મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઈસ્લામના મહાન સુધારક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ પર કોટી કોટી સલામ અને સલવાત.
હું એક ગુજરાતીભાષી મુસ્લિમ કૉલેજિયન યુવતી છું અને ઈસ્લામના અંતિમ પયગંબર સાહેબ વિશે અંગ્રેજી લેખકોએ લખેલ પુષ્કળ લેખ, પુસ્તકો મેં વાંચ્યા છે. મારા ઘરમાં માતા-પિતાએ આપેલ દીની તાલીમથી અમારી કૉલેજની અનેક યુવતીઓ સાથેના વિવાદમાં ઘણી વેળા જુનવાણી વિચારો અને પ્રગતિશીલ વિચારો દ્વારા અમને ઘણું ઘણું જાણવા મળે છે.
અમે ઘરમાં, કુટુંબ – પરિવારમાં ઉર્દૂ બોલીએ છીએ. ઉર્દૂનું સારું જેવું શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું છે. ખરું જોતાં ઈસ્લામે ઔરતોને જે સન્માન અપાવ્યું છે તે સરાહનીય છે.
હમણાં જ મને ‘મુસદસે મૌલાના હાલી’ નામની એક રેર કૃતિ ઉર્દૂમાં વાંચવા મળી. એમાં ઈસ્લામ પહેલાં અરબસ્તાનમાં જે અજ્ઞાનતા ફેલાયેલી હતી તેનો સુંદર ચિતાર વાંચવા મળ્યો. જેમાંથી અમુક પંક્તિઓ તેના ભાવાનુવાદ સાથે આપને મુખ્બિરે ઈસ્લામ કોલમના વાચકો માટે લખી મોકલું છું. એમાં ઈસ્લામ અગાઉ સ્ત્રીની જે દશા હતી, તેનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.
અંગ્રેજ લેખકો જેમ કૉલેજિયનો માટે જાણીતા છે, તેમ આપણે ત્યાં પણ ઉર્દૂના આલિમો (જ્ઞાનીઓ) જેવા કે મૌલાની હાલી, સર સૈયદ, અલ્લામા ઈક્બાલ, હફીઝ જાલંધરી, જોશ મલીહાબાદી વગેરેનાં નામો જાણીતાં છે, જેમના વિશે આપણાં ગુજરાતી વાચકોને કદાચ બહુ ઓછી માહિતી હશે.
આપણે ત્યાં પણ એવા અનેક સમાજ સુધારકોની અનેક ઉર્દૂ કૃતિઓ છે જેનું વાંચન આપણા ગુજરાતી મુસ્લિમ વાચક ભાઈ-બહેનોએ કરવું જોઈએ.
મૌલાના હાલીની કૃતિમાંની કેટલીક પંક્તિઓ તેના અર્થો સહિત અત્રે લખી મોકલી છે, જેથી ‘મુંબઈ સમાચાર’ના સૌ વાચકોને જરૂર રસ પડશે.
‘હાલી’ સાહેબની ઉર્દૂમાં લખેલી પંક્તિઓ આ મુજબ છે.
જો હોતી થી પૈદા કિસી ઘર મેં દુખ્તર,
તૌફે શમાતતસે બે-રહમ માદર
ફિરે, દેખતી જબથી શૌહર કે તેવર,
કહી ઝિંદા ગાડ આતીથી ઉસ્કો જાકર,
વો, ગોદ અયસી નફરત સે કરતીથી ખાલી
જણે સાપ, જય સે કોઈ જણને વાલી.
અર્થ: ઈસ્લામના આગમન પહેલાં જ્યારે અરબસ્તાન ખાતે કોઈ પુત્રીનો જન્મ થતો હતો ત્યારે જણનારી માતાની કેવી દશા થતી હતી.
* ત્યારે એ સ્ત્રીના પતિના ગુસ્સાનો કોઈ પાર રહેતો નહીં હતો.
* એ સ્ત્રીની પ્રસૂતિની વેદના વિશેની વાત તો બાજુએ રહી પણ.
* તેણીના પોતાના પ્રાણનો તેણીને ડર રહેતો હતો કે પત્નીએ છોકરી શા માટે જણી?
* એ જન્મેલી દીકરી છોકરી નહીં પણ જાણે તે છોકરીને સાપ સાથે સરખાવવામાં આવતી હતી;
* અને એવા ડરને કારણે પત્ની પોતાની બાળકીને લઈને ગામથી બહાર જઈ ક્યાંક જીવતીને જીવતી તેણીને દાટી આવતી હતી.
