માનસ મંથન -મોરારિબાપુ
નિસ્ત્રૈગુણ્ય યા ગુણાતીત જાતિ. ત્રણેય ગુણોથી મુક્ત. જેવી રીતે ચાર જાતિ કે વર્ણ છે પણ જ્યારે કોઈ સાધુ થાય તો એ આ ત્રણેય ગુણોથી અને વર્ણોથી પર થઈ જાય છે. જાતિ અજાતિ થઇ જાય છે. સાધક-સાધુની જાતિ નથી હોતી. સાધુ જુદી જ માટીનો,જુદી જ ભૂમિકાનો હોય છે. અને એવા ભિન્ન જાતિના સાધુ માટે ઉપનિષદમાં જુદા જુદા આદેશ આપ્યા છે. નારદ પરિવ્રાજક ઉપનિષદમાં સમસ્ત જાતિઓથી અલગ જે સાધુ હોય છે તેનાં લક્ષણો બહુ ગણાવ્યા છે. એમાં લખ્યું છે જે સાધુ હોય એ એક પાત્રમાં ભોજન કરે. ત્રણ પ્રકારનાં પાત્ર-લાકડાનું યા તો માટીનું યા તો કોઈ પવિત્ર પાત્રનું વાસણ હોઈ શકે.
એક ચમચી રાખે. એ વિના સ્વાદનું ભોજન કરે.
છ વસ્તુને જુએ નહિ. આંખોથી કદાચ જોઈ લે પણ મનથી વારેવારે જોવાની ચેષ્ટા નહિ કરે. કદી કદી આપણે આંખોથી જોઈ લઈએ છીએ પણ મનથી પણ જોતાં રહીએ છીએ એનું શું કરીએ? મન પર પટ્ટી કેવી રીતે બાંધે? છ વસ્તુ નહિ જુએ. નાટક કલિયુગ છે. કદાચ નાટક જોઈ લે,પણ ખુદ નાટક નહિ કરે, ખેલ નહિ કરે. અહીં તહીં ખેલ કરતાં હોય એ સાધુ નથી. આ આદેશ છે. સર્વ કાલીન છે. થોડો અભ્યાસ કરો તો નિર્વાહ કરી શકો છો. ઘરમાં કામ કરતાં કરતાં,ઓફિસમાં કામ કરતા કરતા, દુકાન પર વ્યાપાર કરતા કરતા, સ્કૂલમાં ભણતાં યા ભણાવતા, સંસાર ભોગવતા ભોગવતા સાધુ થઇ શકો છો. કઠિન નથી, સરલ છે.
જુગાર નહિ જુએ. પોતાની આંખોને બ્રહ્મચારી રાખે, અસંગ રાખે. કારણ જુગારમાં છલ, કપટ હોય છે. છલ વાળી ઘટના સાધુ નહિ જોવે. પંચવટીમાં રાવણ સાધુના વેશે અપહરણ નથી કરી શક્યો. જાનકીનું અપહરણ ત્યારે કરી શક્યો જ્યારે કપટ વેશમાં પ્રગટ થયો! સાધુવેશમાં કપટ નથી થઈ શકતું, કપડાં મના કરશે. સાધુ બીજાનું ભોજન નહિ જુએ. કોઈએ ભોજન કરી લીધું હોય ને બાકી બચ્યું હોય એ ભોજન ન જુએ. કોઈનું જૂઠું ભોજન નથી જોતો. જે પુરુષ સ્ત્રીમાં અતિશય આસક્ત રહેતો હોય એવા પુરુષને નહિ જુએ. શું સૂત્ર આપ્યું છે! કદર કરો. રજસ્વલા સ્ત્રીને નહિ જુએ. આવી કંઈક મર્યાદા બતાવી છે.
તમે મોટા મહેલમાં રહીને,આરામથી રહેતાં રહેતા સાધુતાને નિભાવી શકો છો. ભલે હીરા, માણેકના ઘરેણાં પહેરો, પણ આ વૃત્તિને જો નિર્માણ કરી શકો તો તમે સાધુ બની શકો છો. આ જીવનમાં, કોઈપણ વેશમાં અને દેશમાં સાધુ બની શકો છો. બધી જાતિઓથી પર, ત્રિગુણાતીત બની
શકો છો.
ગીતાનો એકાક્ષર મંત્ર છે, હા. ‘જીવનમાં હા’ કહેતાં શીખી જાઓ તો ગીતા તમે પચાવી છે. તેવી રીતે ‘ના’ કહેતાં શીખી જાઓ તો ભાગવત તમે પચાવ્યું. એમાં નકારાત્મક વાત કહી છે. ‘આ નહિ, આ નહિ.’ આ જો તમે શીખી ગયા તો ભાગવતના બધા સ્કંધ તમારામાં અવતરિત થઈ જશે.
ઉપનિષદોનો એકાક્ષર મંત્ર છે ‘જા’. તું આમાં પ્રવેશ કર. તું જ સાધુતામાં, વનમાં, મોક્ષતામાં, જીવનમુક્તિમાં, પરંતુ ‘રામચરિતમાનસ’નો એકાક્ષર મંત્ર છે. ‘ગા’-ગાતે રહો!
