Homeઉત્સવઑપરેશન તબાહી-૨૪

ઑપરેશન તબાહી-૨૪

‘મરિયમબાનુ, તને બાહુપાશમાં જકડીને મારી હવસ પૂરી કરીશ એ દિવસ તારી જિંદગીનો આખરી દિવસ હશે’

અનિલ રાવલ

મિલિટરી ટ્રકનો ડ્રાઇવર ટોર્ચને અજવાળે આગળ વધ્યો….પણ થોડે દૂર જઇને પાછા ફરવાનો નિર્ણય કર્યો…પાછાં ફરતાં પહેલાં એકવાર ચારેબાજું ટોર્ચ ફેરવીને જોયું….કોઇ નથી એની ખાતરી થઇ. એણે ટ્રકમાં ચડીને છેલ્લું સ્પેર વ્હીલ ઉતાર્યું ને ટાયર બદલવામાં પરોવાઇ ગયો….મહેશ બિલ્લી પગે ત્યાંથી સરકી ગયો. મહેશ રોજ મોડી રાતે ચાચા-ચાચી સૂઇ જાય પછી બહાર નીકળી જતો. આ રીતે રાતે બહાર જતા પકડાઇ જવાનો પણ એને ભય રહેતો….હિંમત કર્યા સિવાય બીજો રસ્તો પણ નહતો. એણે કરેલી હિંમતનું સુખદ પરિણામ આવ્યું. ટ્રકમાં ચડ્યો તો રાહુલ મળી ગયો. ખુદ રાહુલને ખબર નથી કે કેપ્ટન એને ક્યાં લઇ આવ્યો છે. કેપ્ટનને મળેલા ક્વાર્ટરમાં ઉતારો મળ્યો છે. કેપ્ટન અહીં શા માટે આવ્યો છે….મથકમાં શું ચાલે છે. હાલ ખબર નથી… ધીમે ધીમે ખબર પડશે.. એક રાતમાં બધું જાણી નહીં શકાય…પણ રાહુલે મહેશને ત્યાંથી પાછો મોકલીને અકલમંદીનું કામ કર્યું હતું.
બીજી બાજુ, મહેશે ચાચા-ચાચીનાં દિલ જીતી લીધાં હતાં… એ ચાચીને ઘરકામમાં મદદ કરવા લાગ્યો. ઇસ્ત્રી કરતા શીખી ગયો. ચાચા-ચાચી બપોરે ઊંઘી જાય ત્યારે કપડાને ઇસ્ત્રી કરતો. એ રાતે મોડેથી ઘરે આવ્યા પછી બપોરે મહેશ ઇસ્ત્રીનું કામ કરવાને બદલે કબીરને ફોન કરવા બજારમાં ગયો. મિલિટરી મથકથી લઇને રાહુલની મુલાકાત સુધીની બધી વાત કોડવર્ડમાં કરીને પાછો ફર્યો ત્યારે ચાચા-ચાચીની સાથે સલીમ ઉર્ફ સલીમડો બેઠો હતો. કોઇ પોતાનું પગેરું કાઢતું આવ્યું હોઇ શકે… મહેશને શંકા ગઇ. શંકા કરવાનું કારણ પણ હતું. એ સલીમને ઓળખતો નથી. અજાણ્યા શખસને જોઇને મહેશ છુપાઇને વાતો સાંભળવા લાગ્યો.
‘પોલીસ તમને શોધવા કાજી મહોલ્લામાં બહુ વાર આવી ગઇ. એની પાસે તમારા ભત્રીજા સલામત અલીએ તમને લખેલો કાગળ પણ છે…પોલીસ હજી સુધી સલામત અલીના ખૂનીને પકડી શકી નથી. સારૂં થયું તમે નાસી ગયાં…પોલીસને તમારા પર શંકા છે કે સલામત અલીની જેમ તમે પણ ભારતના જાસૂસ છો.’
મહેશ સાંભળીને બે ડગલાં પાછળ ખસી ગયો. એની આંખોમાં એ કાળી રાતે સલામત અલીની છાતીમાં બે ગોળી ધરબી દેવાનું દ્રશ્ય તરવરવા લાગ્યું. પોતે જેની હત્યા કરી છે એ સલામત અલીના સગ્ગા ચાચા-ચાચીએ મહેશને આશ્રય આપ્યો છે. વિધિની કેવી વક્રતા.
‘આ માણસ કોણ છે… અહીં શા માટે આવ્યો છે?’ આગળ સાંભળવા એણે કાન માંડ્યા.
‘સલીમડા તું બીજા કોઇ ગામે નહીં ને આ ગામમાં કેમ આવ્યો?’ સુલેમાન ચાચાએ પૂછ્યું.
સલીમ થોથવાયો…શું જવાબ આપવો…જલ્દી સૂઝ્યું નહીં. પછી ગોઠવીને બોલ્યો.
‘હું કાંઇ કામધંધો કરતો નથી એટલા મારા બાપાએ મને કાઢી મૂક્યો.’.
ચાચા-ચાચીને ગળે વાત ઊતરી, પણ મહેશને આ કારણ સાચું ન લાગ્યું.
‘તને અહીં કોઇ કામધંધો મળી જશે… તું હવે અહીં જ રહે અમારી સાથે.’ ચાચીએ કહ્યું.
મહેશના પેટમાં ફાળ પડી. એ ખુદ ચાચા-ચાચીને ત્યાં છૂપાઇને રહે છે…એમાં નવા માણસ સાથે રહેવું જોખમી બની રહેશે… એણે ત્યાંથી છટકી જવાનું વિચાર્યું… ત્યાં સલીમડો બોલ્યો ‘ના, ના, હું મારી ગોઠવણ કરી લઇશ. તમારા પર બોજ નથી બનવું.’
મહેશને પાકી ખાતરી થઇ કે આ માણસ કોઇ ખાસ મકસદથી અહીં આવ્યો છે.
‘પણ સલીમ, તું કોઇને ય અમારું અહીંનું સરનામું આપતો નહીં નહીંતર જાસૂસીના કલંક સાથે આખી જિંદગી જેલમાં સબડવું પડશે.’ ચાચી કરગરતી બોલી.
ચાચા-ચાચીને પકડાવી દઇને મોટું ઇનામ મેળવવાની લાલચે અહીં સુધી પહોંચેલા સલીમનું ખંધુ હાસ્ય અબુધ ચાચા-ચાચી ન સમજી શક્યા, પણ મહેશને સમજાઇ ગયું કે આ માણસ ભેદી છે.
‘અરે અલ્લાહ કસમ… મરી જાઉં તો ય એક હરફ ન કાઢું. ચાલો જાઉં… તમે પણ કોઇને મારા વિશે કહેતા નહીં.’
છૂપાઇને સાંભળી રહેલો મહેશ ઝડપથી બહાર નીકળીને સાઇડમાં ઊભો રહી ગયો….સલીમડાની દિશા જાણવા એની પાછળ પાછળ ગયો. ચાચા-ચાચીને શોધી લીધા….પકડી પાડ્યાના હરખથી એના પગમાં બમણો વેગ આવ્યો. મોટું સરકારી ઇનામ, મોટા પૈસા અને વગદાર માણસ તરીકે પ્રસ્થાપિત થનારી ઓળખનાં સપનાં જોતો એ એક ટેલિફોન બૂથમાં ગયો.
‘હેલ્લો, મૈં પોલીસ અફસર જાવેદ સા’બ સે બાત કર સકતા હું.?’ સલીમ વાત કરવાની ઉતાવળમાં હતો.
‘હેલ્લો, હેલ્લો, હેલ્લો… આપકી આવાઝ નહીં આ રહી હૈ..’ સલીમ બોલતો રહ્યો, પણ સામે છેડે અવાજ પહોંચતો નહતો. એણે રિસિવર થપથપાવી જોયું. વાયરને હચમચાવી જોયો. રિસિવરના ડબલાંમાં સૂનકાર છવાયેલો હતો. એ કંટાળીને નીકળી ગયો.
ટેલિફોન બૂથની પાછળ જઇને વાયર કાપી નાખનારા મહેશે મૈં પોલીસ અફસર જાવેદ સાબ સે બાત કરસકતા હું. .આટલું સાંભળીને નક્કી કરી લીધું કે આ માણસ ખબરી છે. આ માણસ ફોન પર ચાચા-ચાચીની કોઇ ગુપ્ત માહિતી પોલીસને આપવા માગે છે. ચાચા-ચાચીની અને તબરોઝા ગામની જાણ કરે તે પહેલાં ફોનનો વાયર કાપી નાખવો જરૂરી હતો અને મહેશે એ જ કર્યું…એણે સલીમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. સલીમ એક નાનકડી ઝૂપડી જેવા ઘરમાં ગયો.
મહેશે આજુબાજુ નજર કરીને દરવાજો ખખડાવ્યો. સલીમે દરવાજો ખોલ્યો. કે તરત જ મહેશ ધક્કો મારીને અંદર ઘૂસી ગયો.
‘કૌન હો તૂમ? કૌન હો?’ અચાનક અજાણ્યા માણસને ધક્કો મારીને અંદર આવતા જોઇને સલીમ ડરી ગયો.
‘પુલીસ કો ફોન પર ક્યા ખબર દેની થી.?’
‘તૂમ સે મતલબ… મૈં પોલીસ કા આદમી હું.’ મહેશને હસવું આવ્યું. સાલ્લો ખબરીની ભાષા બોલતો હતો અને પોતાને પોલીસ કહે છે.
‘મૈં મિલિટરી ઇન્ટેલિજન્સ કા આદમી હું…બતાઓ, ચાચા-ચાચી કે બારે મેં પુલીસ કો ક્યા ખબર દેને કે લિયે ફોન કિયા થા?’
પોલીસ કરતાં મિલિટરીનું કદ ઊંચું છે એવું માનનારો સલીમ કૂણો પડ્યો.
‘પોલીસ કો પક્કા માલૂમ હૈ કી ચાચા-ચાચી ભારત કે જાસૂસ હૈ… કાજી મહોલ્લા સે ભાગ કર યહાં છુપે હૈ… મૈને દોનોં કો ઢૂંઢ નિકાલા. ચલો, પોલીસ કો ફોન કરતે હૈ.’ સલીમ દરેક વાક્યે ગળા હેઠળ થૂંક ઊતારતા બોલ્યો.
મહેશની શંકા સાચી ઠરી. હતી. જો પોલીસ આવી જાય તો ચાચા-ચાચીને તો પકડી જાય સાથે પોતાનો ભાંડો પણ ફુટી જાય… એણે સમયસર ટેલિફોનની લાઇન કાપી નાખી હતી…
‘તુમ્હારા આઇડી દિખાઓ.’ મહેશે પૂછ્યું.
‘પહેલે તૂમ દિખાઓ.’ સલીમ બોલ્યો.
‘મેરે પાસ નહીં હૈ.’
‘મેરે પાસ ભી નહીં હૈ.’ કહીને મહેશે ફટ દઇને ખિસ્સામાંથી ટેલિફોનનો વાયર કાઢીને સલીમના ગળા ફરતે વીંટી દીધો… ગાળિયો કસાતો ગયો… સલીમનો શ્ર્વાસ રુંધાતો ગયો. આંખોના ડોળા ચકળવકળ થવા લાગ્યા…થોડી વારના તરફડાટ પછી ડોળા સ્થિર થઇ ગયા. મહેશે ટેલિફોનનું દોરડું ઢીલું કરીને ખિસ્સામાં મૂક્યું. મહેશને ટેલિફોનની લાઇન કાપી નાખીને સલીમની લાઇફલાઇન કાપવામાં જ પોતાની સલામતી લાગી હતી.
****
માયા ઉર્ફ મરિયમે શિકારી ઝકરિયાના પંજામાંથી છૂટીને હાશકારો તો લીધો પણ એને ખબર નહતી કે એ ઝકરિયાની શંકાના સકંજામાં સપડાઇ ગઇ છે. માયાના ગયા પછી ઝકરિયાનું ધ્યાન ટેબલના ખાના પર ગયું… બંધ ખાનામાંથી કાગળનો એક ટુકડો બહાર ડોકાઇ રહ્યો હતો… એણે ઝટથી ખાનું ખોલ્યું… ફાઇલમાંથી છુટો પડી ગયેલો કાગળ જોયો, અસ્તવ્યસ્ત ફાઇલો જોઇ. એણે ગુસ્સામાં ધડામ દઇને ખાનું બંધ કર્યું. કોફીના બંને મગ હડસેલ્યા. ફાઇલમાંથી કાંઇ ગયું નથી…બધી જ ફાઇલો એમનીએમ જ છે, પણ ખાનું ખુલ્યું છે એટલું ચોક્કસ અને મરિયમ સિવાય આ કામ બીજા કોઇનું ન હોઇ શકે. એરપોર્ટ પર લિફ્ટ માગતી હસીન મરિયમ… પોતાનો ફોન નંબર કે સરનામું નહીં આપનારી ચબરાક મરિયમ… પ્રેમનું નાટક કરતી નખરાળી મરિયમ… એ વિચારતો કેબિનમાં આંટા મારવા માંડ્યો. ટેબલ પર મુક્કીઓ પછાડી. કોણ છે આ મરિયમ. જાસૂસ…એજન્ટ….સ્પાય.. તું જે કોઇપણ હો તે…..મરિયમબાનુ, તને બાહુપાશમાં જકડીને મારી હવસ પૂરી કરીશ એ દિવસ તારી જિંદગીનો આખરી દિવસ હશે.
