માણસ પોતે સુખી ન થઈ શકતો હોય તો પણ તેણે બીજાઓને દુ:ખી ન કરવા જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા સમય અગાઉ બે સગા ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીને મુદ્દે ઝઘડો થયો. વાત વધીને કોર્ટ સુધી પહોંચી ગઈ. જે ભાઈ જીદે ચડ્યો હતો તેને સગાંવહાલાં અને મિત્રોએ સમજાવવાની કોશિશ કરી કે તમે બંને ભાઈઓ સમાધાન કરી લો નહીં તો આ પ્રોપર્ટીનો કેસ વર્ષો સુધી કે દાયકાઓ સુધી ચાલતો રહેશે અને તમને બંને ભાઈઓને નુકસાન થશે. વકીલો પૈસા કમાશે અને તમે બંને ખુવાર થઈ જશો.
જે ભાઈ સગા ભાઈને કોર્ટમાં ઘસડી ગયો હતો તેણે કહ્યું કે “હું બરબાદ થઈ જાઉં તો ય મને એનો અફસોસ નહીં થાય, પણ મારા ભાઈને તો હું ભિખારી બનાવીને જ છોડીશ. મારે એને ફૂટપાથ પર બેસીને ભીખ માગતો જોવો છે.
આવા ઘણા કિસ્સાઓ તમે પણ તમારી આજુબાજુ જોતા હશો. ક્યારેક બે મિત્રો વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, પિતા
-પુત્ર વચ્ચે, ભાઈ – બેન વચ્ચે કે મા – દીકરા વચ્ચે કે બાપ દીકરી વચ્ચે પ્રોપર્ટીને કારણે કે બીજા કોઈ પણ કારણે ઝઘડાઓ થાય અને આજીવન અબોલા સુધી કે આજીવન દુશ્મની સુધી વાત પહોંચી જાય એવું બનતું હોય છે. ઉપરોક્ત કિસ્સામાં એક ભાઈ બીજા ભાઈને બરબાદ કરવા તૈયાર થયો એના પરથી એક પ્રાચીન વાર્તા યાદ આવી ગઈ.
ઈશ્ર્વરે એક માણસ પર પ્રસન્ન થઈને તેને કહ્યું કે “હું તને વરદાન આપું છું કે તું જે માગીશ એ તને એ જ ક્ષણે મળી જશે.
તે માણસ તો ખુશ થઈ ગયો અને ઈશ્ર્વરનો આભાર માનવા લાગ્યો.
ઈશ્ર્વરે કહ્યું, “તું જે માગીશ એ હું તને આપીશ, પણ તું જેટલું માગીશ એનાથી બમણું તારા પાડોશીને મળશે.
એ માણસ થોડો અચકાયો પણ તેને એ વરદાન મળ્યું એનો આનંદ ઓછો થઈ ગયો. એ પછી તેણે ઈશ્ર્વર પાસે માગ્યું કે “મારા કાચા મકાનની જગ્યાએ વિશાળ હવેલી બનવી આપો.
બીજી જ ક્ષણે તેના ઝૂંપડાની જગ્યાએ વિશાળ હવેલી ઊભી થઈ ગઈ. તે ખુશ થઈ ગયો, પણ એ જ વખતે તેણે તેના પાડોશીના મકાનની જગ્યાએ બે હવેલીઓ ઊભી થઈ ગયેલી જોઈ એટલે તે દુ:ખી થઈ ગયો. ઈશ્ર્વરે હવેલી આપી એ વાતની ખુશી અનુભવવાને બદલે, એ સુખ માણવાને બદલે તેને એ વાતનું દુ:ખ થયું કે તેના પાડોશીને બે હવેલીઓ મળી ગઈ! આવી રીતે તે ઈશ્ર્વર પાસે માગતો ગયો અને ઇશ્ર્વર તેને બધું આપતા ગયા, પરંતુ તેનાથી બમણું તેના પાડોશીને આપતા ગયા એટલે તે માણસ દુ:ખીદુ:ખી થઈ ગયો. તેણે ખૂબ વિચાર્યું. પછી તેણે ઈશ્ર્વર પાસે માગ્યું કે “મારી એક આંખ ફોડી નાખો.
ઈશ્ર્વરે કહ્યું,”મેં તને વરદાન આપ્યું છે એટલે તું ઈચ્છે એ મારે કરી આપવું પડે, પરંતુ તું વિચારી લે કે તારે એક આંખ ગુમાવવી છે?
તે માણસે કહ્યું, “હા મેં ખૂબ વિચારી લીધું છે. મારી એક આંખ ફોડી નાખો.
બીજી જ ક્ષણે તેની એક આંખ ફૂટી ગઈ, પરંતુ એ જ વખતે તેના પાડોશીની બંને આંખો ફૂટી ગઈ. તેના પાડોશીએ તેની બંને આંખો ગુમાવવી પડી એટલે પોતે એક આંખ ગુમાવી એનું દુ:ખ અનુભવવાને બદલે પાડોશીએ બંને આંખો ગુમાવવી પડી એની ખુશી તે માણવા લાગ્યો.
દોસ્તો, દુનિયામાં કેટલીય તકલીફોનું મૂળ આ છે. મોટા ભાગના માણસો પોતાને મળતી ખુશીઓને કારણે સુખ અનુભવે છે એના કરતાં તેમની આજુબાજુની વ્યક્તિઓને ખુશી મળતી હોય, તેમનું કંઈક સારું થતું હોય તો તેઓ દુ:ખ અનુભવે છે. પરપીડનવૃત્તિવાળા ઘણા માણસો બીજાઓને દુ:ખી કરવા માટે, હેરાન કરવાની તક શોધતા હોય છે. આવા પિશાચી પ્રકૃતિના માણસો પોતાની નજીકની વ્યક્તિઓને, કુટુંબના સભ્યોને, પાડોશીઓને કે સગાંવહાલાંઓને કે સોસાયટીના લોકો કે ગામના લોકો કે પરિચિતોને ઉતારી પાડવા માટે, તેમને તકલીફ આપવા માટે, તેમની પાસેથી કંઈક ખૂંચવી લેવા માટે રાતદિવસ મચી પડતા હોય છે. ચીન જેવા ખેપાની દેશોને આજુબાજુના દેશોની જમીન પચાવી પાડવી છે કે રશિયા જેવો મોટો દેશ નાનકડા યુક્રેનને પચાવી પાડવા ઇચ્છે છે. આ બધા મૂળમાં માણસની પરપીડન વૃત્તિ જવાબદાર છે. પોતાને જે મળે છે એનું સુખ માણવાને બદલે બીજાઓને પીડા આપીને, બીજાઓને તકલીફો આપીને, બીજાઓનું કંઈક પડાવી લઈને ઘણા લોકો વિકૃત આનંદ માણતા હોય છે. આવા માણસો પોતે તો સુખી નથી થતા હોતા, પરંતુ પોતાની આજુબાજુની વ્યક્તિઓને પણ દુ:ખી કરતા હોય છે.
એક નોકરિયાત યુગલ પ્રત્યે તેમની સોસાયટીના કેટલાક રહેવાસીઓને અણગમો હતો. તે યુગલ પોતાની મસ્તીમાં જીવે છે તે યુગલને કોઈની પણ સામે કશો વાંધો નથી, પણ તેઓ પોતાના કામને કારણે મોટેભાગે ઘરની બહાર હોય અને સોસાયટીના લોકો સાથે તેમનું હળવામળવાનું ઓછું હોય છે. તેઓ કોઇને નડતા નથી એમ છતાં કોઈને તેમના પ્રત્યે વાંધો હતો એટલે કોઈ તેમના જૂતાં, કેળાની છાલ મૂકી જાય કે ક્યારેક તેમના ઘર પાસે કચરો નાખી જાય એવું બનતું હતું.
તે પતિપત્ની નોકરી કરતા હતા એટલે તેઓ મિનરલ વોટરની પાણીની મોટી બોટલ મગાવતા હતા. તેઓ બહાર હોય ત્યારે ડિલિવરી બોય તેમના ઘરે પાણીની વીસ લિટરની બોટલ મૂકી જાય. આ રીતે એક ડિલિવરી બોય તેમના ઘરની બહાર પાણીની બોટલ મૂકી ગયો તો કોઈએ એ બોટલમાં કાણા પાડી અને એની અંદર માટી નાખી દીધી!
આવી વિકૃતિઓ સૂચવે છે કે. આપણે કહેવા માટે ધાર્મિક છીએ, પણ એ દેખાડો છે, દંભ છે. માત્ર મંદિર, મસ્જિદ, ચર્ચમાં જવાથી કોઈ ધાર્મિક નથી બની જતું એ વાત જડ લોકોના મગજમાં ઊતરતી નથી હોતી. માણસ પોતે સુખી ન થઈ શકતો હોય તો પણ તેણે બીજાઓને દુ:ખી ન કરવા જોઈએ. બીજાઓનું સુખ જોઈને માણસે દુ:ખી ન થવું જોઈએ.