૨-૪ રૂપિયા પ્રતિ કિલો કાંદા, ભાવ સાંભળીને ખેડૂતોના આંસુ વહેવા લાગ્યા
(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઇ: એનસીપીના નેતાઓ માથે કાંદા લઈને અને કાંદાના હાર પહેરીને મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા. નેતાઓના માથા પર કાંદા ભરેલી ટોપલીઓ હતી. એનસીપીના વિધાનસભ્યોએ દાદર પર બેસીને આંદોલન કર્યું અને ખેડૂતોને ડુંગળીના વ્યાજબી ભાવની માગ કરી. લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી)માં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થવાથી નારાજ ખેડૂતોએ સોમવારે ડુંગળીની હરાજી અટકાવી દીધી હતી. એપીએમસી એશિયામાં ડુંગળીનું સૌથી મોટું બજાર છે. ડુંગળીનો પ્રતિ કિલો ભાવ ઘટીને ૨ થી ૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને વિધાનસભ્ય નાના પટોલેએ વિધાનસભા ભવનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે સરકાર પાસેથી ખેડૂતોના પ્રશ્ર્નોના જવાબ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતોની હાલત અત્યંત ખરાબ છે અને કપાસ, ચોખા, મકાઈ, કાંદા અને સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેતપેદાશોના ભાવ ન મળવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. ખેડૂતોએ રસ્તા પર કાંદા ફેંકવા પડે છે.
કાંદા ઉત્પાદકોના પ્રતિનિધિએ કહ્યું હતું કે સરકારે તાત્કાલિક કાંદા પર પ્રતિ ક્વિન્ટલ ૧૫૦૦ રૂપિયાની સબસિડી જાહેર કરવી જોઈએ. ખેડૂતોએ કાંદાનું ઉત્પાદન ૧૫ થી ૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવાની માંગ કરી હતી. ખેડૂતોએ કહ્યું હતુ કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ નાશિક જિલ્લાના લાસલગાંવ એપીએમસીમાં હરાજી ફરી શરૂ કરવા દેશે નહીં.
સોમવારના રોજ સપ્તાહ માટે બજાર ખુલતાની સાથે જ હરાજીની પ્રક્રિયા શરૂ થતાં જ કાંદાનો લઘુત્તમ ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મહત્તમ ભાવ ૮૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરેરાશ ભાવ ૪૦૦-૪૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. પરિણામે મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠનની આગેવાની હેઠળ નારાજ ખેડૂતોએ કાંદાની હરાજી અટકાવી દીધી અને આંદોલન શરૂ કર્યું હતુ. શનિવારે ૨,૪૦૪ ક્વિન્ટલ કાંદા એપીએમસીમાં પહોંચી હતી અને તેની કિંમત લઘુત્તમ રૂ. ૩૫૧, મહત્તમ રૂ. ૧,૨૩૧ અને સરેરાશ રૂ. ૬૨૫ પ્રતિ ક્વિન્ટલ હતી.
મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠનના નેતા ભરત દિખોલે જણાવ્યું હતું કે સરકારે રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કાંદા માટે ક્વિન્ટલ દીઠ રૂ. ૧,૫૦૦ની સબસિડીની તાત્કાલિક જાહેરાત કરવી જોઈએ અને તેના સ્થાને વર્તમાન રૂ. ૩,૪ના ભાવો લાગુ કરવા જોઈએ. ૫ પ્રતિ કિલો કિંમતે વેચાતા કાંદા ૧૫ થી ૨૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવી જોઈએ. જો આ બંને માંગણીઓ આજે સ્વીકારવામાં નહીં આવે તો લાસલગાંવ એપીએમસીમાં કાંદાની હરાજી બિલકુલ શરૂ થશે નહીં.
એપીએમસીના સૂત્રોના જણાવ્યા અનુસાર તે દરમિયાન સંબંધિત અધિકારીઓ આ મુદ્દાને ઉકેલવા માટે બેઠકો યોજી રહ્યા હતા. પશ્ર્ચિમ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બારશી તાલુકામાં રહેતા ખેડૂત રાજેન્દ્ર તુકારામ ચવ્હાણની આંખોમાં આંસુ આવી ગયા હતા. જ્યારે તેણે પાંચસો બાર કિલો કાંદા વેચ્યા ત્યારે તેને માત્ર બે રૂપિયા જ મળ્યા હતા. ચવ્હાણે રાજ્યના સોલાપુર જિલ્લાની એક મંડીમાં કાંદાનો પાક વેચવા માટે ૭૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. જો કે આ બધી મહેનતનું ફળ રાજેન્દ્ર ચવ્હાણ માટે સારું ન હતું. શિયાળામાં ખરીફ પાકનો બમ્પર પાક થયો હતો. આ કારણે જ્યારે તેણે મંડીમાં પાક વેચ્યો ત્યારે તેને પ્રતિ કિલોગ્રામ માત્ર એક રૂપિયો મળ્યો. હદ તો એ છે કે કાંદા વેચ્યા બાદ તેને પોસ્ટ ડેટેડ ચેક આપવામાં આવ્યો હતો જે પંદર દિવસ પછી ક્લિયર થયો હતો. જ્યારે પ્રાપ્ત રકમમાંથી પરિવહન ખર્ચ ઘટાડવામાં આવ્યો ત્યારે નફો માત્ર બે રૂપિયા હતો.
————–
અમે ખેડૂતોની સાથે: મુખ્ય પ્રધાન
મુંબઈ: જથ્થાબંધ બજારમાં ગગડી રહેલા કાંદાના ભાવ અને કાંદાની ખેતી કરનારાઓને આર્થિક મદદ સંદર્ભે થઈ રહેલી ચર્ચાના માહોલ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘અમે રાજ્યમાં કાંદાની ખેતી કરનારાઓની પડખે છીએ. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન) દ્વારા કાંદાની ખરીદી શરૂ થઈ ગઈ છે જેને પગલે ભાવ ઊંચકાઈ જશે.’ કેન્દ્રીય કૃષિ મંત્રાલય હેઠળ કાર્યરત નાફેડ સંસ્થા ભારતની કૃષિ પેદાશની કો-ઓપરેટીવના માર્કેટિંગની દેખરેખ કરે છે. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રના બીજા
દિવસે શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમારી વિનંતી માન્ય રાખી નાફેડ દ્વારા કાંદાની ખરીદી વધારી દેવામાં આવી છે અને ખેડૂતો પાસેથી ૨.૩૮ લાખ ટન કાંદાની ખરીદી થઈ ચૂકી છે. જો કોઈ વિસ્તારમાં ખરીદ કેન્દ્ર નહીં હોય તો ખેડૂતો માટે ત્યાં કેન્દ્ર શરૂ કરવામાં આવશે.’
મહારાષ્ટ્ર્ના લાસલગાંવ સ્થિત એશિયાના સૌથી વિશાળ કાંદાના બજાર સાથે સંલગ્ન લાસલગાંવ એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં કાંદાનો કિલોદીઠ ભાવ ચાર રૂપિયાથી ઘટી બે રૂપિયા પર આવી ગયો હતો. જેને પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ કાંદાની બોલી બંધ કરાવી દીધી હતી. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ‘કાંદાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. જરૂર હશે તો ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવશે.’ અગાઉ નાશિક જિલ્લાના રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા છગન ભુજબળે ખેડૂતોને વેઠવી પડતી તકલીફો વિશે વાત કરી કાંદા અંગેની કેન્દ્રની નીતિ સામે સવાલ ઉઠાવ્યો હતો.
થોડા દિવસો પહેલા આ મહિનામાં મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના એક ખેડૂતને જિલ્લાના એક વેપારીને ૫૧૨ કિલો કાંદાનું વેચાણ કર્યા પછી તેને બે રૂપિયા ઓગણપચાસ પૈસા (૨.૪૯ રૂપિયા)નો નફો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. (પીટીઆઈ)