અરવિંદ વેકરિયા
‘છાનું છમકલું’, જે નાટક મેં અને રાજેન્દ્ર શુકલે અથાગ મહેનત કરી, તુષાર શાહ માટે આખી સ્ક્રીપ્ટ તૈયાર કરી, એમના ધંધાર્થે પરદેશ જવાથી, મહેનતને તરત ‘રોકડી’ કરવા નિર્માતા અભય ગોલેચ્છા માટે નાટક તૈયાર કર્યું. એક સારી સ્ક્રીપ્ટ વેડફાય જશે તો? બસ, આ જ દહેશત સાથે શો કરતો રહ્યો. આગળ જણાવ્યું એમ ગુજરાતના બે-ચાર શહેરોમાં આઠ-દસ શો તો કર્યા, પરંતુ મુંબઈમાં ટિકિટબારી ઉપર પ્રેક્ષકોનો પ્રતિસાદ મળવો જોઈએ એટલો મળતો નહોતો. પ્રત્યેક શો માં જેટલું રિટર્ન મળતું, ક્યારેક ઓછું પણ આવતું. પ્રોડક્શન પાછળ કરેલો ખર્ચ હજી નીકળ્યો નહોતો. મને દુ:ખ તો ઘણું થતું. મેં રાજેન્દ્રને પણ કહ્યું, દોસ્ત, હવે ખોટું ‘બાપ’ નું નામ રાખવા આ રીતે નાટક ખેંચ્યા કરવું ખોટું છે. ભગવાન પણ આપણી મહેનત અને નિષ્ઠા સામે નહિ જોતો હોય? બંને ‘કિશોરો’ સાથે ચકમક ઝરી છતાં કડવા ઘૂંટડા ગળી, નાટકને ચકમકતું બનાવવા પૂરો જીવ લગાડી દીધો છતાં…ભગવાન આપણી સામે જોતો જ નથી..
રાજેન્દ્ર મને કહે, દોસ્ત તું ભગવાન-ભગવાન ન કર ! બજારમાંથી ખરીદેલી મૂર્તિ સામે હાથ જોડી માણસ સુખ,શાંતિ અને ધન માગે છે. જો મૂર્તિ આપતી હોત તો દુકાનવાળો એણે વેંચે ખરો? કર્મ સિવાય ઉદ્ધાર નથી થતો..ઠીક છે, આપણે નામી કલાકારોને લઇ દિલથી કર્મ કર્યું..પણ પ્રેક્ષકોને કોઈ એવી વાત હશે જે પસંદ નથી પડી એટલે જેવો આવકાર નાટકને મળવો જોઈએ એવો ન મળ્યો, એમાં ભગવાનને દોષ દેવા કરતાં નાટક બનાવવામાં આપણે ક્યા થાપ ખાધી, એ શોધીએ. મેં કહ્યું, “મને શું કહે છે…આપણે સહિયારી મહેનત કરી છે, મને કોઈ વાંક દેખાતો નથી. આ નાટકે કેટલી ચડ-ઊતર જોઈ, આપણી મહેનત રંગ લાવશે એની ગળા સુધી ખાતરી હતી.. પરસેવો રેડયો છે આ નાટક પાછળ. રાજેન્દ્ર મને સાંભળતો રહ્યો. એને પણ મારી જેટલું જ દુ:ખ થયું હશે. પણ મને, હું તૂટી ન પડું એટલે ખોટી હિંમત આપતો હશે. રાજેન્દ્ર શુકલે મારા ખભા પર હાથ મૂકી કહ્યું, “જો દાદુ, જે પાણીથી પલળે છે એ ફક્ત પોશાક બદલી શકે છે, પણ જે પરસેવાથી પલળે એ ઈતિહાસ બદલી શકે…આપણે પરસેવાથી તરબતર થઇ બીજું સફળ સર્જન કરીશું. મેં કહ્યું, રાજેન્દ્ર, તને શું લાગે છે? નિર્માતાને હકીકત જણાવી દઈએ? આમ પણ સોલ્ડ-આઉટ શો તો મળતા નથી. બપોરના શોમાં હાઉસ આવતું નથી. કલાકારોને મહિનામાં ચાર-પાંચ શોથી વધારે મળતા નથી. બેટર છે કે નાટક બંધ કરી દઈએ. અને તું કર્મની માંડે છે, કર્મ કરીએ પણ નિર્માતા જડવો જોઈએ ને? આ અભયભાઈ આટલા પૈસા ગુમાવ્યા પછી નવા નાટક માટે તૈયાર થાય એવું લાગતું નથી. રાજેન્દ્ર કહે, “દાદુ, બધા પ્રકારનો સમય આવે છે પણ સમયને બદલાતા સમય નથી લાગતો. તું કહે છે, તો ઠીક છે,,આપણે નાટક બંધ કરીએ, પણ હું ચેલેન્જ મારીને કહું છું કે આ નાટક વગર સોલ્ડ-આઉટે સેન્ચ્યુરી મારશે. અત્યારે જરૂર છે થોડી ધીરજની.
મેં કહ્યું તારી વાત ખરી પડે તો તારા મોઢામાં ઘી-સાકર. પણ હમણા તો નિર્ણય લેવો જ પડશે. માનું છું કે જેટલા લોકો નાટક જોવા આવે છે એ બધા વખાણે તો છે.સાથે એ પણ સમજુ છું કે વખાણ કરનાર તમારી સ્થિતિ જુએ છે, ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જુએ છે. નાટકની જા.ખ. અને આપણી વાક્કછટાને લઇ બધાને આપણી સ્થિતિ સારી દેખાય છે પણ માંહ્યલા ગુણ તો આવતો વકરો જ જાણે છે. ખેર! આપણે કઈક નક્કી તો કરવું જ પડશે. એવું ન થાય કે નિર્માતા સાથે આગળ જતા સંબંધ બગડે.
રાજેન્દ્ર કહે, “તારી વાત સાચી છે. આપણે નિર્માતાને બધી વાત કરી દઈશું. બાકી સંબંધ બગડવાનું એક કારણ એ પણ હોય છે કે લોકો સમજતા હોવા છતાં માનતા નથી, ગ્લેમરથી અંજાઈને ઘણા નિર્માતા નાટકો બનાવે છે, પછી સાચી વાત સમજવા તૈયાર નથી હોતા. આપણે અભયભાઈને સમજાવીશું. આમ પણ માણસ ક્યા સુધી લોસ સહન કરે!
અમે બંને માર્કેટમાં એની દુકાને જવાનું વિચાર્યું. અભયભાઈએ હિન્દુજા થિયેટરની સામે આવેલ ઈરાની હોટેલમાં મળવાનું નક્કી કર્યું,
અભયભાઈનો મૂડ જરા ઓછો તો હતો જ. એમને પૈસા બાબત ચિંતા હશે જ પણ બોલતા નહોતા. જે વાત કદાચ એ નહોતા કહી શકતા એ અમે એમને કહી. એમને તો ‘ભાવતું’તું ને વૈદે કીધું’ જેવો ઘાટ થયો.
એમણે સ્વીકાર્યું કે “નાટક તમેં સારું જ બનાવ્યું છે. પણ પ્રેક્ષકોને ક્યારે કઈ વસ્તુ ગમી જાય એ જો કહી શકાતું હોત તો બધાં નાટકો સુપરહીટ જ જાય ને? હા, લોકો વખાણ કરે એટલે આપણે ખોટા હરખાય જઈ પૈસા ન વેડફાય. લોકો તો કહે, જુઠની ઝડપ ગમે તેટલી હોય પરંતુ મંજિલ સુધી તો સત્ય હોય એ પહોંચે.આપણું નાટક લોકોને નથી ગમ્યું એ સત્યનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો.
આગળના બે-શો હતા. બપોરના તેજપાલ અને સાંજે ભાઈદાસ-પાર્લા.બંને શો સારા રહ્યા. સાંજનો શો પૂરો થયા પછી બધાને’કવર’ આપતા અમે અમારો અને નિર્માતાનો નિર્ણય જણાવી દીધો. થોડા મત-મતાંતર અને વિવાદ થયા પણ મન પર પથ્થર મૂકી નિર્ણય તો લઇ લીધો.
છેલ્લા બે શો… મેં રાજેન્દ્રને કહ્યું કે, ‘પેલું નાટક જરા પણ સારું નથી છતાં…
“પ્રેક્ષકોને જે ગમે એ ચાલે. તને કે મને ગમતું હોય એટલે ચાલવું જ જોઈએ એ જરૂરી નથી.ક્યારે’ય તુલનામાં ભૂલથી પણ નહિ પડતો. સૂરજ અને ચંદ્ર વચ્ચે કોઈ તુલના નથી, જયારે જેનો સમય આવે છે ત્યારે એ ચમકે છે. તું અને હું પણ ચમકીશું એ વાત સાથે ભારે હૃદયે ભાઈદાસથી અમે છુટ્ટા પડ્યા. હજી તો ઘરે પહોંચ્યા ત્યાં લેન્ડલાઈન પર ફોન આવ્યો…
“એલાઉ, અરવિંદ વેકરીયા છે?
“જી.. હું જ બોલું છું મેં કહ્યું.
“હું ભાવના ભટ્ટ બોલું છું. હું, પપ્પા અને મમ્મી હમણાં જ તમારું નાટક ભાઈદાસથી જોઈ ને ઘરે આવ્યા.
“..જી? હું વિચારમાં પડ્યો.
“હું ચંદ્રવદન ભટ્ટની ડોટર, ભાવના ભટ્ટ, તમે કાલે સાન્તાક્રુઝ અમારા ઘરે આવી શકો? પપ્પાને મળવું છે.
“હસવું પડ્યું જો કોઈને સારું લગાડવા,
એ શોકનો પ્રકાર હતો, કોણ માનશે?
————
ટીચર: ચોમાસામાં વાદળ કાળાં કેમ
હોય છે?
રાઘવ: આખો ઉનાળો રખડે પછી ચોમાસામાં તો કાળા જ થાય ને?