ઘરે ઘરે શરણાઈના સૂરોને પ્રચલિત કરનારા ઉસ્તાદ બિસ્મીલ્લાહ ખાનનો આજે જન્મદિવસ છે. 1916માં જન્મેલા કમરૂદ્દીન ખાન એટલે કે બિસ્મીલ્લાહ ખાન આજે તો આપણી વચ્ચે નથી, પણ તેમની કલા તેમને હંમેશાં જીવંત રાખશે. સંગીતમય પરિવારમાં જન્મેલા ભારત રત્ન બિસ્મીલ્લાહ ખાન નાનપણથી જ આ કલા તરફ વળેલા હતા. તેમના દાદા શરણાઈ બનાવવાનું કામ કરતા. તેમના પિતા સહિતના પરિવારના સભ્યો શરણાઈવાદનમાં રહ્યા. બિસ્મીલ્લાહ ખાન પણ આ ક્ષેત્રે જ આગળ વધ્યા. છ વર્ષની ઉંમરે તેઓ વારાણસી ચાલ્યા ગયા અને કાકા સાથે શરણાઈવાદનના કાર્યક્રમોમાં જવા લાગ્યા. 1937માં ઓલ ઈન્ડિયા કોન્ફરન્સમાં તેમણે શરણાઈ વગાડી અને આ સંગીતના સાધનને લાઈમલાઈટમાં લાવી દીધું. લોકોએ તેમને ખૂબ વખાણ્યા. તેમની શરણાઈ એટલી તો લોકપ્રિય બની કે આઝાદીના દિવસે 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ્યારે લાલ કિલ્લા પર તિરંગો લરેહાયો ત્યારે પણ તેમણે શરણાઈ વગાડી હતી. તેઓ હિન્દુ અને મુસ્લિમ બન્ને પ્રસંગોમાં શરણાઈ વગાડવા જતા હતા અને તેથી તેઓ કોમી એકતાનું પ્રતીક પણ કહેવાતા.ખૂબ જ સાદું જીવન જીવતા બિસ્મીલ્લાહ ખાને એક કાર્યક્રમમાં શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેને 40 મિનિટ સુધી શરણાઈ સંભળાવી મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે દેશ-વિદેશમાં ઘણા કાર્યક્રમોમાં શ્રોતાઓને ડોલાવ્યા છે. જોકે આટલા જાણીતા શરણાઈવાદકે માત્ર એક હિન્દી ફિલ્મ ગૂંજ ઊઠી શહેનાઈમાં શરણાઈ વગાડી છે. તે સિવાય તેમણે અન્ય કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. તેમની એક અધૂરી ઈચ્છા હતી કે તેઓ ઈન્ડિયા ગેટ ખાતે શરણાઈ વગાડે અને શહિદોને શ્રદ્ધાંજલિ આપે. જોકે આ ઈચ્છા પૂરી ન થઈ અને ગંગાના કિનારે લહેરો સાથે સૂર મિલાવનારા આ શરણાઈવાદકે 2006માં પ્રાણ ત્યજી દીધા. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમને કહેવાનું મન થાય છે, તેરી શહેનાઈ બોલે, સુન કે દિલ મેરા ડોલે…