પોલીસ માટે બગાસું ખાતાં પતાસું: ચોરીના કેસમાં પકડાયેલા શકમંદોની પૂછપરછમાં ગોળીબારનો ગુનો ઉકેલાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: દુકાનમાંથી બે લાખની રોકડ લઈને ઘરે જઈ રહેલા કચ્છી વેપારી ચેતન ઠક્કર (૩૬) પર ગોળીબાર કરનારા આરોપી લગભગ એક વર્ષે પોલીસને હાથ લાગ્યા હતા. રાબોડી વિસ્તારમાં ચોરીની ઘટનામાં પકડાયેલા શકમંદોની પૂછપરછમાં ઠક્કર પર ગોળીબારનો ગુનો ઉકેલાયો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
રાબોડી પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ ભંગારનો વ્યવસાય ધરાવતા રફીક મેહબૂબ શેખ ઉર્ફે રફીક બાટલા (૪૦), રિક્ષાડ્રાઈવર રમેશ કુંવર રામ (૩૩) અને અંજુમ ઈબ્રાહિમ શેખ (૪૦) તરીકે થઈ હતી. રફીક બાટલા અને રમેશ રામ પાંચમી ફેબ્રુઆરી, ૨૦૨૨ની રાતે તેલના વેપારી ચેતન ઠક્કર પર લૂંટને ઇરાદે ગોળીબાર કરવાના કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.
કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામનો વતની ઠક્કર પરિવાર છેલ્લાં ઘણાં વર્ષોથી થાણેના કોલબાડ સ્થિત ઈશ્ર્વર સોસાયટીમાં રહેતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કોલબાડ અને નગર ચોક ખાતે ઠક્કર પરિવારની દુકાન છે. નગર ચોક સ્થિત પાયલ ટ્રેડર્સ દુકાન ચેતન ચલાવતો હતો. ઘટનાની રાતે ૯.૧૫ વાગ્યાની આસપાસ દુકાનમાંની બે લાખની રોકડ લઈને ચેતન ઘરે જઈ રહ્યો હતો.
અગાઉથી રૅકી કરનારા આરોપીઓએ સફેદ રંગના સ્કૂટર પર ચેતનનો દુકાન નજીકથી પીછો કર્યો હતો. નિર્જન સ્થળે આરોપીઓએ પિસ્તોલમાંથી ચેતન પર ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાં એક ગોળી ચેતનના પેટમાં વાગી હતી. જખમી અવસ્થામાં ચેતન સોસાયટીમાં પ્રવેશ્યો હતો અને મદદ માટે બૂમો પાડી હતી. રહેવાસીઓનું ટોળું એકઠું થતું જોઈ ડરી ગયેલા હુમલાખોરો રોકડ લૂંટ્યા વિના જ ફરાર થઈ ગયા હતા.
ગંભીર જખમી ચેતનને તે સમયે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના પિતાની ફરિયાદને આધારે રાબોડી પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તે સમયે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પણ તપાસવામાં આવ્યાં હતાં. જોકે પોલીસને આરોપીઓની કોઈ નક્કર માહિતી મળી નહોતી.
દરમિયાન રાબોડી પરિસરમાં તાજેતરમાં થયેલી ચોરીના કેસમાં કથિત રીતે સંડોવાયેલા આરોપીઓની માહિતી રાબોડી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ઠક્કર પર ગોળીબારનો કેસ ઉકેલાયો હતો. ઠક્કર પર ગોળીબાર વખતે સ્કૂટર રમેશ ચલાવી રહ્યો હતો, જ્યારે રફીક બાટલાએ ગોળીબાર કર્યો હતો, એમ પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું.
પોલીસે આરોપી રફીક બાટલા અને રમેશ રામના ઘરમાં સર્ચ હાથ ધરી હતી. તેમના ઘરમાંથી બે પિસ્તોલ અને બે કારતૂસ મળી આવી હતી. બન્ને આરોપી વિરુદ્ધ ગોળીબાર, હત્યાનો પ્રયાસ, ચોરી જેવા અનેક ગંભીર ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.