આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં 39 ગુનાની નોંધ: અન્ય 326 પ્રકરણમાં સંડોવણીની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કૉલગર્લ પૂરી પાડવા સંબંધિત વેબસાઈટ શરૂ કરી દેશના અનેક લોકો પાસેથી રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં આરોપીને અંધેરી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આ રીતે છેતરપિંડી કરવાનાં 326 પ્રકરણમાં આરોપીની સંડોવણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.
એક વેબસાઈટ પર કૉલગર્લ પૂરી પાડવા સંબંધિત માહિતી આપી લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. માહિતીને આધારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ઑક્ટોબર, 2022થી આરોપીની શોધમાં લાગી હતી. મુખ્યત્વે ઝારખંડ, રાજસ્થાન અને પશ્ર્ચિમ બંગાળના શકમંદો પર નજર રાખવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન પોલીસને બે મોબાઈલ નંબર મળી આવ્યા હતા. આ નંબર પર કૉલ કરવાથી કૉલગર્લ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવતી હતી. આ માટે ગ્રાહકો પાસેથી પેટીએમ, ફોનપે, ગૂગલપેથી એડ્વાન્સમાં રૂપિયા લેવામાં આવતા હતા. જોકે રૂપિયા ચૂકવ્યા બાદ કૉલગર્લ પૂરી પાડવાને બદલે બદનામી કરવાની ધમકી આરોપી આપતા હતા. ગ્રાહકોને તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હોવાથી મોટા ભાગના લોકો ફરિયાદ કરવા આગળ આવતા ન હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે બન્ને મોબાઈલ ફોનની વિગતોને આધારે તપાસ કરી શકમંદને ઓળખી કાઢ્યો હતો. અંદાજે 28 વર્ષનો આરોપી તેના સાથીને મળવા અંધેરીની એક હોટેલમાં આવવાનો હોવાની જાણકારી મળતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું. પકડાયેલા આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન, વિવિધ બૅન્કનાં ડેબિટ કાર્ડ મળી આવ્યાં હતાં.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના પુણેમાં ગુનો નોંધાયેલો છે. વધુ તપાસ માટે તેને પુણે પોલીસને સોંપાયો હતો. એ સિવાય તેની વિરુદ્ધ હૈદરાબાદમાં 35 કેસ, દિલ્હી અને ઝારખંડમાં અનુક્રમે એક અને બે ગુના નોંધાયેલા છે. એનસીઆરપી પોર્ટલ પર તપાસ કરતાં આરોપીના મોબાઈલનો ઉપયોગ ઑનલાઈન છેતરપિંડીના 326 પ્રકરણમાં થયો છે અને તેની ફરિયાદો સંબંધિત પોલીસ પાસે આવી છે.