મહેશે પૈસા ભરેલી બેગ આગળ કરી. ગુલ મોહમ્મદ શર્ટના બટન ખોલીને કવર કાઢવા ગયો ત્યાંજ બહારથી ગોળીઓની રમઝટ શરૂ થઇ’
અનિલ રાવલ
વડા પ્રધાનની ઓફિસમાંથી બહાર નીકળીને ગોપીનાથ રાવે સીગારેટ સળગાવી. એક કશ મારીને કારમાં બેઠા. બાજુની સીટ પર દર્શન ત્યાગી બેઠા. કાર સ્ટાર્ટ કરતા પહેલાં એમણે ત્યાગીને કહ્યું.
એક કામ કર. યુ આસ્ક યોર સોર્સ ટુ ઇન્ટ્રોડ્યુસ કબીર ટુ હિમ એન્ડ સ્ટાર્ટ નેગોશિયેશન ફોર ધી બ્યુપ્રિન્ટ વિથ હિમ. કેટલા પૈસા માગે છે…લેટ્સ સી’
પણ આ માટે કબીરને પિક્ચરમાં લાવવો છે?’ ત્યાગીએ પૂછ્યું.
હા, પાકિસ્તાન ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર મોહમ્મદ સાથે એણે જ વાટાઘાટો કરી હતી..અને એનો અંજામ શું આવ્યો હતો ખબર છેને.?’ રાવે કહ્યું.
પણ એ અનાપસનાપ પૈસા માગશે એનું શું કરશું.?’ ત્યાગીએ કહ્યું.
આપણે ક્યાં પૈસા આપવા છે?’ કાર ડ્રાઇવ કરી રહેલા રાવે એક ગોલાઇ પર અચાનક શાર્પ વણાંક લીધો. વણાંકને લીધે એક બાજુ નમી ગયેલા ત્યાગીએ જાતને સંભાળી લેતા કહ્યું: પણ એનાથી કબીરની ઓળખ છતી થઇ જશે.’
અને સાથે સાથે બ્યુપ્રિન્ટ વેચવા નીકળેલા માણસની પણ.’ રાવ હોઠના જમણા ખુણામાં સીગારેટ ભરાવી રાખીને દબાતા અવાજે બોલ્યા.
* * *
રાહુલ તબરોઝાની બજારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક એની નજર દિવાલ પર ચીપકાવેલા મહેશના પોસ્ટર પર પડી. સ્કેચ બનાવનારો કોઇ અણઘડ હોવાનું લાગતા એ મનોમન હસી પડ્યો. આવા બેહુદા સ્કેચ પરથી કોઇ મહેશને ઓળખી કાઢે તો ખરેખર એને ઇનામ આપવું જોઇએ. પાકિસ્તાનના પોલીસ ખાતામાં આવા કલાકારો ભર્યા હોય તો આપણા જેવાને કોઇ વાંધો નથી. આમેય મહેશ પથ્થરના ઘરમાં સલામત છે અને કોઇના પણ માટે ત્યા પહોંચવું લગભગ અશક્ય છે. રાહુલ પોસ્ટર જોતા જોતા વિચારી રહ્યો હતો.
ક્યા દેખ રહે હો મિયાં…દેખા હૈ ઇસકો કહીં.?’ એક ભેદી અવાજ કાને અફળાયો.
રાહુલે બાજુમાં ઊભા રહીને પોસ્ટર જોઇ રહેલા એ અજાણ્યા શખસની સામે શંકાથી જોયું.
નહીં..નહીં’ રાહુલે ટૂંકમાં પતાવ્યું.
ક્યા નામ હૈ તુમ્હારા.?’ માણસનો અવાજ અને ચહેરો બંને ભેદી હતા.
રહેમત..ક્યું?’ રાહુલે એને પગથી માથા સુધી જોયો.
ઐસે દેખ રહે હો જૈસે તુમને ઇસે કહીં દેખા હો’ ભેદી માણસ એનો ઘેરો અવાજ રાહુલના કાન સુધી તરતો મૂકીને ચાલતો થયો.
આટલું સ્પષ્ટ કહેનારો માણસ મને ઓળખતો હશે.? ઓળખતો હોય અને પીછો કરતો હોય તો ઊભો રહીને આગળ વાત કેમ ન કરી.? રાહુલે આશ્ચર્યથી ખભા ઊછાળ્યા. ને કબીરને મળવા મસ્જિદમાં ગયો, પણ કબીર ત્યાં નહતો. થોડીવાર રાહ જોવાનું વિચારીને એક ઓટલા પર બેઠો ભેદી. શખસ અચાનક પ્રગટ થયો. બાટલીમાંથી બહાર આવીને જીન સામે આવીને ઊભો રહે એમ ઊભો રહ્યો. હવે રાહુલની શંકા સાથે ડર પણ જોડાયો.
કિસી કી રાહ દેખ રહે હો. મિયાં.?’ ભેદી માણસ પહેલીવાર હસ્યો.
નહીં. નમાઝ કે લિયે આયા હું.’ રાહુલ મસ્જિદની ગરિમા જાળવવાની સાથે સાથે અજાણી જગ્યાએ-સાવ અજાણ્યા ગામમાં નરમાશથી પેશ આવવા માગતો હતો.
નમાઝ યહાં બૈઠ કે પઢોગે?’ શખસ ફરી હસ્યો.
કૌન હો તૂમ. મેરા પીછા ક્યો કર રહે હો.?’ રાહુલે હિમંત કરીને પૂછ્યું.
તૂમ કૌન હો યહ બતાઓ.?’
રાહુલને થયું કે હવે ઓળખ આપવાનો સમય થઇ ગયો છે.
મૈં કેપ્ટન અખ્તર હુસેન કા ખાનસામા હું.’
યહાં કિસ સે મિલને આયે હો મિયાં.?’ ભેદી માણસનું હાસ્ય ગાયબ થઇ ગયું.
નમાઝ પઢને આયા હું…કહા ના મૈને..’ કેપ્ટનનું નામ આપ્યા પછી રાહુલનો આત્મવિશ્વાસ વધી ગયો હતો.
ચૂપચાપ નમાઝ પઢો ઓર નીકલ જાઓ.’ બોલીને એ શખસ જતો રહ્યો. રાહુલ એના વિશે વિચારતો બેસી રહ્યો. આ શખસ તબરોઝામાં છુપી રીતે ફરી રહેલા પાકિસ્તાનના ખુફિયા એજન્ટો અને સાદા પોલીસમાંથી જ કોઇ હોવો જોઇએ. એની સાથે પંગો લેવા કરતા કેપ્ટનનું નામ આપી દીધું એ સારું કર્યુ. રાહુલ વિચારતો પાછો ફર્યો ત્યારે કેપ્ટન એની રાહ જોઇને જ ઊભો હતો.
એક હી સવાલ એક હી બાર પૂછુંગા.’ કેપ્ટને કહ્યું
જી જનાબ,’ રાહુલને મામલો સમજાઇ ગયો પોતે એક ભેદી માણસને કેપ્ટનની ઓળખ આપી હોવાની વાત યાદ આવી ગઇ.
તૂમ પોસ્ટવાલે કો પહેચાનતે હો.?’
ઓહ, તો હું પહોંચુ એ પહેલાં મારી વાત કેપ્ટન પાસે પહોંચી ગઇ છે.’ રાહુલ મનમાં બબડ્યો.
જી નહીં જનાબ, મૈં નહીં જાનતા.’ રાહુલે બેખૌફ બનીને જવાબ આપ્યો.
અગર કૂછ ભી જાનતે હો યા જાનકારી મિલે તો સબસે પહેલે મુઝે બતાઓગે.’ કેપ્ટને વાત પર પરદો પાડતા કહ્યું ને એ સાથે રાહુલ સાવચેત બની ગયો કે કબીરને મળવામાં પણ મોટું
જોખમ છે.
* * *
પીઆઇબીના વડા હબીબ અન્સારીએ છેલ્લે ઇન્સ્પેક્ટર જાવેદ સાથે ફોન પર વાત કર્યા પછી પાકિસ્તાનની ઘરતી પર તબાહી મચાવનારા ઘૂસણખોરોને કોઇ પણ ભોગે પકડવા કમર કસી હતી. એની નિગાહમાં આખરી કહી શકાય એવા ખેલમાં એણે દર્શન ત્યાગી નામની મોટી માછલીને સપડાવવા બ્લુપ્રિન્ટની જાળ બીછાવી અને પોતાની એક માછલીને એટલે કે પોતાના જ એક બંદાને ગિલમાં ભરાવીને ત્યાગી તરફ ફેંકી અને ત્યાગી સપડાઇ ગયો. અન્સારી બીજી એક ચાલ રમ્યો. એણે ત્યાગીનો માણસ બનીને બ્લુપ્રિન્ટ મેળવી આપવાની વાતચીત કરનારા પોતાના જ જાસૂસ બંદાને સિફતથી ખસેડી લઇને નફીસા સાથે જેલમાં ધકેલી દેવાયેલા ગુલ મોહમ્મદ નામના ટેલિફોન ઑપરેટરને મૂકી દીધો હતો.
અન્સારીએ ગુલ મોહમ્મદને બોલાવીને કહ્યું કે જો તું મારું આ એક કામ કરી આપીશ તો તને અને તારી બીવીને છોડી દઇશ.
કાળા પાણીની સજા ભોગવી રહેલા ગુલ મોહમ્મદે જેલમાંથી છૂટાતું હોય તો કાંઇપણ કરવાની તૈયારી બતાવી.
