(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ઓરી લગભગ નિયંત્રણમાં છે. શુક્રવારે ઓરીથી એક મૃત્યુ નોંધાયું હતું. પ્રશાસને હાલ તેને શંકાસ્પદ મૃત્યુ જણાવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ ઓરીથી મૃત્યુ થયું હતું કે તેની ચોકસાઈ થશે.
મુંબઈમાં શુક્રવારે દિવસ દરમિયાન ઓરીના પાંચ નવા કેસ નોંધાયા હતા. તો પહેલી જાન્યુઆરી ૨૦૨૩થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં ઓરીના કુલ ૩૪ કેસ નોંધાયા છે. આ દરમિયાન શુક્રવારે વધુ એક શંકાસ્પદ મૃત્યુ નોંધાયું હતું. ઍન્ટોપ હિલમાં રહેતા નવ મહિનાના આ બાળકને ઓરીની રસી આપવામાં આવી નથી.
૧૧ તારીખે તેને શરદી, ઉધરસ અને શરદી થઈ હતી. બાદમાં તેના શરીરમાં ફોલ્લા થયા હતા. ૧૬ જાન્યુઆરીને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની તબિયત એકદમ કથળી જતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેની તબિયત સતત લથડી રહી હતી અને તેને ગુરુવારે મોડી રાત બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેનું મૃત્યુનુ કારણ એક્યુટ રેસ્પિરેટરી ડીસ્ટ્રેસ અને ન્યુમોનિયા વીથ મેસેલ્સ કહેવામાં આવ્યું છે. તેનો પોસ્ટ માર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.