‘ત્યાગી, તુમ્હારે બરાતી પહેચાન લિયે ગયે હૈ. તુમને બરાતી ભેજે હૈ, હમ ઉનકા જનાઝા ભેજેંગે’
અનિલ રાવલ
સુલેમાનચાચાએ આપેલી ખબરથી ચોંકી ઉઠ્યાનો ઢોંગ કરતા મહેશ બોલ્યો: ‘કોણ સલીમ.?’
‘અરે, અમારો જૂનો પાડોશી સલીમડો. કામધંધા માટે અહીં આવેલો…પણ કોઇએ એનું ખૂન કેમ કર્યું ઇ સમજણ ન પડી.’ ચાચી બોલી.
‘કોઇ જૂની દુશ્મની લઇને અહીં આવ્યો હશે…મને નથી લાગતું કે એ કામધંધા વાસ્તે આવ્યો હોય.’ સુલેમાનચાચાએ પોતાને નવેસરથી આવેલો વિચાર મૂક્યો.
‘જુઓ, મારી એક વાત ધ્યાનથી સાંભળો.’ ચાચા-ચાચીના કાન સરવા થયા..ને આંખ મહેશ પર મંડાઇ.
‘સલીમને સૌથી છેલ્લા મળનારા તમે બંને હતા. કદાચ પોલીસ તમારી પૂછપરછ કરવા આવશે.’ સાંભળીને ચાચા-ચાચીના પગ ધ્રૂજવા માંડ્યા.
‘પોલીસને તમે એટલું જ કહેજો કે એ અમારી પાસે કામ માગવા આવ્યો હતો. બાકી અમે એને ઓળખતા નથી.’ હવે ચાચા-ચાચીના જીવમાં જીવ આવ્યો.
‘બેટા, પોલીસ આવે ત્યારે તું અમારી પાસે રહેજે.’ ધ્રૂજી ઊઠવાનો વારો હવે મહેશનો હતો. ચાચા-ચાચીને સલાહ આપવામાં ખુદ ભૂલી ગયો કે એણે પણ પોલીસની નજરમાંથી બચવું પડશે. પોલીસ એની પણ પૂછપરછ કરશે જ. સલીમની કતલ કર્યા પછી મહેશે પકડાઇ ન જવાય કે પોલીસને શંકા ન જાય એની પૂરતી તકેદારી રાખી જ હતી..આમછતાં ય લોકલ પોલીસ પગેરું શોધતી ચાચા-ચાચી પાસે આવી પહોંચશે તો એણે પણ પૂછપરછનો સામનો કરવો જ પડશે….એ વખતે ચાલાકી રાખવી પડશે. જે થશે તે જોયું જશે. એવું વિચારીને એણે ચાચા-ચાચીને બચાવી લેવાનો નિર્ણય લીધો. ત્યાર પછી દિવસ-રાત એ ઘરમાં રહેતો. રાતે મિલિટરીના રહસ્યમય રસ્તે જવાનું પણ ટાળતો રહ્યો. રાહુલ થોડા દિવસ એને શોધતો ન આવે તો સારું એવું વિચારતો એ દુકાનની બહાર જોતો રહેતો.
એવામાં એક દિવસ બપોરે ચાચા-ચાચી ઊંઘતા હતાં ત્યારે લોકલ પોલીસ આવી.
‘તુમ દુકાન કે માલિક હો.?’ પોલીસનો કડક અવાજ આવ્યો.
‘નહીં જનાબ, મૈં નહીં હું….માલિક ઔર માલકિન અંદર સોયેં હૈ.’
‘તુમ કૌન હો.?’
મહેશ હજી જવાબ આપવા જાય ત્યાં ચાચીએ આવતા કહ્યું: ‘યહ હમારા બેટા હૈ મોહસિન.’ પાછળ આવીને ઊભેલા સુલેમાનચાચા અને મહેશ ચાચીનો આત્મવિશ્ર્વાસ જોઇને દંગ રહી ગયા.
ક્યા હુઆ?’ ચાચાએ પૂછ્યું.
પોલીસે સલીમની હત્યા થયા પછી પાડેલો ફોટો કાઢીને બતાવતા પૂછ્યું: ‘ઇસકો પહેચાનતે હો.?’
સુલેમાનચાચાથી ફોટો જોઇને બોલી જવાયું: ‘ક્યા હુઆ ઇસે.?’
‘તુમ પહેચાનતે હો ઇસે.?’ પોલીસે પૂછ્યું.
‘કુછ દિન પહેલે કામ માગને આયા થા. ફાતીમા, ક્યા નામ બતાયા થા ઇસને અપના.?’.
ચાચીએ નામ યાદ કરતી હોવાનો અભિનય કરતા કહ્યું: ‘સલીમ.’
‘ઓર કુછ બતાયા થા ઉસને અપને બારેમેં….કહાં સે આયા હૈ…કૂછ અતાપતા બતાયા હોગા..’ મહેશ મનમાં પોતાની જાત પર ગુમાન કરતો હતો કે સલીમનો અતોપતો તમને ક્યાંથી મળે….ખૂન કર્યા પછી એનું પાકીટ કાઢીને અંધારિયા કૂવામા ફેંકી આવ્યો છે.
‘નહીં..ઓર તો કૂછ નહીં બતાયા.’ સુલેમાનચાચા બોલ્યા.
‘તુમ મિલે થે.?’ સલીમ કો..કપડાં પર પાણીનો છંટકાવ કરી રહેલા મહેશને પોલીસે પ્રશ્ર્ન કર્યો.
‘નહીં, મૈં મિલા નહીં.’
‘તુમ કહાં થે ઉસ વક્ત.?’
બરાબર એ જ વખતે એનું ધ્યાન સામેથી આવી રહેલા રાહુલ પર ગયું. એણે નજર ફેરવી લીધી..મહેશની થઇ રહેલી પૂછપરછ જોઇને ચોંકી ગયેલો રાહુલ પાછો વળી ગયો.
‘વો બાઝાર ગયા થા..હમને ઉસે કુછ સામાન લેને ભેજા થા..’ ચાચીએ ફરી હાજરજવાબીપણું બતાવ્યું. મહેશને ચાચીના આવા જવાબની આશા નહતી.
‘ઠીક હૈ…ઝરુરત પડને પર બુલાયેંગે..’ કહીને પોલીસવાળો નીકળી ગયો.
પોલીસના ગયા પછી મહેશ ચાચીને જોતો રહ્યો. પોતાને બેટો કહીને ચાચીએ બચાવી લીધો હતો. આ અહેસાનનો બદલો કઇ રીતે વાળીશ. એ રાહુલને મળવા માગતો હતો, પણ હમણાં જ પોલીસ પૂછપરછ કરીને ગઇ છે…કદાચ નજર રાખવા હજી આ વિસ્તારમાં જ હોય એવું વિચારીને એણે દુકાન છોડવાનો વિચાર પડતો મૂક્યો.
****
કેપ્ટન અખ્તર હુસેનને પોતાનું પત્તું કપાઇ ગયાનો અફસોસ બહુ લાંબો ટક્યો નહતો. ખુદ પાકિસ્તાનના વઝીરે આઝમે એમની સાથે એક ગુપ્ત મિટિંગ કરીને દેશની એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી સોંપી હતી. સામાન્ય રીતે આ બેઠકમાં પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ હબીબ અન્સારીની પણ હાજરી અનિવાર્ય હતી. આમ છતાં તે હાજર ન રહ્યા….હા, કેપ્ટન અખ્તર હુસેન બદલીની તૈયારી કરવા લાગ્યો ત્યારે હબીબ અન્સારીનો ફોન આવ્યો હતો…જેમાં એમણે કેપ્ટનને ખાસ સોંપાયેલી કામગીરીની મહત્તા સમજાવી હતી. અને આ કામ તમારા સિવાય અન્ય કોઇને સોંપી શકાય એમ નથી એવી ખુશામતખોરી પણ કરી હતી. જોકે કેપ્ટને ખેલદિલી બતાવી હતી. કેપ્ટનને થોડું ચચર્યું હતું, પણ એને કોઇ ફરક પડતો નહતો કેમ કે એને જે પણ કામ સોંપવામાં આવે એ પૂરી તાકાત અને ઇમાનદારીથી પાર પાડતો…..કેપ્ટન પોતાના ખાનસામા રહેમતને લઇને રાતોરાત રવાનો થઇ ગયો હતો. મોડી રાતે કેપ્ટન અખ્તર હુસેન મિલિટરીની ટ્રકમાંથી ઉતર્યો ત્યારે એક જીપ એની રાહ જોતી ઊભી હતી. કેપ્ટન અખ્તર હુસેને પોતે ક્યાં જાય છે એનો ફોડ પાડ્યો નહીં. રાહુલે જાણવાની ઇચ્છા સાથે કેપ્ટનને કહ્યું પણ ખરું કે ‘થોડા આરામ કર લિજિયે…સુબહ ચલે જાઇએ.’
કેપ્ટને જવાબમાં એટલું જ કહ્યું: ખાના બનાને કે સિવા કિસી ઓર બાત પે ધ્યાન મત દો.’ રાહુલે કાનની બુટ પકડીને માફી માગી લીધી હતી.