ઇસ નંબર પર સે ત્યાગી કો કોલ કરના હૈ…..દો કરોડ… પાકિસ્તાની કરન્સી કે બદલે મેં બડા કવર દેના હૈ…હમ કહે ઉસ જગહ પર.’
આખી જિંદગી ટેલિફોનની લાઇન જોડી આપનારા ગુલ મોહમ્મદને આ જોડાણ સાવ સહેલું લાગ્યું. બદલામાં જેલમાંથી કાયમને માટે મુક્તિ.
ત્યાગીએ બ્લુપ્રિન્ટની વાત ઉતાવળે ગોપીનાથ રાવને કરી અને રાવે વડા પ્રધાન સમક્ષ પ્રસ્તાવ મૂકી જોયો, જેમાં અન્સારીની આ ચાલથી બીલકુલ અજાણ એવા રાવ અને ત્યાગીએ વડા પ્રધાનની ઓફિસમાંથી વિલે મોઢે પાછા ફરવું પડ્યું.
આ બાજુ રાવે બ્લુપ્રિન્ટ આપવાની ઓફર કરનારાનો અસલી ચહેરો જાણવા પોતાની જાળ બીછાવવાનું કામ કબીરને કામ સોંપ્યું હતું. કબીરે કોઇ કારણસર તબરોઝામાં રહેવાનું વિચારીને આખો પ્લાન કાસિમભાઇ અને મહેશને સમજાવી દીધો. કબીરે આ કદમ ગોપીનાથ રાવને વિશ્વાસમાં લીધા વિના આખુંય ઑપરેશન કાસિમભાઇના ઘરમાં કરવાનું નક્કી કર્યું.
* * *
અન્સારીના પ્લાન મુજબ ગુલ મોહમ્મદે ત્યાગી સાથે ફોન પર વાત કરી. બે કરોડની સામે કવર આપવાનો સોદો નક્કી થયો, પણ એક વાતે સોદો અટક્યો. અન્સારીના ઇશારે ગુલ મોહમ્મદે ત્યાગીને પૈસાની બેગ પોતે કહે એ જગ્યાએ આપવાનો આગ્રહ રાખ્યો. ગુલ મોહમ્મદે અન્સારીને આખીય વાત કરી. અન્સારીએ સહેજ વિચારીને ત્યાગીની વાત માન્ય રાખી. ત્યાગીએ કાસિમભાઇના ઘરેથી પૈસાની બેગ લઇને બ્લુપ્રિન્ટ આપવાની જીદ કરી હતી. અંતે બંને પાર્ટી માની ગઇ. નક્કી કરાયેલી એક રાતે ગુલ મોહમ્મદને લઇને એક કાર સીજોરા ગામે જવા નીકળી. કાસિમભાઇના ઘરથી થોડે દૂર ગુલ મોહમ્મદને ઉતારીને કાર પાછી વળી ગઇ. મનમાં ફફડાટ સાથે ગુલ મોહમ્મદે ડેલી ખખડાવી. એણે શર્ટના બટન ખોલીને અંદર મૂકી રાખેલા કવર પર હાથ મૂક્યો. કવર પાર કરીને આવી રહેલા ધબકારા તેજ થઇ ગયા હતા. કાસિમભાઇએ દરવાજો ખોલ્યો. ગુલ મોહમ્મદ ફફડા હૈયે અંદર ગયો.
કાસિમભાઇએ એને ઉપરથી નીચે સુધી ફંફોસ્યો. કાંઇ મળ્યું નહીં. અંદર આવવાનો ઇશારો કરીને
એ ગુલની પાછળ ચાલવા લાગ્યો. મહેશ એક ગોળ ટેબલ પર બેગ મૂકીને બેઠો હતો. ગુલ મોહમ્મદ સામે બેઠો. કાસિમભાઇ હાથમાં ગન સાથે થોડે દૂર ઊભા રહ્યા.
બ્લુપ્રિન્ટ લાયે હો.?’ મહેશે પૂછ્યું.
હાં, પૈસે કહાં હૈ.?’ ગુલ મોહમ્મદે કહ્યું. જવાબમાં મહેશે પૈસા ભરેલી બેગ આગળ કરી. ગુલ મોહમ્મદે શર્ટના બટન ખોલીને કવર કાઢવા ગયો ત્યાંજ બહારથી ગોળીઓની રમઝટ શરૂ થઇ. મહેશે ઝડપથી ટેબલ નીચે મૂકી રાખેલી ગન ખેંચી લીધી. પથ્થરની ઇમારતની દિવાલ પરથી ગોળીઓ પાછી ફરી રહી હતી. કાસિમભાઇએ કહ્યું: મૈં સંભાલતા હું તૂમ ઉસકો નીચે લેકે જાઓ’ કાસિમભાઇ એક બારી પાસે પહોંચી ગયા. મહેશ ગુલને બોચીએથી પકડીને નીચે ભોંયરામાં લઇ ગયો. એના મોમાં ડૂચો મારીને બાંધી દઇને પાછો આવીને ગોળીઓ છોડવા લાગ્યો. અંધારામાં ગોળી વછુટતી રહી. બહારથી એક જણે બારી પાસે ધસી આવીને કાસિમભાઇને ગોળી મારી. એક ઊંહકારા સાથે કાસિમભાઇ ઢળી પડ્યા. મહેશે ઝડપથી કાસિભાઇને બારી પાસેથી ખસેડી લીધા. સન્નાટો છવાઇ ગયો. મહેશ બારી સામે ગન તાકીને ઊભો રહ્યો. બહાર કેટલા માણસો હશે એનો અંદાજ મહેશને નહતો. એ ધીમે ધીમે લપાતો છુપાતો બારીની સાઇડમાં ઊભો રહ્યો. બહારથી એક જણે ડોકું અંદર કર્યું કે તરત જ મહેશે એને આખેઆખો અંદર ખેંચી લઇને એની છાતીમાં ત્રણ-ચાર ગોળીઓ ધરબી દીધી, પણ કમનસીબે એને પણ ગોળી વાગી હતી. ફરી થોડીવાર સન્નાટો છવાઇ ગયો. એક જણ બારીમાંથી અંદર આવ્યો. પહેલાં કાસિમભાઇને પગેથી સીધા કર્યા કે તરત જ એણે ગોળીઓથી એને ચારણી કરી નાખ્યો. ગોળીઓનો અવાજ શમ્યો નહીં ત્યાં બીજો એક જણ બારીમાંથી દાખલ થયો….મહેશ એને વીંધી નાખવા તૈયાર જ હતો. કાસિમભાઇ પર પેલો માણસ ગોળી છોડે એ પહેલાં જ એના ઢીમ ઢાળી દીધા. મહેશને ડાબા ખભા પર ઇજા થઇ હતી. કાસિમભાઇ છાતીની ઉપર જમણી બાજુ જખ્મી થયા હતા. બનેએ એકબીજાની સામે જોયું. બંનેએ બંને બારી પર નજર કરી.
લગતા હૈ…અબ કોઇ નહીં બચા?’ કાસિમભાઇ બોલ્યા. મહેશ બહાર નીકળીને નજર કરી આવ્યો. એક કાર સિવાય કાંઇ દેખાયું નહીં.
મહેશે ભોંયરું બતાવતા પૂછ્યું: અબ ઉસકા ક્યા કરેંગેં.?’
લે કર આઓ ઉસકો.’ કાસિમભાઇએ કહ્યું. મહેશ ગુલને લાવીને ટેબલ પર બેસાડ્યો.
કિસને ભેજા થા.?’ મહેશે પૂછ્યું. ગુલ મોહમ્મદ આખો ધ્રુજી રહ્યો હતો ગોળીઓનો અવાજ હજી એના કાનને ધમરોળી રહ્યો હતો. એ ચૂપ રહ્યો. રિવોલ્વર પકડેલા હાથનો એક મુક્કો ગુલ મોહમ્મદના ચહેરા પર પડ્યો.
અબ દુસરી બાર નહીં પૂછુંગા’ કહીને મહેશે રિવોલ્વર એના લમણે તાકી.
હબીબ અન્સારી.’ ગુલ મોહમ્મદે ગાલ પર હાથ મૂકતા કહ્યું.
કવર કહાં હૈ.’ મહેશે પૂછ્યું.
ગુલ મોહમ્મદે ધ્રુજતા હાથે શર્ટના બટન ખોલીને કવર કાઢીને મહેશને આપ્યું.
અબ ઇસ કા ક્યા કરે.?’ મહેશે કાસિમભાઇની સામે જોયું. કાસિમભાઇએ બે ગોળી ગુલ મોહમ્મદની છાતીમાં ધરબી દીધી.
યહાં સે હમારે રાસ્તે અલગ હૈ’ કાસિમભાઇ બોલ્યા.
આપ કહાં જાઓગે…ઉન લોગોં કો ઇસ જગહ પતા હૈ.’ મહેશે કહ્યું.
વો મુઝે ઔર મેરે હથિયાર કો કભી ઢૂંઢ નહીં પાએંગે. મૈંને પહેલે હી સબ હટા લિયે હૈ….જિસકા પતા સિર્ફ એક આદમી કો હૈ.’
કૌન’ મહેશે પૂછ્યું.
કબીર.’ બોલીને કાસિમભાઇએ પોતાની એક કારની ચાવી મહેશને આપી. અને બીજી કારમાં પોતે રવાના થઇ ગયા.
(ક્રમશ:)