મુંબઈ: અમેરિકા ખાતે બૅન્કોની સ્થિતિ વણસવાની ભીતિ સાથે ફેડરલ રિઝર્વે નાણાનીતિ હળવી કરવાના સંકેતો આપતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં એક તબક્કે સોનાના ભાવ વધીને વર્ષ ૨૦૨૦ની ઔંસદીઠ ૨૦૭૨.૪૯ની ઊંચી સપાટીથી સહેજ નીચે ૨૦૭૨.૧૯ ડૉલર સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે અમેરિકાના નોન ફાર્મ પેરૉલ ડેટાની જાહારેત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા લંડન ખાતે સોનાચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હતો.
આમ વૈશ્ર્વિક બજારના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટ બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજાને કારણે બંધ રહ્યું હોવાથી રૂપિયાની વધઘટની સોનાના ભાવ પર કોઈ અસર જોવા નહોતી મળી, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ વધુ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૧૬ની તેજી સાથે રૂ. ૭૭,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.
આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૧૬ વધીને રૂ. ૭૭,૨૮૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૦ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૨૫૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૪૯૬ના મથાળે બંધ રહ્યા હતા.
બૅન્કોની સ્થિતિ કથળતા આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર રહેતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૩૮.૩૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ૨૦૪૫.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા નોન ફાર્મ પેરૉલ ડેટા પર સ્થિર હોવાથી તેઓની લેવાલી પાંખી રહી હતી. તેમ જ આજે ચાંદીના ભાવ પણ વધ્યા મથાળેથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.