અમેરિકા-કેનેડા વચ્ચે ન્યૂ યોર્કની સરહદ પાસે સેંટ લોરેન્સ નદીમાં બોટ પલટી જવાના અકસ્માતનો ભોગ વધુ એક ગુજરાતી પરિવાર બન્યો હોય તેની શક્યતાઓ જણાઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે પોલીસના જણાવ્યા અનુસાર એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્ય આ અકસ્માતના દિવસથી ગૂમ હોવાનું જણાયું છે. આ પરિવાર પણ મહેસાણાના ચૌધરી પરિવાર સાથે બોટમાં હોવાની શંકા સેવાઈ રહી છે. મહેસાણાના ચૌધરી પરિવારના ત્રણ સભ્યના મૃતદેહ મળ્યા છે જ્યારે એકનો મૃતદેહ મળ્યો નથી. મહેસાણાના માણેકપુરાના પ્રવિણ ચૌધરી અને તેમના બે સંતાનના મૃતદેહ મળ્યા છે, પરંતુ તેમના પત્ની દક્ષાનો મૃતદેહ મળ્યો નથી. દક્ષા આ બીજા ગુજરાતી પરિવાર સાથે હોવાની અને ગેરકાયદે અમેરિકા જતી હોવાની શંકા છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે એજન્ટે ચૌધરી પરિવારને મોકલ્યા હતા તેમણે હજુ એક ગુજરાતી પરિવારને પણ મોકલ્યો હતો, જેમાં ત્રીસ વર્ષીય દંપત્તી અને તેમના ચાર વર્ષના દીકરાનો સમાવેશ થાય છે. એજન્ટે ટુરિસ્ટ વિઝા પર આ પરિવારને ચૌધરી સાથે કેનેડા મોકલ્યો હતો. કેનેડામાં બે મહિના રહ્યા બાદ તેમણે બોટ દ્વારા અમેરિકા જવાનું નક્કી કર્યું હોવાનું માનવામાં આવે છે. આ પરિવાર ગાંધીનગરના માણસાનો હોવાનું કહેવાય છે.
માણસાના ડિંગુચાનો પટેલ પરિવાર જાન્યુઆરી, 2022માં કેનેડાની ઠંડીમાં થીજી ગયો હતો. ત્યાર બાદ ફરી આ રીતે ગેરકાયદે વિદેશ જવાની ઘેલછા અને તેને પૂરી કરતા એજન્ટો પર સરકારે તવાઈ બોલાવી હતી, પંરતુ આ નેક્સસ ખૂબ જ જટિલ અને દેશ-વિદેશમાં ફેલાયેલું હોવાથી તપાસ એજન્સીઓ માટે પણ અઘરું બની રહે છે. થોડા દિવસો પહેલા યોગ્ય દસ્તાવેજના અભાવે લગભગ 70 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાંથી નીકળી જવાની નોટિસ આપવામાં આવી હતી. ભારતથી આવતા લોકો આવા એજન્ટોની જાળમાં ફસાતા જોઈ કેનેડા સરકારે હવે તેમના ઈમિગ્રન્ટ રૂલ્સ ગુજરાતી સહિત ચાર પ્રાદેશિક ભાષામાં પણ આપવાનું શરૂ કર્યું છે. આ સાથે તેમની માર્ગદર્શિકા પણ સ્પષ્ટપણે જણાવે છે કે આવા એજન્ટોની જાળમાં ફસાતા નહીં, પરંતુ તેમ છતાં આ રીતે ઘુસણખોરીના બનાવો બનતા રહે છે.