(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ડુંગળીએ ફરી ખેડૂતોને રડાવ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના નજીવા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને એક કિલો ડુંગળીમાં માત્ર અઢી રૂપિયાથી આઠ રૂપિયા જેટલા જ ભાવ મળતા ખેડૂતોને રડાવ્યા છે. ખેડૂતોને મળી રહેલા આ ભાવમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ નીકળતો નથી. રાત-દિવસ ખેતરમાં મહેનત કર્યા બાદ પણ આ હાલ થાત ખેડૂતો નિરાશ થયા છે. રાજ્યમાં હાલ ડુંગળીનો પાક ઉતારા પર આવ્યો છે અને ખેડૂતો પોતાનો માલ વેચવા સ્થાનિક બજારમાં જતા પુરતા ભાવ મળતા નથી. બીજી બાજુ હળવદના ખેડૂતની પરિસ્થિતિની વાત કરીએ તો, ભલ ગામડાના ખેડૂતે ૧૦૦ વીઘાની ડુંગળી પર રોટોવેટર ફેરવી નાંખ્યું છે. ગરીબોની કસ્તુરી ખેડૂતોને પાયમાલ કરી રહી છે. હળવદના ખેડૂતને ડુંગળીના ઊભા પાક પર રોટોવેટર ફેરવવું પડ્યું હતું. જે ડુંગળી તૈયાર થઈને માર્કેટ પહોંચી તેમાં તો ખોટ છે જ, જે ડુંગળી ખેતરમાંથી કાઢી પેકિંગ કરી માર્કેટયાર્ડ પહોંચાડવાની બાકી છે. બધામાં પણ લાખના ૧૨ હજાર થાય તેવી સ્થિતિ છે. ખેડૂતે જણાવ્યા પ્રમાણે, એક વીઘે ડુંગળીની વાવણી અને તૈયાર કરવા પાછળ અંદાજે ૪૦ હજાર અને એકરે અંદાજે એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જેમાં બિયારણ, વાવણી માટે મજૂરી, નિંદામણ, દવા અને રાસાયણિક ખાતર સહિત ડુંગળી કાઢી કટ્ટામાં પેકિંગ કરવાના ખર્ચનો સમાવેશ થાય છે. બીજી બાજુ ભાવનગર જિલ્લામાં પણ ડુંગળીના ખેડૂતોમાં આવા જ હાલ છે. ડુંગળી વેચવા માંગતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માત્ર બે રૂપિયા કિલોની આસપાસનો ભાવ મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળી રહ્યો ન હતો. રાજ્યસભાના સાંસદ અને દિલ્હી તેમજ હરિયાણા કૉંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત રાજ્યનાં મુખ્ય પ્રધાન તથા વડા પ્રધાન પાસે માંગણી કરી છે કે, તાત્કાલિક ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પૂરતો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અતિશય કપરી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતોને સરકારે ચોક્કસ સબસિડી આપવી જોઈએ અને મિનિમમ સપોર્ટ પ્રાઈસ ખેડૂતો માટે નક્કી કરીને ખેડૂતોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. લાંબા સમયથી સરકારે ડુંગળી પકવતા ખેડૂતો પોતાના પાકને સ્ટરેજ કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરી નથી. સરકારે ખેડૂતના ઘરમાં જ્યારે ખેતપેદાશ આવે ત્યારે તે ખેતપેદાશને એકસ્પોર્ટમાં પ્રોત્સાહન આપીને પૂરતા ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ અંગેની તાત્કાલીક વ્યવસ્થા ભારત સરકાર તથા ગુજરાત સરકાર કરે તેવી માંગણી કરવામાં
આવી છે.