(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલી અને વિશ્ર્વબજારમાં મંદીના વાયરા વચ્ચ વચ્ચે શેરબજારમાં બુધવારે આવેલો તેજીનો ઉભરો શમી ગયો હતો અને બેન્ચમાર્કે પાછલા સત્રમાં હાંસલ કરેલો તમામ સુધારો ધોવાઇ ગયો હતો. અમેરિકામાં મેન્યુફેકચરર્સની ઇન્પુટ કોસ્ટમાં થયેલા વધારાવને કારણે ઇન્ફ્લેશન ઊંચા સ્તરે રહેવાની અટકળો વચ્ચે ફેડરલ લાંબા સમયગાળા સુધી વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ ચાલુ રાખશે એવી ભીતિએ અમેરિકા અને એશિયા તથા યુરોપના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું અને સ્થાનિક બજાર પર પણ તેની અસર પડી હતી.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૫૯,૪૨૩.૭૯ અને નીચામાં ૫૮,૮૬૬.૨૬ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૫૦૧.૭૩ પોઈન્ટ્સ અથવા ૦.૮૪ ટકા ગગડીને ૫૮૯૦૯.૩૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૪૪૫.૮૦ અને નીચામાં ૧૭,૩૦૬.૦૦ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૨૯.૦૦ પોઈન્ટ્સ અથવા ૦.૭૪ ટકાના કડાકા સાથે ૧૭,૩૨૧.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
એક જ દિવસમાં તેજી ધોવાઇ જવાના કારણ અંગે જીઓજિતના રિસર્ચ હેડ વિનોદ નાયરે કહ્યું હતું કે અમેરિકાના તાજા ડેટામાં ફુગાવો લાંબા સમય સુધી ઊંચી સપાટીએ રહેવાના સંકેત મળ્યા હોવાથી યુએસ-૧૦ યર બોન્ડની યિલ્ડ ચાર ટકાનો આંકડો વટાવી ગઇ હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં વેચવાલીનું દબાણ તીવ્ર બન્યું હતું.
ગુરૂવારના સત્રમાં અદાણી પોર્ટના શેરમાં ત્રણેક ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે હિંડનબર્ગ-અદાણી કેસમાં તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ એએમ સપ્રેના વડપણ હેઠળ નિષ્ણાતોના સમિતિની રચી હતી અને તેને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા જણાવાયું છે. આ સમાચાર બાદ સ્થાનિક શેરબજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે પણ અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં લેવાલી જોવા મળી હતી. અદાણી ગ્રુપ કંપનીઓમાંથી ચાર કંપનીઓમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. ગ્રુપની અન્ય કંપનીઓના શેરોમાં એકથી ૫ાંચ ટકા સુધીની તેજી જોવા મળી હતી. એલએન્ડટી ફાઈનાન્સિયલ સર્વિસીસએ એપ્રિલ ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૩ની વચ્ચે માઇક્રો લોન બિઝનેસમાં ૨૯ લાખ ગ્રાહકોનો ઉમેરો નોંધાવ્યો છે.
આ સત્રમાં રિયલ્ટી, ઓઈલ-ગેસ, પાવર અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, ઓટો, બેન્ક, ફાઈનાન્શિયલ અને ટેલીકોમ શેરોમાં આજે ધૂમ વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૧૩ ટકા અને ૦.૨૨ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
સેન્સેક્સ પેકમાં એક માત્ર પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ૦.૮૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સન ફાર્મા, એચસીએલ ટેકનો, લાર્સન એન્ડ ટુબ્રો અને અલ્ટ્રાકેમ્કોનો સમાવેશ થાય છે.
ટોપ લૂઝર્સમાં સેન્સેક્સ પેકમાં મારૂતિના શેરોમાં સૌથી વધુ ૨.૬૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, કોટક બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે.
નિફ્ટીમાં મુખ્ય શેરોમાં સૌથી વધુ અદાણી પોર્ટના શેરમાં ૩.૦૨ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં કોલ ઈન્ડિયા, બીપીસીએલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ અને હિરો મોટોકોર્પનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ મારૂતિના શેરમાં ૨.૬૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એક્સિસ બેન્ક, ટીસીએસ, ઈન્ફોસિસ અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે.