Homeઆપણું ગુજરાતએક ભૂકંપ મહારાષ્ટ્રમાં તો થયો, હવે દિલ્હીમાં કયો ભૂકંપ થવાનો છે ?

એક ભૂકંપ મહારાષ્ટ્રમાં તો થયો, હવે દિલ્હીમાં કયો ભૂકંપ થવાનો છે ?

શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ બરાબર 15 દિવસ પહેલા આગામી 15 દિવસમાં બે મોટા રાજકીય ભૂકંપ-વિસ્ફોટ થવાનો સંકેત આપ્યો હતો. એક (વિસ્ફોટ) દિલ્હીમાં અને એક મહારાષ્ટ્રમાં, NCPના વરિષ્ઠ સાંસદ સુપ્રિયા સુળેએ 15 દિવસમાં મોટા રાજકીય વિસ્ફોટો પર પ્રકાશ આંબેડકરની ટિપ્પણીનો જવાબ આપતા પત્રકારોને જણાવ્યું હતું. હવે આ પહેલો ભૂકંપ તો મહારાષ્ટ્રમાં થઈ ચૂક્યો છે જ્યારે બીજો દિલ્હીમાં થવાનો તે શું હશે તે પર સૌની નજર છે. અમુક લોકોનું માનીએ તો સુળેનો ઈશારો સુપ્રીમ કોર્ટના ચુકાદા તરફ હતો, જે શિંદેજૂથના વિધાનસભ્યની પાત્રતા નક્કી કરશે.
જોકે હાલમાં તો સૌની નજર એનસીપીનું સૂકાન કોણ સંભાળશે તેના પર છે. પવારપુત્રી સુપ્રિયા કરતા અજિત પવારની શક્યતા વધારે છે ત્યારે એનસીપીના મુખ્યા બન્યા બાદ અજિત પવાર શું કરશે કે દિલ્હીમાં રાજકીય વિસ્ફોટ થાય તે વિચારવા જેવી વાત ખરી કે પછી સુપ્રિયાનો ઈશારો કોઈ બીજા તરફ હતો તે તો સમય જ બતાવશે.
કેન્દ્ર અને રાજ્યમાં શાસન ગમે તે પક્ષનું હોય, પરંતુ શરદ પવારનું સ્થાન અકબંધ રહેતું અને ભારતીય રાજકારણમાં છેલ્લા 50 વર્ષથી તેમની ઉપસ્થિતિની નોંધ લેવાનું કોઈ નકારી શકે નહીં. તેમણે અચાનક આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા પદેથી રાજીનામું આપવાની ઘોષણા કરતાં અટકળોનું બજાર માત્ર ગરમ નથી થયું, પણ ભઠ્ઠીની જેમ તપી રહ્યું છે.
“1 મે, 1960 થી 1 મે, 2023 સુધીના જાહેર જીવનના લાંબા ગાળા પછી, એક પગલું પાછું લેવું જરૂરી છે,” 82 વર્ષીય શરદ પવારે મુંબઈમાં તેમની આત્મકથાના વિમોચન સમયે આશ્ચર્યજનક જાહેરાતમાં જણાવ્યું હતું.
“નવી પેઢી માટે પાર્ટીને માર્ગદર્શન આપવાનો સમય આવી ગયો છે. હું ભલામણ કરું છું કે NCP સભ્યોની એક સમિતિ પ્રમુખ પદની ચૂંટણી અંગે નિર્ણય લે,” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા નથી.
ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કાકાએ ભત્રીજા અજિત પવારની બાજુમાં રહીને આશ્ચર્યજનક જાહેરાત કરી હતી. તેમના નિર્ણયનો એનસીપી કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હજારો કાર્યકર્તાઓ ભાવુક પણ થયા હતા. સ્ટેજ પર બેસેલા લગભગ તમામ નેતાઓ કે આગલી હરોળમાં બેસેલા નેતાઓના રાજકારણમાં પ્રવેશથી લઈને આજ સુધી પવારની સલાહ અનુસાર વર્ત્યા જ હશે.
તેમના આ નિર્ણયની કોઈને ખબર ન હતી તેમ માનવામાં આવે છે. જોકે અજિત પવારે તેમની જાહેરાત બાદ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું કહી પોતે આ પદની રેસમાં સૌથી આગળ હોવાનો ઈશારો કર્યો હોવાનું માનવામાં આવે છે.
અજિત પવારે એમ પણ કહ્યું હતું કે તેમના કાકાએ 1 મે (સોમવાર) ના રોજ તેમના રાજીનામાની જાહેરાત કરવાની યોજના બનાવી હતી પરંતુ મહા વિકાસ અઘાડી (MVA) ની રેલીને કારણે તેને અટકાવી દેવામાં આવ્યું હતું.
અજિત પવારે 2019માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સાથે શપથ લીધા ત્યારથી તેણે ક્યાંક પોતાની નારાજગી જગજાહેર કરી હતી. છેલ્લા થોડા સમયથી ફરી તેઓ ભાજપ તરફ કૂદકો મારવાના હોવાની અટકળો જોરમાં હતી. તેમણે ગયા મહિને તેમની પાર્ટીના મુંબઈ યુનિટની મીટિંગ છોડી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની અન્ય વ્યસ્તતાઓ છે, તેથી NCP સંમેલન ચૂકી જવું પડ્યું. તેમણે એમ પણ જાહેર કર્યું કે તેઓ “હું જીવિત છું ત્યાં સુધી” NCP માટે કામ કરશે.

શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથે કહ્યું છે કે જો અજિત પવાર એનસીપી નેતાઓના જૂથ સાથે ભાજપમાં જોડાશે તો તેઓ મહારાષ્ટ્રમાં સરકારનો ભાગ બનશે નહીં.
જોકે 2019ની ચૂંટણી દરમિયાન સાતારા ખાતે વરસાદમાં પલળતા શરદ પવારે આપેલા ભાષણ અને અજિત પવારની ફડણવીસ સાથેની યુતિને 80 કલાકમાં તોડી પાડવાની પવારની રણનીતિએ તેમને રાજકારણના ખૂબ જ પાક્કા ખેલાડી સાબિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હું એનસીપીના અધ્યક્ષપદ પરથી રાજીનામું આપું છું, રાજકારણમાંથી નહીં અને જાહેર જીવનમાંથી નહીં. જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી તમારી સાથે રહીશ. આથી તેઓ કેન્દ્રીય સ્તરે કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોવાની શક્યતાઓ પણ હોઈ શકે. દેશમાં બિનભાજપી પક્ષોને એકત્રિત કરવાની હાકલ તેઓ લાંબા સમયથી કરી રહ્યા છે. આ દિશામાં કંઈક નવું પ્રયાણ કરશે કે પછી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ નવો ફણગો ફૂટશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. મહાવિકાસ આઘાડીનું ભવિષ્ય તેમના આ નિણર્ય બાદના અમુક દિવસોમા નક્કી થશે. ત્યારે સુળે હજુ ક્યા વિસ્ફોટની વાત કરતા હતા સમજવુ હાલની તકે મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -