ઘણા વિચિત્ર કહેવાય તેવા બનાવો એકતરફી પ્રેમને લઈને બની રહ્યા છે. સુરતની ગ્રીષ્મા નામની યુવતીને આવા જ એક માથાફરેલા યુવકે ગળામાં ચાકુના ઘા કરી પરિવાર સામે રહેંસી નાખી હતી ત્યારે અમદાવાદમાં ફરી આવી ઘટના બની છે. યુવતી હાલમાં હોસ્પિટલમાં છે અને તેને ગળાના ભાગમાં 35 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ભરત બોડાણ નામના 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમા સગીરાને ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સગીરાના પરિવારે ભરત બોડાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
સગીરાના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ 4 વર્ષ અગાઉ વાડજ વિસ્તારમાં રહેવા આવ્યા હતા. જ્યાં ભરત નામનો યુવક સગીરાના એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે બે વર્ષ પહેલા સગીરાને પામવા માટે પ્રેમનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, ત્યારે સગીરાએ ઇનકાર કર્યો હતો. જે બાદ તેણે સગીરાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
ઉમરનો પણ તફાવત જોયો ન હતો અને તેની પાછળ પડી ગયો હતો તે કિશોરીને આત્મહત્યાની પણ ધમકી આપતો હોવાનું પરિવાર પાસેથી જાણવા મળ્યું છે. જોકે, પોલીસે તેને પકડી પાડ્યો છે, પરંતુ પરિવાર હાલમાં કિશોરીના જીવને લઈને ચિંતામાં છે.
જોકે આવા કેસમાં પરિવારે સમયસર પોલીસની મદદ લેવાની જરૂર છે. આ સાથે આ પ્રકારની ફરિયાદો આવે ત્યારે પોલીસે પણ ગંભીરતા દાખવવાની જરૂર છે.