गावत संतत संभु भवानी।
अरु घटसंभव मुनि बिग्यानी॥
આ ચાર સ્તંભો છે મારી દ્રષ્ટિમાં. આટલું કરો તો આ વસ્ત્રોમાં પણ તમે સાધુ થઈ શકો છો ને મેં પરમ દિવસે કહ્યું કે હું તમને પ્રસન્ન જોવા માગું છું! ગહન સૂત્રોનું જેટલું સરલીકરણ કરવામાં આવે એવી હું કોશિશ કરું છું. જેથી તમે મસ્તીને લૂંટી શકો. ઉપનિષદનો એક મંત્ર બોલો-મહોપનિષદનો-
मौनं वा, निरहंभवो, निर्मानो, मुक्त मत्सरः,
यत्करोति गतोद्वेगे,
स जीवनमुक्तः उच्यते।
આટલું કરો તો તમે જીવનમુક્ત છો. તમે એમાં જાવ. मौनं वा- ૫-જે કાયમ મૌન રહે છે, જેને મૌન અત્યંત પ્રિય છે, મૌન જેવો સ્વભાવ બનતો જાય છે, મૌનની મસ્તી જે લૂંટતો ચાલ્યો જાય છે. निरहंभवो-અહંકારથી મુક્ત ભાવ, જરાપણ અહંકાર નહિ. બાળકની જેમ રહે છે. અમે એકવાર એરપોર્ટ પર બેઠાં હતાં. એક બીજા મહાપુરુષ મળી ગયા. એમનાં ભક્તજનો હતાં તે ફળનું જ્યૂસ લાવ્યાને અમને આપવા માંડ્યા. તો મેં પણ લીધું. અમે બન્ને ફળનો રસ પી રહ્યા હતા. એમણે બહુ સરસ વાત કહી કે જુઓ! કોઈ વ્યક્તિ એકલી પીએ ને બીજા લોકો જોતાં રહે તો ક્યાં તો એ બાળક હોઈ શકે, યા તો બીમાર હોઈ શકે. મેં કહ્યું કે તમે સાચું કહ્યું કે જે સાચું હોય એ ભગવદ્પ્રેમથી બીમાર પીડિત પણ હોઈ શકે ને બાળક જેવો નિખાલસ પણ હોઈ શકે છે. હાર્દ મેં સમજ્યું. ઘણા લોકો એવા હોય છે-એમની ચાલ, એમનું ઊઠવું, એમનું હસવું બિલકુલ એક બાળક જેવું હોય છે. હું જ્યાં ઊતર્યો ત્યાં મને કહ્યું કે બાપુ! તમને બહુ નાના ઓરડામાં ઉતારો આપ્યો છે. મેં કહ્યું કે સાધુને બેબી ઓરડો જ જોઈએ, બોસ કમરો નહિ! સાધુ બાળક જેવું જીવન શીખી ગયા તો માનો એનું જીવન સહજ થઈ ગયું. બાળકની જેમ નિર્માની, નિરહંકારી ભાવમાં, મૌનમાં રહો. જરાપણ તમારામાં અહંકાર નહિ આવે. તમારો સ્વભાવ બની જવો જોઈએ. જે ઈર્ષ્યાથી, દ્વેષથી મુક્ત રહે છે, જે પોતાના જીવનમાં કોઈની ઈર્ષ્યા નથી કરતો, કોઈનો દ્વેષ નથી કરતો. બધા પોતપોતાનું પ્રારબ્ધ ભોગવી રહ્યા છે, આપણે શું કામ કોઈની ઝંઝટમાં પડીએ?
यत्करोति गतोद्वेगे-ઉદ્વેગથી મુક્ત થઈ કર્મ કરે છે. કોઈ ઉદ્વેગ નહિ, કોઈ બોજ નહિ, તાપ નહિ, સંતાપ નહિ, બોજિલ બનીને નહિ, ઉદ્વેગ વગર કર્મ કરે. જેવી રીતે ગંગા વહે છે,જેવી રીતે ફૂલ ખીલે છે,જેવી રીતે સૂરજ નીકળે છે. ઉદ્વેગ વિના જેવી રીતે પંખી ઊડીને એક શાખા પરથી બીજી શાખા પર બેસી જાય છે-ગતોદ્વેગે. જેની ક્રિયા ્રૂत्करोति गतोद्वेगे- હરેક ક્રિયા જેની ઉદ્વેગ વિનાની હોય છે.
स जीवनमुक्तः उच्यते-બસ,એને જીવનમુક્ત સમજો. એ મુક્તદશા ભોગવી રહ્યો છે,બધા વર્ણોથી પર થઈ ગયો છે. જે એકપાત્રમાં સ્વાદ વગરનું ભોજન કરે છે,સ્વાદની કોઈ અપેક્ષા નથી. (સંકલન: જયદેવ માંકડ)