****
માયા અને હમીદાબેગમ સાહેબાએ કેમેરામાંથી રિલ કાઢીને ધોવડાવ્યું… જરૂરી બધી જ વિગતો મોર્સ કોડ મશીન પર ગોપીનાથ રાવને મોકલી આપી. ડૉ. ઝકરિયા જ ન્યુક્લીઅર બોમ્બ અને શસ્ત્રો ડેવલપ કરવા પાછળનું મૂળ ભેજું છે… એણે જ ન્યુક્લીઅર ટેક્નોલોજી ડેવલપ કરી છે.
જર્મનીમાં અણુ-પરમાણુ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો છે. કેમિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી છે. એનઆરએક્સ હેવી વોટર રીએક્ટર અથવા સીપી-૫ રીએક્ટર મેળવવામાં પાકિસ્તાન સરકારને મદદ કરી છે. ગુપ્ત કરારનો એ વિટનેસ રહ્યો છે. પાકિસ્તાન સરકાર અને વડા પ્રધાનનો એ ખાસ સાયન્ટિસ્ટ છે. પાકિસ્તાનના લશ્કરી શાસનના એની પર ચાર હાથ છે. હકીકત તો એ છે કે પોતાની પાસે કદાચ રિવોલ્વર પણ નહીં રાખનારો ચશ્મિસ્ટ ડૉ. ઝકરિયા ન્યુક્લીઅર બોમ્બ બનાવે છે. પરદા પાછળ રહીને કામ કરનાર ઝકરિયા પાસે સાયન્ટિસ્ટોની પોતાની ટીમ છે. જેઓ ન્યુક્લીઅર પ્લાન્ટમાં સતત કામ કરે છે….કમનસીબે આ પ્લાન્ટ…આ મથક ક્યાં છે એની હજી સુધી પાકી ખબર પડી નથી…પણ ટૂંક સમયમાં ખબર પડી જશે. આ બધી જાણકારીના ફોટા પણ તમને ટૂંક સમયમાં મળી જશે.’ નવી દિલ્હીમાં પોતાની કેબિનમાં મોર્સ કોડ મશીન પરથી ઊતરી રહેલો મેસેજ વાંચ્યા બાદ ગોપીનાથ રાવે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ચીફને ફોન લગાડ્યો.
****
મહેશ સલીમનું કામ તમામ કર્યા પછી ઘરે આવીને ચૂપચાપ ચાચીને ઇસ્ત્રીમાં મદદ કરવા લાગ્યો. કિસ્મત પણ કેવા કેવા ખેલ કરે છે અને કરાવે છે. પોતે જેની હત્યા કરી છે એ સલામત અલીના ચાચા-ચાચીએ જ પોતાને પનાહ આપી છે. ચાચા-ચાચીને કોઇપણ કાળે આની ખબર પડવી ન જોઇએ. બિચારાં માસૂમ ને નિર્દોષ છે. પોલીસે એમને નાહકના જાસૂસ ચીતરી દીધા છે. પોલીસ એને પકડે એ પહેલાં કોઇ રસ્તો કાઢીને બચાવી લેવા જોઇએ., પણ બચાવવા કઇ રીતે. સલીમના હાથમાંથી તો બચાવી લીધા મહેશને વિચારતો જોઇને ચાચી બોલ્યા
‘તારા જેવો જ અમારો એક જૂનો પડોશી છોકરો આવ્યો હતો… ઇ પણ નોકરી શોધે છે.’
‘કોણ?’
‘સલીમ… છોકરો બહુ સારો છે.’
સલીમે ફોન કરી દીધો હોત તો પોલીસે કોઇ દિવસ છુટો નહીં એવી જેલમાં તમને ધકેલી દીધા હોત….મહેશ વિચારવા લાગ્યો.
અચાનક સુલેમાન ચાચાએ બહારથી આવીને બૂમ પાડી ‘ફાતીમા, સલીમનું કોઇએ ખૂન કરી નાખ્યું.’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -