શાહરુખે ડોન-3 છોડી દીધી
થોડા દિવસો પહેલા એક્સેલ એન્ટરટેનમેન્ટના ફરહાન અખ્તરના પાર્ટનર અને પ્રોડ્યુસર રિતેશ સીધવાની એ પુષ્ટિ કરી હતી કે ફરહાન ડોન-3ની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છે. ત્યારબાદ આ ફિલ્મમાં શાહરુખ ખાનને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે હવે એક નવો રિપોર્ટ સૂચવે છે કે શાહરુખ ખાન ડોન-3 નો ભાગ નહીં હોય. ફરહાન અખ્તર અને રિતેશની ડોન-2 હિટ હતી, પરંતુ શાહરુખ ખાન ડોન ફ્રેન્ચાઇઝીમાં પાછો ફરવા માટે બહુ ઉત્સુક નથી કારણ કે તે જે પ્રકારના સિનેમા કરવા માંગે છે તે પ્રકારની આ સ્ક્રીપ્ટ નથી. શાહરૂખખાને આ ફિલ્મમાં કામ કરવા નનૈયો ભણ્યો છે અને હવે બોલિવૂડને ત્રીજા ડોનની શોધ છે.
શાહરૂખ ખાને ડોન-3 ફિલ્મ છોડી દીધાના સમાચારથી ચાહકોને પણ ભારે આંચકો લાગ્યો છે. અમિતાભ બચ્ચનની ડોન તરીકેની ભૂમિકા ઘણી યાદગાર ગણાય છે. ત્યાર પછી શાહરુખ ખાનની ડોનના બે ભાગ આવ્યા હતા, પરંતુ હવે ફરહાનને અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના પેગડામાં પગ ઘાલી શકે તેવા કોઈ નવા ડોનની શોધ છે.
આ રેસમાં હાલમાં રણવીર સિંહ અને રિતિક રોશનનું નામ આગળ આવી રહ્યું છે. રિતિક અને રણવીર બંને ફરહાન સાથે સારું ટ્યુનિંગ ધરાવે છે અને અગાઉ તેની ફિલ્મમાં કામ પણ કરી ચૂક્યા છે. બીજી તરફ શાહરૂખની એક્ઝિટ સાથે ડોન-3 માં પ્રિયંકા ચોપડાની એન્ટ્રી પણ હવે શક્ય બની છે.
ડોન ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પ્રિયંકા ચોપરા જ શાહરુખ ખાનની હિરોઈન હતી. જો કે, તે વખતે બંને વચ્ચે અફેરની ચર્ચાને કારણે શાહરૂખ ની પત્ની ગૌરીએ શાહરૂખને પ્રિયંકા સાથે કામ કરવાની મનાઈ ફરમાવી હતી અને ત્યાર પછી તેણે કરણ જોહરની મદદ થી પ્રિયંકાને શાહરૂખ સાથેના તમામ પ્રોજેક્ટ માંથી દૂર કરાવી હતી તેથી એ સમયે એવું નક્કી લાગતું હતું કે જો ડોન-3 બનશે તો તેમાં પ્રિયંકા ચોપરા નહીં હોય, પરંતુ શાહરુખ હવે આ ફિલ્મમાંથી નીકળી જતા પ્રિયંકા ચોપરાની એન્ટ્રી માટે માર્ગ મોકળો થઈ ગયો છે.