નબી મુહમ્મદ સાહેબના આગમન પછી માત્ર ટૂંક સમયમાં જ અરબસ્તાનના અજ્ઞાન સમાજોમાં કેવું પરિવર્તન થઈ ગયું હતું.
બાળપણમાં જ અનાથ થઈ જનાર અને ધાવમાતાને ત્યાં ઉછરીને જ મહાન થનાર બાળક યુવાન થઈને પયગમ્બરી મળ્યા પછી એક સમાજ સુધારક તરીકે તે સમયના સ્થાપિત હિતો અને નિર્દય કટ્ટર અધર્મીઓ વચ્ચે આપે કેટકેટલી મુશ્કેલીઓ સહિત એવા સમાજોમાં સ્ત્રી સન્માનની ભાવના જગાડી હશે એ કલ્પી પણ શકાય નહીં.
આપ પયગંબરે ઈસ્લામે એમ પણ ફરમાવ્યું કે-
* શિક્ષણ મેળવવું દરેક સ્ત્રી કે પુરુષ બંને માટે ફરજિયાત છે.
* પુરુષ જો એકલો ભણેલો શિક્ષિત હોય અને સ્ત્રી અભણ – અજ્ઞાન હોય તો બંને વચ્ચેના સંસાર સુખરૂપ ચાલી શકે નહીં; એટલે બંને માટે શિક્ષણ ફરજિયાત ઠરાવ્યું અને પછી સ્ત્રીને પણ પોતાના જે હક્કો-અધિકારો છે તે વિશે સંસાર સમક્ષ જાહેર કર્યું.
* આજે ઈસ્લામમાં સ્ત્રીને પણ વારસાહક મળે છે.
* પરણેલી સ્ત્રી પણ પોતાના પતિને તલાક આપી શકે છે.
* આકાશી કિતાબ કુરાનમાં અલ્લાહતઆલા પોતાના નબી દ્વારા સ્ત્રી માટેના તમામ હક્ક અધિકારો જાહેર કરી દીધા છે.
* માતા માટે ઈસ્લામે કેવું ઉચ્ચ સ્થાન જાહેર કર્યું છે. કેવી મહાનતા બક્ષીછે, તે ઉદાહરણરૂપ છે.
ચિરાગ કહાં,
રોશની કહાં:
– અન્ય ધર્મોવાળાઓ તો પોતાના ધર્મે ચિંધેલા માર્ગ પર આગળ વધી એના હેતુઓને – ફરમાનો – આજ્ઞાઓને સમજે છે અને એ રીતે તરક્કી – પ્રગતિ કરે છે પણ આપણા ગુજરાતી ઈસ્લામ ધર્મીઓ કુરાનનું શિક્ષણ લેવામાં, તાલીમ હાંસલ કરવામાં ઉત્સાહી છે ખરાં?
* તેઓ કુરાને પાકના કેટલા અનુવાદો સમજી-વિચારીને વાંચતા હોય છે?
* ઔરતોના હકો-અધિકારો વિશે કેટલા જાણતા હશે?
* ઈસ્લામના સ્થાપકે જેવો ઈસ્લામ કલ્પ્યો હતો – સર્જ્યો હતો, તેવો ‘ઈસ્લામ’ રહ્યો છે ખરો?
* ઈસ્લામના કહેવાતા ઉમ્મતી (અનુયાયી, પ્રજા)એ તેને ‘સાચો ઈસ્લામ’ રહેવા દીધો છે ખરો?
* આ નાફરમાની, આ અર્થનું અનઅર્થ, પક્ષાપક્ષી, સ્વાર્થી નીતિ છેક ત્યાં સુધી પહોંચે છે. જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ હતી.
ઉમ્મિદનો આફતાબ:
* બેશક: આજે પણ મુસલમાન કુરાન અને હદીસ (નબી મુહમ્મદ)નાં કથનો, આચરણોમાં ચીંધેલા માર્ગ પર ચાલે તો ફરીથી પોતાનું ખોવાયેલું સ્થાન પ્રાપ્ત કરી શકે છે.
(આફતાબ: સૂર્યોદય)
– શમીમ એમ. પટેલ (ભરૂચ, ગુજરાત)
* * *
આજનો સંદેશ
‘કયામત (ન્યાયનો દિવસ)ના અલ્લાહ સમક્ષ સૌથી ખરાબ દરજ્જાનો તે શખસ હશે જેની કટુ તથા ગંદી વાણીના ખૌફથી લોકોએ તેને છોડી દીધો હોય.’
(હવાલો: બુખારી શરીફ- મુસ્લિમ શરીફ)