કોઇ તો રહસ્ય છે આ જગ્યામાં. કબીરે નકશામાં આ જગ્યા પર આંગળી મૂકી છે, મહેશ અહીં આવી ગયો છે….હવે મારે શોધી કાઢવાનું છે કે અમે જે શોધવાના હેતથી આખી જાન લઇને આવ્યા છીએ એ મથક આ જ છે કે બીજું. રાહુલ દિવસ ઊગે એની રાહમાં હતો….સૂર્યના પહેલાં કિરણની સાક્ષીએ આખી જગ્યાને જોઇ લેવા માગતો હતો. મોં સુઝણું થયું કે તરત એ બહાર નીકળ્યો. આસપાસ બીજા કોઇ ઘરો ન હતા. કેપ્ટનનું થોડી ઊંચી ટેકરી પર એક અલગ નાનકડી બંગલી જેવું ક્વાર્ટર હતું. કોઇ હિલ સ્ટેશન પરના કોટેજ જેવું લાગતું હતું. એણે પાછળ ફરીને જોયું તો અસંખ્ય નાના નાના ક્વાર્ટરો હતા…..જેમાં માનવ વસાહત હોવાનો થોડો અણસાર હતો….અહીં કોઇ ફેક્ટરી નહતી, મશીનરી નહતી….મશીનનો અવાજ નહતો. જંગલ હતું, પણ પક્ષીઓનો કલરવ નહતો…વૃક્ષો હતાં પણ નિર્જિવ હતા. બધું ભેંકાર અને બિહામણું લાગતું હતું. કદાચ સ્મશાન આના કરતા વધુ જીવંત હશે. રાહુલને જગ્યામાં કોઇ પોઝિટિવિટી ન લાગી. એણે લંબાવી શકાય એટલી નજર લંબાવી. કાંઇ જ દેખાયું નહીં. ઘટાદાર વૃક્ષો સૂર્યના કિરણોને અવરોધતા હતા. એણે ઉપર નજર કરી…ખુલ્લા આકાશનું ધુંધળું અજવાળું ચોમેર પથરાયું હતું. એવામાં કેપ્ટન અખ્તર હુસેનને લઇ જનારી જીપ આવતી દેખાઇ. કેપ્ટનને થોડે દૂર ઉતારીને જીપ પાછી ફરી ગઇ. રાહુલ જીપ હાંકનારાનો ચહેરો સ્પષ્ટ જોઇ શક્યો નહીં. કેપ્ટન ચાલતા જ ઉપર આવ્યા.
‘કૈસી લગી યહ જગહ.?’ રાહુલને થયું કે કેપ્ટન એને હવા ખાવાના સ્થળે લાવ્યો હોય એવો સવાલ કરે છે. એને કહેવાનું મન થયું કે ‘હવા સારી છે, પણ ઓક્સિજન વિનાની.’
‘જગહ તો અચ્છી હી હોગી….આપ યહાં આયે હો તો….લેકિન યહાં રસોઇ કા સામાન કહાં મિલેગા.?’
‘થોડા ઇન્તેઝામ હો જાયેગા, થોડા કરના પડેગા.’
‘આસપાસ કોઇ ગાંવ ભી નહીં લગતા’
‘હૈના…નજદિકમેં હી તબરોઝા ગાંવ હૈ…વહાં સે ખરીદ લા સકતે હો.’ રાહુલ આવા જ જવાબની રાહમાં હતો.
કલ જા કર દેખ લેતા હું..’ રાહુલ બોલ્યો…અને એ તબરોઝા ગામમાં ધોબીની દુકાને પહોંચી ગયો હતો, પણ કમનસીબે મહેશને પોલીસ સાથે વાત કરતા જોઇને કંઇક ગરબડ લાગી હતી.
****
એક મોડી રાતે પીઆઇબીના ચીફ હબીબ અન્સારીના ફોનની ઘંટડી રણકી. અન્સારીએ હેલ્લો કહ્યું. સામેથી ભરત સિંહે બોલવાનું શરૂ કર્યું: ‘બારાતીઓ મેં સે એક કા નામ કબીર હૈ. દૂસરે કા નામ મહેશ હૈ. મહેશ પહેલે દિલ્હી પોલીસ કા ખબરી રહ ચૂકા હૈ. કબીરને પાકિસ્તાન મેં બૈઠે બૈઠે અજય અહુજા કો ઉડાયા હૈ. દુબઇ મેં ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર સાબ કી કાર બૉમ્બ બ્લાસ્ટ કે હાદસે કે પીછે ભી કબીર કા હી હાથ હૈ.’
‘તુમ્હારા કહેના હૈ….યહ લોગ…. હમારે મુલ્ક મેં આ કર યહ સબ કર રહે હૈ.?’ અન્સારી પથારીમાંથી ઊભો થઇ ગયો.
‘જી જનાબ, પક્કી ખબર હૈ. કબીર ગોપીનાથ રાવ કા ખાસ એજન્ટ હૈ.’
‘મુઝે ઉન લોગોં કે હુલિયે કે બારે મેં મત બતાઓ….ઉસકી નંગી અસલિયત બતાઓ. વો લોગ હમારે મુલ્ક મેં કિસ મકસદ સે ઘૂસે હૈ.?’ અન્સારી પથારીમાંથી ઉઠીને બાલ્કનીમાં આવીને બોલવા લાગ્યો.
‘જનાબ, કોઇ બડા ઑપરેશન હૈ…જલ્દ હી પતા.’
‘મુઝે કુછ નહીં સૂનના..’
જનાબ, હમારે સરકારી દફતર મેં સે હી કોઇ હૈ જો ઉન લોગોં કો મદદ કર રહા હૈ.’ ભરત સિંહ શક્ય એટલું ધીમા અવાજે અને ગર્ભિત રીતે એવું સમજાવવાની કોશિશમાં હતો કે દુશ્મનો પાકિસ્તાનની ધરતી પર પહોંચી ગયા છે અને હવે એમને શોધી કાઢવાની જવાબદારી તમારી છે….અહીં બેસીને હું માત્ર એ લોકોની અન્ય માહિતી આપી શકું.
‘મહેશ, કબીર જો ભી હૈ…..ઉન કે ફેમિલી કો કિડનેપ કરો…..ઔર ઉડા દો સબકો.’ અન્સારીએ ફોન કાપી નાખ્યો. ભરત સિંહે અડધી રાતે આપેલી અડધી બાતમીથી અન્સારી છેડાઇ ગયો હતો. એણે દારૂની બોટલમાંથી પેગ બનાવ્યો….એક જ ઘૂંટમાં ખતમ કરીને વિચારવા લાગ્યો. અલ્તાફ ગુમ છે….એની લાશ પણ મળી નથી. રિયાઝ ખાનની દરગાહમાં હત્યા થઇ. સાદિકનું મર્ડર થયું….એક પછી એક લાશો ઢળે છે….ભરત સિંહે કહ્યું કે સરકારી દફતરમાંથી કોઇ એમને મદદ કરે છે….આપણી જ સરકારમાં ને સિસ્ટમમાં રહીને કાફિરોને મદદ કરનારો ગદ્દાર કોણ હશે…કોણ હશે…અન્સારીએ ફોન ઘુમાવ્યો: ‘હમારે મરહુમ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર અસગર મોહમ્મદ કિસ સે મિલતે થે.પતા કરો. બાલ્કનીમાં ઊભા રહીને લગભગ આખી બોટલ પૂરી કરી ગયો…..પછી અચાનક કંઇક વિચારીને કબાટમાંથી મોર્સ કૉડ મશીન કાઢીને મેસેજ આપવાની શરૂઆત કરી.
બીજે દિવસે સવારે દર્શન ત્યાગી ઓફિસે પહોંચ્યા ત્યારે મેસેજ એની રાહ જોતો હતો. એણે
મેસેજની ભાષા ઉકેલવાનું શરૂ કર્યું.
‘તુમ વો નહીં હો જિસે મૈં જાનતા થા….ઇસ તરફ આના ચાહતે હો તો આ જાઓ…ત્યાગી, તુમ્હારે બરાતી પહેચાન લિયે ગયે હૈ. તુમને બરાતી ભેજે હૈ, હમ ઉનકા જનાઝા ભેજેંગે.’
વાંચીને દર્શન ત્યાગી ચિંતામાં પડી ગયા. એમણે તરત જ ગોપીનાથ રાવને ફોન જોડીને અન્સારીના મેસેજની વાત કરી. ગોપીનાથ રાવ હસ્યા.
‘માણસને જ્યારે મોત દેખાય અથવા માત થવાની તૈયારીમાં હોય ત્યારે એ સામેવાળાને ડરાવવાનો ખોખલો પ્રયાસ કરે છે. લુખ્ખી ધમકીઓ આપવાનું શરૂ કરે છે. અન્સારી હવાતિયાં મારે છે. હવામાં હાથ વીઝે છે…પણ એના હાથમાં કાંઇ આવતું નથી. આપણા બોયઝ સલામત છે. તું ચિંતા ન કર.’ ગોપીનાથ રાવને પોતાના એજન્ટોની બહાદુરી અને બાહોશી પર ગર્વ હતો., પણ દર્શન ત્યાગીને અન્સારીની વાતમાંથી અમંગળ અણસાર મળ્યો હતો.
ક્રમશ:
*******************
કેપ્ટન:
*********************