સમલૈંગિક લગ્નને માન્યતા આપવા અંગેની અરજીઓ સામે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે. કેન્દ્રએ કોર્ટને આપેલી એક અરજીમાં જણાવ્યું હતું કે અદાલતો સમલૈંગિક લગ્નને માન્યતા આપી કાયદાની સંપૂર્ણ શાખાને ફરીથી લખી શકે નહીં. કેમકે ‘નવી સામાજિક સંસ્થાની રચના’ ન્યાયિક નિર્ધારણના અધિકાર ક્ષેત્રની બહાર છે.
કેન્દ્રએ અરજીમાં એમ પણ કહ્યું છે કે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની ખરાબ અસર પડશે અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ સમગ્ર રાષ્ટ્રના વિચારોને પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ માત્ર શહેરી અભિજાત વર્ગ(Urban Elite)ના લોકોના મંતવ્યો દર્શાવે છે. તેને દેશના વિવિધ વર્ગો અને સમગ્ર દેશના નાગરિકોના મંતવ્યો ગણી શકાય નહીં.
કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે હિંદુ કાયદા અનુસાર પણ સમલૈંગિક લગ્ન અમાન્ય છે. ઇસ્લામમાં પણ લગ્ન એક પ્રકારનો કરાર છે, જે ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ શક્ય છે. ધર્મની દ્રષ્ટિએ સમલૈંગિક લગ્ન પવિત્ર નથી.
કેન્દ્ર સરકારે સમલૈંગિક લગ્નના મામલામાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને કોર્ટને અરજી પર વહેલા નિર્ણય લેવાની અપીલ કરી છે. કેન્દ્રએ દલીલ કરી છે કે સંસદ નાગરિકો પ્રત્યે જવાબદાર છે અને લોકપ્રિય ઇચ્છા અનુસાર કાર્ય કરવું જોઈએ, ખાસ કરીને જ્યારે તે પર્સનલ લોની વાત હોય છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એટલે કે NCPCR એ કહ્યું છે કે સમલિંગી યુગલો દ્વારા બાળકોને દત્તક લેવાની મંજૂરી ન હોવી જોઈએ. NCPCRએ કહ્યું છે કે સમલૈંગિક પેરેન્ટિંગ બાળકોની ઓળખને અસર કરી શકે છે. આ બાળકોનો સંપર્ક મર્યાદિત રહેશે અને તેમના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસને અસર થશે.