Homeરોજ બરોજવન નેશન, વન ઇલેક્શન: યે સપના કભી હકીકત બનેગા?!

વન નેશન, વન ઇલેક્શન: યે સપના કભી હકીકત બનેગા?!

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ચૂંટણીનો ઉદભવ જ્યારથી થયો ત્યારથી જ મતમતાંતર પણ અવતર્યા. આમ તો પ્રજાની સેવા કરવા માટે સેવકનું ચયન કરવા ચૂંટણી પ્રકિયા અસ્તિત્વમાં આવી, પરંતુ આજે પ્રજા સેવક છે અને ચૂંટાયેલો પ્રતિનિધિ રાજા, ચૂંટણી આવે ત્યારે જ રાજા કોપભુવનમાંથી બહાર નીકળીને પ્રજાની સમસ્યાઓને સાંભળીને સહન કરવાનો પ્રયત્ન કરે, તખ્તેશીન થયા બાદ પ્રજાની પીડા બહેરા કાને અથડાય અને ચૂંટણી આવે ત્યારે પુન:જીવિત થઈ જાય. વિશ્ર્વમાં આ ઘટમાળ વર્ષોથી ચાલ્યા કરે છે અને કદાચ પૃથ્વીના અંત સુધી ચાલ્યા કરશે! પરંતુ પાંચ વર્ષના અંતરાલમાં ભારતમાં યોજાતી ચૂંટણી પ્રક્રિયા વિશ્ર્વ માટે નમૂના રૂપ સાબિત થાય છે.૨૦૧૪માં ‘નમો’ની ભવ્ય જીત બાદ તેમણે લોકસભાના પ્રથમ સંબોધનના ચોથા પેરેગ્રાફમાં ‘વન નેશન, વન ઇલેક્શન’નો પ્રસ્તાવ રજૂ કર્યો. અર્થાત એક જ દિવસમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરી નાખવાનું, તાજેતાજા પીએમ બનેલા મોદીએ તર્કબદ્ધ વિચારો સાથે લોકસભામાં ખર્ચ પત્રક રજૂ કર્યું. તેમના એનાલિસિસ અનુસાર એકલા બિહારમાં ચૂંટણી પાછળ ૩૦૦ કરોડનો ખર્ચ થાય છે. આટલી રકમ જો સમગ્ર દેશ પાછળ ખર્ચવામાં આવે તો ભારતનું અર્થતંત્ર વિષમ પરિસ્થિતિઓમાં ટકી રહે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિશેની તેમની ભાવનાત્મક અપીલને કેન્દ્રમાં કાર્યરત કમળના નેતાઓએ ઝીલી લીધી, પરંતુ કૉંગ્રેસે તેમની આ યોજનાનો વિરોધ કર્યો. કારણ? એમ તાત્કાલિક કારણ થોડું મળી જાય! છતાં સંસદ ભવનમાં કૉંગ્રેસે દેકારા કરીને કોઈપણ ભોગે આ વિચારને માન્યતા આપવી જ ન જોઈએ એ મુદ્દો પકડી રાખ્યો.
આ ઘટનાના બે દિવસ પછી રાહુલ બાબાએ પત્રકારો સાથે ગોષ્ઠી કરીને સમાંતર ચૂંટણીના આ વિચારને વખોડી કાઢ્યો. એકસાથે ચૂંટણીથી દેશને કોઈ ફાયદો થવાનો નથી. તેના કારણે ચૂંટણી પ્રક્રિયા વિશુદ્ધ બનશે. તેનાથી ઊલટું દેશની તંદુરસ્ત લોકતાંત્રિક પ્રણાલી પર અસર પડશે. આવા મુદ્દાઓ કરીને ગાંધી પરિવારે વડા પ્રધાનના વિચારને ફારસ ગણાવ્યો. આ મુદ્દો એટલો ચગ્યો હતો કે રાહુલ ગાંધીએ લોકસભામાં સમાંતર ચૂંટણીના વિષય પર સ્વાનુભવ વ્યક્ત કરવાની શરૂઆત કરીને એવો ઊભરો ઠાલવ્યો કે સભાગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું, એટલેથી જ ન અટકતા રાહુલ અચાનક મોદીજી પાસે ગયા અને તેમને છાતીસરસા ચાંપીને શબ્દોને વિરામ આપ્યો.
આ તો ભૂતકાળમાં બનેલા હાસ્યાસ્પદ બનાવ છે, પરંતુ ભારતના મતદારોને મતદાન કરવા માટે રિઝવવા માટે જ તનતોડ મહેનત કરવી પડે છે. સમગ્ર ગુજરાતમાં મતદાન કરવા બે તબક્કામાં આયોજન કરવાનું પડે છે. આવી સ્થિતિમાં એક જ દિવસમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી એક જ દિવસે યોજાય તો શું કોઈ ચોક્કસ પક્ષની જીત થાય? આ વિચારનો સઘળો શ્રેય હંમેશાં ઈલેક્શન મોડમાં જ રહેતા વડા પ્રધાન મોદીને આપવામાં આવે છે. એમ પણ ઠસાવાય છે કે તમામ ચૂંટણીઓ એકસાથે યોજવાનો વિચાર પણ મોદીના ભેજાની જ પેદાશ છે. જોકે વાસ્તવિકતા એ છે કે આ પૂર્વે પણ આ બાબત ચર્ચાઈ ચૂકી છે. અને ભારતમાં તેનો અમલ પણ થઈ ચુક્યો છે.
૧૯૫૧માં દેશમાં પ્રથમ વખત ૨૬ રાજ્યોમાં એકસાથે ચૂંટણી થઈ ત્યારે કૉંગ્રેસે ૨૪ રાજ્યોમાં લોકસભા અને ૨૫ વિધાનસભાઓમાં બહુમતી મેળવી હતી. ૧૯૫૭માં ૧૩ રાજ્યોમાં એકસાથે અને ચાર રાજ્યોમાં અલગ ચૂંટણી થઈ ત્યારે ૧૩ રાજ્યોમાં કૉંગ્રેસને સત્તા મળી હતી. આવી જ રીતે ૧૯૬૨માં પણ કૉંગ્રેસે ૧૨ રાજ્યમાં સત્તા મેળવી, પણ જે છ રાજ્યોમાં વિધાનસભાઓની અલગ થઈ તે કૉંગ્રેસે ગુમાવ્યાં. ૧૯૬૭માં પણ લોકસભાની બહુમતી બેઠકો ૧૪ રાજ્યોમાં મળી અને નવ રાજ્યોમાં અલગ ચૂંટણી હતી તેમાંથી ૧૩ રાજ્યો પર પંજો છવાયો હતો.૧૯૬૨ સુધી નેહરુના પ્રભાવના પરિણામે ખાસ વાંધો નહોતો, પણ ૧૯૬૭માં નવ રાજ્યોમાં અલગ ચૂંટણી થવાથી ઘસારો અને ઘર્ષણની શરૂઆત થઈ. પ્રાદેશિક પક્ષો અને સ્વતંત્ર પાર્ટીનું ગ્રાન્ડ એલાયન્સ હતું તેનાથી નેતાગીરીનો વિવાદ અને કૉંગ્રેસમાં ‘ભવ્ય ભંગાણ’ પડ્યું. ૧૯૬૭માં ૨૭ રાજ્યોની ચૂંટણીમાં કૉંગ્રેસે ચાર ૯ રાજ્ય ગુમાવ્યાં. તેની અસર સીધી ૧૯૭૧ની ચૂંટણીમાં પડી. ભારત-પાક.ના યુદ્ધ બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી સમય પહેલા યોજાઈ હતી. થોડા ઘણાં રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર હતી તેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. સૌથી મોટો લાભ દક્ષિણ ભારતના પીઢ કલાકારોને થયો. એમજીઆર અને એન. ટી. રામારાવને જંગી બહુમતી મળી, પરંતુ આ સરકારો લાંબું ન ટકી અને કેન્દ્ર સરકારે તેની સામે બંધારણના અનુચ્છેદ ૩૫૬નો ઉપયોગ કરીને તેને બરખાસ્ત કરી ત્યારથી ‘વન નેશન, વન ઇલેક્શન’ને તિલાંજલિ અપાઈ.
કૉંગ્રેસને આ ઇતિહાસનું પુનરાવર્તન થવાનો ભય છે. આ માટે તેનો વિરોધ પણ સમજી શકાય. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી એક સાથે થઈ તેમાં જ કૉંગ્રેસને કહેવા ખાતર માંડ ૧૦-૧૨ મત મળ્યા. પંજાબમાં ‘આપ’ની સરકાર બની, એટલે કૉંગ્રેસનો ભય પણ સાચો ઠર્યો. હવે જો આખા દેશમાં સમાંતર ચૂંટણી થાય તો તેનો સીધો લાભ સતાધારી પક્ષને જ થાય. એટલે તો કેજરીવાલ પણ હિમાચલ-ગુજરાતમાં થતી સમાંતર ચૂંટણી પર નાકનું ટીચકું ચડાવી રહ્યા છે.
સમાંતર ચૂંટણીના તરફદારો નાણાં, સમય અને શ્રમની બચતની દલીલ જોરશોરથી કરે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટેનો સરકારી ખર્ચ ૩૪૨૬ કરોડ અને રાજકીય પક્ષોએ કરેલો ખર્ચ ૨૬ હજાર કરોડ હતો. જો લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ થાય તો થોડોક જ ખર્ચ વધે અને બંને ચૂંટણી થઈ જાય. પ્રથમ નજરે જ આ દલીલ સૌને સ્વીકાર્ય લાગે તેવી છે, પરંતુ રાજકીય પક્ષો અને સરકારી ખર્ચ વચ્ચે જે મોટું અંતર છે તે ધ્યાનથી જોતાં સમજાય છે કે ખર્ચના ઘટાડાની આ દલીલમાં બહુ દમ નથી. ૧૯૫૨માં ચૂંટણી અંગેનો માથાદીઠ સરકારી ખર્ચ ૬૦ પૈસાથી ૨૦૧૯માં વધીને રૂ. ૪૨ થયો છે. સામે રાજકીય પક્ષો દ્વારા થતો ખર્ચ એના કરતાં અનેકગણો વધ્યો છે.
ભારતની લોકશાહી અદ્ભુત છે. એટલે જ હજુ સુધી આ દેશની અખંડિતતા અકબંધ રહી છે. ભારતમાં ત્રણ તબક્કે ચૂંટણી યોજાય છે.સ્થાનિક સ્વરાજ, વિધાનસભા અને સંસદની ચૂંટણી. રાજ્ય વિધાનપરિષદો અને રાજ્ય-સભાની ચૂંટણીઓ પરોક્ષ થાય છે. તેમાં સીધી રીતે નાગરિક મત નથી આપતો, પરંતુ, ચૂંટાયેલા ધારાસભ્યો મત આપે છે. જયારે સ્થાનિક સ્વરાજ જેમાં ગ્રામ,તાલુકા,જિલ્લાપંચાયત તથા નગરપાલિકાનો સમાવેશ થાય છે, તેનું નિયમન રાજ્ય ચૂંટણીપંચ કરે છે અને વિધાનસભા અને લોકસભા/રાજ્યસભાની ચૂંટણીનું કેન્દ્રીય ચૂંટણીપંચ સંચાલન કરે છે.
માની લઇએ કે ‘વન નેશન વન ઇલેક્શન’ આદર્શ પદ્ધતિ છે, તો કેટલાક પ્રશ્ર્નોનું સમાધાન કેવા સ્વરૂપમાં હશે? કોઈ સભ્ય ચૂંટણીપંચ કે ન્યાયપાલિકા દ્વારા ગેરલાયક ઠરે, જો કોઈ સભ્ય રાજીનામું આપે કે અવસાન થાય, તો શું પેટા ચૂંટણીઓ પાંચ વર્ષ સુધી નહિ યોજાય? જો વિધાનસભામાં અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર થાય, તો વિધાનસભાને પાંચ વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં મૂકીને રાષ્ટ્રપતિશાસન આવશે? ધારો કે, ૨૦૨૪માં જ લોકસભાની સાથે જ ‘વન નેશન વન ઇલેક્શન’ થાય તો છેલ્લા એક વર્ષમાં જ જુદાં-જુદાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઇ ગઈ હોય, તેમાં પણ નવેસરથી ચૂંટણીઓ યોજવામાં આવશે કે પછી કેટલીક વિધાનસભાઓ લંબાવવામાં આવશે ? અથવા લોકસભા લંબાવવામાં આવે અને મોટાં ભાગનાં રાજ્યોની ચૂંટણીઓ સાથે થાય તે રીતે ‘વન નેશન વન ઇલેક્શન’ થાય. હવે જો ‘વન નેશન વન ઇલેક્શન’ થઈ ગયું, પરંતુ લોકસભાને ખંડિત જનાદેશ મળે તો શું ફરી વખત ચૂંટણી નહિ યોજવામાં આવે કે પછી બહુમતી હોય કે ના હોય મોટા પક્ષને સત્તા મળે? તેવી જ રીતે રાજ્યોને સ્પષ્ટ જનાદેશ ના મળે તો શું થાય? જો કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ પડે તો પણ ત્યાં ચૂંટણીઓ નહિ યોજાય? રાજ્યસભામાં છ વર્ષની સભ્યપદ મર્યાદા હોય છે. જો ‘વન નેશન વન ઇલેક્શન’ના ગાળામાં ચૂંટણીઓ લંબાઈ જાય તો રાજ્યસભામાં પણ ચૂંટણીઓ નહિ યોજાય? જ્યાં સુધી આ પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી ‘વન નેશન, વન ઇલેક્શન’નો વિચાર દિવાસ્વપ્ન બનીને જ રહેશે.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -