેશ રાવલપિંડીમાં ઢાબળા વેંચે છે. એની પાસે મારો નંબર પહોંચી ગયો છે, પણ એનો ફોન આવ્યો નહીં એટલે સહેજ ચિંતા થાય છે.’ વિજયે મોર્સ કોડ મશીન અંદર મૂકતા ને અરિસો પાછો ખસેડતા કહ્યું.
***
દિવસે પેલો શખસ મહેશને દુકાનમાં મૂકીને બહાર નીકળ્યો. એક પબ્લિક ફોન બૂથ પર જઇને કોલ લગાડ્યો. પાંચ જ સેક્ન્ડમાં ફોન મૂકીને એ અદ્રશ્ય થઇ ગયો.
મહેશ આંચલ સાથેની વાતો વાગોળતો સૂવાની તૈયારી કરતો હતો ત્યાં અચાનક કોઇનો અવાજ આવ્યો. એ સટ્ટાક ઊભો થઇ ગયો..મોં પર કાળું કપડું વીંટીને આવેલો એક શખસ સામે રિવોલ્વર તાકીને ઊભો હતો. ગોળી મારે એ પહેલાં મહેશે એના હાથ પર લાત મારી. રિવોલ્વર દૂર પડી ગઇ. પેલા માણસે ધસી જઇને મહેશના માથામાં પોતાનું માથું અફળાવ્યું. મહેશને તમ્મર આવી ગયા. એણે માથું ઝકઝોળ્યું ને એક મુક્કો પેલા શખસના જડબા પર માર્યો. એ રિવોલ્વર પાસે જઇને પડ્યો. રિવોલ્વર લેવા જાય તે પહેલાં મહેશે લાત મારીને રિવોલ્વર દૂર હડસેલી અને એની ગરદન ફરતે હાથ વીંટાળી દીધો. પેલા શખસે મહેશની ચુંગાલમાંથી છૂટવાના ખૂબ પ્રયાસ કર્યા પણ શ્ર્વાસ રુંધાવા લાગ્યો. પગ પછડાવા લાગ્યા. એ તરફડવા લાગ્યો. અંતે એણે આખરી શ્ર્વાસ લીધો પરંતુ મહેશ પાસે નિરાંતનો શ્ર્વાસ લેવાનો સમય નહતો. એ પેલા શખસને ઢાબળો ઓઢાળીને ત્યાંથી સરકી ગયો. એ કોણ હતો શખસ. જાણવું જરૂરી હતું. એણે દુકાનની આસપાસ, ચોરાહા પર વોચ રાખી. ચાર રસ્તાને ખૂણે આવેલા ફોન બુથ પર નજર માંડી. દુકાનમાં ન દુકાનદાર ચાચા આવ્યો, ન પોલીસ આવી કે ન કોઇ લાશ લઇ ગયું. એને આશ્ર્ચર્ય ન થયું, પણ એક વાત સમજાઇ ગઇ કે પોતાને ખતમ કરવાનું આ એક કાવતરું હતું. કાતવતરું કોણે ઘડ્યું હતું. પેલા માણસને કોણે મોકલ્યો હતો એ જાણવું જરૂરી હતું. અચાનક એણે દુકાને મૂકી જનારા શખસને ફોન બૂથમાં જતા જોયો. વાત પતાવીને એ પાંચેક સેક્ધડમાં બહાર આવ્યો. નજીકની એક સાંકડી ગલીમાં ગયો. મહેશે એનો પીછો કર્યો. પેલો શખસ એક જૂના મકાનમાં ગયો. અંદર રૂમના એક ખૂણાંમાં મોંએ ડૂચો અને હાથપગ બાંધી રાખેલો એક માણસ હતો. પેલો માણસ એને છોડવા માટે કરગરવા લાગ્યો. એની આંખોની વિનવણીની દરકાર કર્યા વિના પેલા શખસે એની ગોળી મારી ખતમ કર્યો. કામ ખતમ કરીને એ પાછળ ફર્યો. મહેશ એની પીઠ પર રિવોલ્વર મૂકીને ઊભો હતો. મહેશે એના હાથમાંથી રિવોલ્વર આંચકી લીધી હવે બે રિવોલ્વર એની સામે તકાઇ હતી.
‘બતાઓ. કૌન હો તૂમ.? ઝ્યાદા વક્ત નહીં હૈ મેરે પાસ.’
‘એ શખસ અચકાયો. મુઝે કૂછ પતા નહીં’ બોલીને છોડી દેવાની વિનંતી કરવા લાગ્યો, પણ લમણે મુકાયેલી રિવોલ્વરનું ટ્રીગર દાબતા વાર નહીં લાગે એવી આખરી મહેતલ મળ્યા પછી એની જુબાન ખુલી.
‘યહ આદમી કંબલ બેચનેવાલા થા. ઇનકો પકડ કે મૈને યહાં બાંધ દિયા. ફિર કંબલ બેચનેવાલા બન કર તુમકો દુકાન પર છોડ આયા. તુમકો ખતમ કરને કે બાદ ઇનકો ખતમ કરને કા ઓર્ડર થા. બસ મુઝે ઇતના હી કરના થા.’
‘કિસકા ઓર્ડર થા.?’ એ બોલવા તૈયાર ન હતો.
‘મૈં પાંચ તક ગીનતી કરતા હું. આગે કી ગીનતી મુઝે નહીં આતી.’ મહેશે ત્રણ સુધી ગણતરી કરી પછી એ બોલ્યો.
‘પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરો કા’
‘અભી કિસકો ફોન કિયા.?’ ‘ખુફિયા એજન્સી કો’
‘નામ બતાઓ.’.‘હરગીઝ નહીં બતાઉંગા.’
‘મેરે પાસ વક્ત નહીં હૈ.’‘નામ નહીં બોલુંગા, ગોલી માર દો મુઝે’ મહેશે એ શખસની જ રિવોલ્વરમાંથી ગોળી
ધરબી દીધી.
‘મેરે પાસ વક્ત નહીં હૈ.’ બોલતા એણે રિવોલ્વર પરથી પોતાના આંગળાની છાપ ભૂંસીને એ શખસના હાથમાં થમાવી દીધી.પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરોને મિશન શાદીની બાતમી મળી ગઇ છે. કોઇ તો જાણભેદુ છે જે અમારું પગલે પગલું દાબી રહ્યો છે. એના પગલાં ભૂંસતા જવું પડશે. પાકિસ્તાનની ધરતી પર રહીને પોતાને મદદ કરનારો એક સાચો ઢાબળાવાળો માર્યો ગયો એના ક્ષણિક અફસોસ સાથે મહેશ ત્યાંથી નીકળી ગયો.
***
કેફે લશ્કરીમાં નિહારી, બે કરારી રોટી અને છેલ્લે પાયા સૂપનો ઓર્ડર આપનારા ઓફિસરને રહેમતની સેવાની આદત પડી ગઇ હતી. રહેમત પણ એના આવવાના ઇન્તેજારમાં રહેતો. ઓફિસર આવે કે તરત જ એનું ટેબલ ચકચકિત કરી આપતો, ઠંડા પાણીનો ગ્લાસ મૂકતો અને ઓર્ડરની રાહ જોયા વિના કિચનમાં દોડી જતો. નાસ્તો કર્યા પછી વોશબેસીન પાસે એમની પાછળ નેપકિન લઇને ઊભો રહી જતો. ઓફિસરને રહેમતની આ લશ્કરી શિસ્ત ગમતી, પણ ક્યારેય એમની પ્રશંસા કરતો નહીં. છેલ્લે ટિપ આપતી વખતે એ એમની કરારી રોટી જેવી કડક નજરે રહેમતને જોઇ લેતો. રહેમત લશ્કરી સિપાહીની માફક, શિસ્તબદ્ધ ઓર્ડરલીની જેમ નજર નીચી રાખતો, પણ એના ધ્યાનમાં ઓફિસરની દરેક હિલચાલ, વર્તન, રીતભાત રહેતા. જોકે ઓફિસરની આ લશ્કરી ઢબમાં કોઇ ફરક દેખાતો નહીં. એ જ ચાલ, એ જ ઢાલ, એ જ નજર અને એ જ હાવભાવ. આમ છતાં રહેમતને એમની કડક નજરમાં પોતાના પ્રત્યેના નજરિયામાં ફરક પડતો દેખાતો.. રહેમત એ જ ઇચ્છતો હતો. રહેમતની આમાં કોઇ ચાલ હતી.. એમાં બેમત નથી. પણ ચાલ શું હતી.? કારણ કે રહેમતે એનું નામ પણ પૂછવાની કે જાણવાની હજી સુધી દરકાર કરી ન હતી. એક સવારે ઓફિસર મૂડમાં નહીં હોવાનું રહેમતને લાગ્યું. રાબેતા મુજબ એણે નાસ્તો કર્યો. હાથમાં ટિપ પકડાવી. પછી હોટેલમાલિક પાસે જઇને કહ્યું: ‘સબ કો કિચનમેં સે બહાર નિકાલો.’ હોટલ માલિકનો આદેશ સાંભળીને અલીએ બધાને કિચનમાંથી બહાર કાઢ્યા. ‘ચલો અંદર.’ ઓફિસરનો કડક અવાજ રહેમતના કાને અફળાયો. આ બધું શું થઇ રહ્યું હતું એની કોઇને સમજ ન પડી. કદાચ પહેલીવાર કેફે લશ્કરીમાં આવી ઘટના બની હતી. બંને કિચનમાં ગયા.
‘રહેમત, મેરા નામ કેપ્ટન અખ્તર હુસેન હૈ. ઇસ કિચનમેં ક્યા પક રહા હૈ.? બતાઓ મુઝે.’ એમ કહીને એમણે એક પછી એક તપેલાના ઢાંકણ ખોલી નાખ્યા.
રહેમતે સહેજ પણ વિચલિત થયા વિના તપેલામાં પડેલી વાનગીના નામ આપ્યા. યહ નિહારી હૈ. યહ મટન કુરમા હૈ. યહ પાયા સૂપ હૈ. યહ ખીમા હૈ.’
‘અબ તુમ અપને બારેમેં સચ બતાઓ. વરના માર માર કે તુમ્હારા ખીમા બના દુંગા.’ હવે રહેમતને સામે કયામત ઊભેલી લાગી.
***