કેનેડામાં અગાઉ પણ અમદાવાદના એક યુવકનું ભેદી સંજોગોમાં મોત થયું હતું ત્યારે ફરી આવી ઘટના બની છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવી છે. ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીના પુત્રની ટોરેન્ટોથી લાશ મળી આવી છે. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા DySPનો દીકરો સાત દિવસ પહેલાં ગુમ થયો હતો.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની પણ કેનેડામાં ગુમ થવા બાદ લાશ મળી આવી હતી. હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. જ્યારે આયુષ પણ આ જ યુનિવર્સિટીમાં ભણતો હતો. આમ, ઉપરાઉપરી બે શોકિંગ બનાવથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં તેમ જ કેનેડા જવા ઈચ્છતા સંતાનોના માતા-પિતા ભયમાં મૂકાયા છે.
મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ ડાંખરા ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડાચાર વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. આયુષ તારીખ 5 મેના રોજ ગુમ થઈ ગયો હતો. આ અંગે મિત્રોએ પરિવારને જાણ કરી તેમ જ આયુષ ગુમ થવાની ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેને લાશ મળી આવી હતી.
આયુષના પરિવારજન પાસેથી મળેલી માહિતી અનુસાર મૃતક આયુષ રમેશભાઈ ડાંખરા 23 વર્ષનો હતો. તેના પરિવારમાં એક નાનો ભાઈ અને માતા-પિતા છે. આયુષે ધો. 12 સુધીનો અભ્યાસ ગાંધીનગરમાં કર્યો છે અને એ પછી આગળ ભણવા માટે તે સીધો કેનેડા ગયો હતો. કેનેડામાં તેને આશરે સાડાચાર વર્ષ થયાં હશે. છ મહિનામાં તેની માસ્ટર ડિગ્રી પૂરી થવાની હતી. ત્રણ વર્ષ કોલેજ કરી પાછો માસ્ટર્સનું ભણતો હતો. તે કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં 4-5 ગુજરાતીઓ મિત્રો સાથે રહેતો હતો. આયુષ ગઈ 5 તારીખે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો નહોતો ફર્યો ત્યારે તેના મિત્રોએ આયુષના પિતા રમેશભાઈને ફોન કર્યો કે આયુષ દોઢ દિવસથી ઘરે નથી આવ્યો.અને ફોન રિસીવ નથી કરતો. ત્યારે રમેશભાઈએ તેમને પોલીસમાં મિસિંગ રિપોર્ટ લખાવી દેવાનું કહ્યું હતું. પછી મિત્રોએ ત્યાંની પોલીસમાં ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો.
મિત્રોએ કહ્યું હતું કે કેનેડાનું પોલીસતંત્ર એક્શનમાં આવ્યાના 6 કે 7 કલાકમાં આયુષના સમાચાર મળ્યા કે એક ડેડબોડી મળી છે, તમે ખરાઈ કરવા આવો. તેના મિત્રો ત્યાં પહોંચે એ પહેલાં હોસ્પિટલે ડેડબોડી પહોંચી ગઈ હતી. પોલીસ તેમને ફોટો બતાવ્યો. ફોટો જોઈને 2 મિત્રોએ કહ્યું કે આ આયુષ નથી, જ્યારે 1 મિત્રએ કહ્યું કે આ આયુષ જ છે. અમને પણ શંકા થઈ કે આયુષ છે કે નહીં એ પહેલાં પાક્કું કરી લઈએ. છેલ્લે, આયુષ જ નીકળ્યો. ફોટો બતાવ્યો એના ત્રીજા દિવસે ખબર પડી કે એ આયુષ જ છે.
તેમણે ઉમેર્યું કે આયુષના મોતનું કારણ વગેરે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ સાથે ત્યાં વાત થઈ છે. તે લોકો રિપોર્ટ તપાસી રહ્યા છે, CCTV ફૂટેજ વગેરે ચેક કરી રહ્યા છે. તેનાં લોકેશન પણ તપાસી રહ્યા છે, જેથી ખબર પડે કે આયુષ ક્યાંથી કયાં ગયો હતો.
આયુષ અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવાનું અને કેનેડામાં પણ સારી રીતે સેટ થઈ ગયો હોવાનું પરિવારે જણાવ્યું હતું ત્યારે બીજા દેશમાં પોતાનું સંતાન આ રીતે મૃત્યુ પામે તે કોઈપણ પરિવાર માટે અસહ્ય ઘડી હોય છે.