Homeઈન્ટરવલહાલતા-ચાલતા હાર્ટ ફેઈલ

હાલતા-ચાલતા હાર્ટ ફેઈલ

યુવાન વયની વ્યક્તિઓ હૃદયના રોગોને કારણે હાલતા-ચાલતા ફસડાઈ પડે એવા કિસ્સાઓ વધતા જાય છે ત્યારે આ સમસ્યાને સમજવાનો એક પ્રયાસ

કવર સ્ટોરી -ગીતા માણેક

ઉત્તર પ્રદેશમાં એક યુવાન તેના મિત્રો સાથે ગલીઓમાંથી ચાલી રહ્યો હતો અને ચાલતા-ચાલતા ફસડાઈ પડ્યો હતો.
જ્ઞાતિના એક સંમેલનમાં એક યુવાન ભાષણ આપીને મંચ પર પોતાની ખુરશી પર બેસતા-બેસતા ઢળી પડ્યો હતો.
લખનઊની એક ૨૧ વર્ષની ક્ધયા પોતાના જ લગ્નમાં વરરાજાને હાર પહેરાવતી વખતે ફસડાઈ પડી હતી.
કોઈક કસરત કરતું હોય, ટ્રેડમિલ પર દોડતું હોય અને ટપ દઈને જમીન પર પડી જાય અને તેમનું મૃત્યુ થતું હોય એવા કેટલાંક વીડિયો તમારી પાસે પણ ફરતાં-ફરતાં આવ્યા હશે.
આસપાસમાં સીસીટીવી કેમેરા હોય કે કોઈ પ્રસંગમાં કોઈ અમસ્તાં જ વીડિયો ઉતારી રહ્યું હોય ત્યારે આવા કિસ્સાઓ કેમેરામાં ઝિલાઈ જાય છે અને મોબાઈલને કારણે વ્હૉટ્સ અપ કે અન્ય એપના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે. જો કે કેમેરામાં કંડારાયા ન હોય એવા પણ ઘણા કિસ્સાઓ બની રહ્યા છે અને આપણી આસપાસના વર્તુળમાંથી પણ આપણને જાણવા મળી રહ્યા છે.
હાલતા-ચાલતા હોય અને અચાનક હાર્ટ-એટેક અથવા કાર્ડિયાક અરેસ્ટથી અચાનક મૃત્યુ થાય એવા કિસ્સાઓ યુવાનોમાં જોવા મળી રહ્યા છે. સેલિબ્રિટીઓ પણ આનો ભોગ બની રહ્યા છે જેમ કે, અઠ્ઠાવન વર્ષના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્ક આઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો હતો. જાણીતા બોલીવુડ ગાયક કે.કે.એ કોલકાતામાં કાર્યક્રમ આપ્યા બાદ બેચેની અનુભવી હતી અને તેમને પણ કાર્ડિયેક-અરેસ્ટ આવ્યો હતો.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ દુનિયાભરમાં ખાસ કરીને યુવાનોમાં હૃદયને સંબંધિત બીમારીઓથી ૧.૭૯ કરોડ મોત થયા એમાંના ૨૦% મૃત્યુ ભારતમાં થયા હતા. હૃદયના રોગને કારણે મૃત્યુ પામનારી ૧૦માંથી ૪ વ્યક્તિઓની ઉંમર પિસ્તાલીશ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. ફક્ત ભારતની જ વાત કરીએ તો છેલ્લાં ૧૦ વર્ષમાં હૃદયના રોગથી મરનારાઓની સંખ્યા ૭૫% વધી ગઈ છે. વિશેષજ્ઞોનું તો કહ્યું છે કે ૪૦ વર્ષથી ઓછી ઉંમરના પચાસ ટકા લોકોને હૃદય રોગની બીમારીની સંભાવના રહે છે.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે સામાન્યપણે હૃદયને લગતી બીમારી ૬૦ કે ૭૦ વર્ષની ઉપરના લોકોને જ આવે છે, પરંતુ હવે એવું રહ્યું નથી ૨૦-૩૦-૪૦ વર્ષની ઉંમરના યુવાન-યુવતીઓ પણ આનો ભોગ બની રહ્યા છે. અમદાવાદના જાણીતા હાર્ટ સર્જન ડૉ. ધવલ નાયક કહે છે કે તાજેતરમાં એક ૨૫ વર્ષના યુવાન પર હૃદયની સર્જરી કરવી પડી હતી. સરળ શબ્દમાં કહીએ તો હૃદયને લોહી મળવાનું ઓછું થાય એને હાર્ટ એટેક કહેવાય અને કોઈપણ કારણસર હૃદય ધબકતું બંધ થઈ જાય તો એને કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. હાર્ટ-એટેક એ કાર્ડિયાક એરેસ્ટ માટેનું કારણ બની શકે.
હાર્ટ-એટેકની સરખામણીમાં કાર્ડિયેક-અરેસ્ટ વધુ જોખમી છે એવું હૃદયના નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે. કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ જો ૬ મિનિટમાં વ્યક્તિને સારવારના ન મળે તો તેનું બચવું મુશ્કેલ બની જાય છે. ડૉક્ટરો કહે છે કે મનુષ્યનું હૃદય દર મિનિટે ૬૦-૧૦૦ વાર ધબકે છે. આ ધબકારા વધી જાય કે ઘટી જાય તો તેને કાર્ડિયેક એરેથિમ્યા કહે છે જે ઘાતક પુરવાર થઈ શકે છે. ઈન્ડિયન હાર્ટ એસોસિયેશનના આંકડાંઓ મુજબ દુનિયાના બાકીના હિસ્સાઓ કરતાં ભારતમાં યુવાન વયની વ્યક્તિઓ દિલની બીમારીઓનો ભોગ વધુ સંખ્યામાં બની રહ્યાં છે.
આરટીઆઈ (રાઈટ ટુ ઈન્ફોર્મેશન) હેઠળ મળેલી માહિતી મુજબ છેલ્લા છ મહિનામાં કોરોનાથી ૧૦,૨૮૯ મૃત્યુ થયા છે જ્યારે હૃદયની બીમારીઓથી ૧૭,૮૮૦ વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. હૃદયની બીમારીઓ માટેનું મુખ્ય કારણ તનાવ છે એવું લગભગ તમામ તબીબો એકસૂરમાં કહે છે. અમદાવાદના હાર્ટ સર્જન ડૉ. ધવલ નાયક કહે છે.
યુવાનોમાં બર્ગર, પિત્ઝા, પાસ્તા જેવા જંક ફૂડ અને તળેલું તેમ જ પ્રિઝર્વેટીવ્ઝવાળા ખોરાક ખાવાનું ચલણ વધ્યું છે. તેઓ કહે છે કે યુવાન વયે હૃદયની બીમારીનો ભોગ ન બનવું હોય તો તાજો સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવો જરૂરી છે. એટલું જ નહીં ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા બે કલાક પોતાના શરીર માટે આપવા જોઈએ. હું પોતે નિયમિત એક કલાક યોગાસન અને એક કલાક અન્ય વ્યાયામ કરું છું.
યુવા પેઢી વધુ કામ અને વધુ કમાણી કરવાની દોડમાં પોતાના હૃદયના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે અયોગ્ય અને કસમયે ખાવા-પીવાથી તેમ જ અપૂરતી ઊંઘને કારણે ડાયાબિટીઝ, હાયપર ટેન્શન જેવી જીવનશૈલી સંબંધિત રોગ થાય છે. આ બધાની સજા આપણા હૃદયે ચૂકવવી પડે છે. ડૉક્ટર ધવલ નાયક કહે છે કે હું વર્ષમાં ૮૦૦થી ૯૦૦ ઓપરેશન કરું છું જેમાંથી હવે લગભગ પચાસ કે તેનાથી વધુ સર્જરી ચાળીસ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ પર કરવી પડે છે.
તેમના કહેવા મુજબ શહેરના યુવાન-યુવતીઓનું ખાવી-પીવાનું અને જીવનશૈલી આ પરિસ્થિતિનું મુખ્ય કારણ છે. આજે બધાને ઝડપથી આગળ વધવું છે. તમે ચાર રસ્તા પર ટ્રાફિક જોશો તો પણ ખ્યાલ આવશે કે કોઈ એક ક્ષણ રાહ જોવા તૈયાર નથી બધાને ઝડપથી આગળ વધવું છે. ગામડાંઓમાંથી લોકો શહેરમાં આવવા લાગ્યા છે
તેને કારણે તેમનો માસિક ખર્ચ અનેકગણો વધી જાય છે અને પછી એના માટે તેમણે વધુ કામ કરવું પડે છે.
ડૉ. ધવલ નાયક કહે છે કે, મારી પાસે પિસ્તાલીસ વર્ષનો એક દર્દી આવ્યો હતો જે એક બૅન્ક મેનેજર છે તેની બાયપાસ સર્જરી કરવી પડી હતી. તેણે સ્વીકાર્યું બૅન્ક માટે વધુ બિઝનેસ લાવવાનું મારા પર એટલું દબાણ હતું જેને લીધે મારા પર ખૂબ તનાવ આવતો હતો. મારી જીવનશૈલી પર અસર પડી હતી જેના પરિણામે હૃદયે જવાબ દઈ દીધો હતો.
કેટલાંક ડૉક્ટરો કહે છે કે જેમને કોરોના થયો હતો અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા તેવા દર્દીઓમાં પોસ્ટ-કોરોના લક્ષણ તરીકે પણ હૃદયરોગની બીમારીઓ થવા માંડી છે.
ડૉ. ધવલ નાયક કહે છે કે આપણે ત્યાં ડાયાબિટીઝના દર્દીઓમાં પણ ખૂબ વધારો થયો છે. આમાં જ્યારે તનાવનો ઉમેરો થાય છે ત્યારે હૃદયને એનો દંડ ચૂકવવો પડે છે તેમનું કહેવું છે કે ડાયાબિટીઝના આવા દર્દીઓ જો ધ્યાન ન રાખે તો આવા કિસ્સાઓ વધવાની સંભાવના બહુ વધુ છે.
ટૂંકમાં જો હૃદયને સ્વસ્થ રાખવું હોય અને નાની ઉંમરે હૃદયરોગનો ભોગ ન બનવું હોય તો તનાવ રહિત અને સ્વસ્થ જીવનશૈલી રાખવી જરૂરી છે. જેમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન માટે સમય ફાળવવો અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -