ભારતના મોટાભાગના ઘરોમાં વારે તહેવારે, પ્રસંગે સોનાના દાગીના ઘડવવામાં આવતા જ હોય છે. અનેક લોકો પોતાની સગવડ અનુસાર સોનાના દાગીના બનાવડાવી રાખતા હોય છે. એટલું જ નહીં પણ આપણે ત્યાં સોનાને સંકટ સમયની સાંકળ પણ માનવામાં આવે છે. આ જ કારણે મોટાભાગના લોકો સોનામાં યથાશકિત રોકાણ જરૂરથી કરે છે. પરંતુ જ્યારથી સરકારે આ દાગીના માટે હોલમાર્ક ફરજિયાત કર્યું છે ત્યારથી લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારે સોનાની શુદ્ધતા માટે હોલમાર્ક પહેલી એપ્રિલ 2023થી ફરજિયાત બનાવી દીધું છે, એટલે જ હવે સોનાના દાગીના ઉપર હોલમાર્ક હોવું ફરજિયાત છે. સરકારના આ નિર્ણયને આગામી સમયમાં લોકો સાથે સોનાના દાગીના ખરીદવા પર છેતરપિંડી નહીં થાય અને લોકોને શુદ્ધ સોનું મળશે. પરંતુ આ નિર્ણયના કારણે લોકોના મનમાં ચિંતા પણ ઊભી થઈ છે, કારણ કે અનેક લોકો એવા છે કે જેમની પાસે હોલમાર્ક વિનાના દાગીના છે. આવી સ્થિતિમાં તેમના મનમાં ચિંતા એ છે કે હોલમાર્ક વિનાની જ્વેલરી તેઓ વેચી શકશે કે નહીં? અથવા તો તેના બદલામાં તેને નવી જ્વેલરી એક્સચેન્જ કરી શકાય કે નહીં ?
બીઆઈએસ અનુસાર જે લોકો પાસે હોલમાર્ક વિનાના સોનાના દાગીના છે તેમણે આ દાગીના વેંચતા પહેલા અને નવા દાગીના ખરીદતા પહેલાં તેના ઉપર હોલમાર્ક કરાવો ફરજિયાત હશે. લોકો પાસે બે વિકલ્પ છે. એક કે તેઓ એવા સોનાના વેપારી પાસે જાય જે બીઆઈએસ રજીસ્ટર્ડ હોય અને આ જ્વેલર્સ બીઆઇએસ એસેસિંગ એન્ડ હોલ માર્કિંગ સેન્ટર પાસે આ દાગીનામાં હોલમાર્ક કરાવી લેવું જોઈએ. આના માટે ગ્રાહકે પ્રતિ આઈટમ 45 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
જો તમારી પાસે હોલમાર્ક વિનાના દાગીના હોય તો બીજો વિકલ્પ એ છે કે ગ્રાહક પોતે જ પોતાના દાગીનાને બીઆઈએસ માન્યતા પ્રાપ્ત સેન્ટર પર લઈ જાય અને હોલમાર્ક કરાવી લેવા જોઈએ. અહીં ચાર કરતાં વધારે દાગીના હોવા પર 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
બીઆઇએસ દ્વારા જુના સોનાના દાગીના અને હોલમાર્ક વિનાના દાગીનાની તપાસ માટે અલગ અલગ દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. હોલમાર્ક વિનાના દાગીના માટે સેન્ટર પરથી શુદ્ધતાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે જેને ગ્રાહક પોતાના સોનાની સાથે જ્વેલર્સ પાસે લઈ જઈ શકે છે. આ પ્રમાણપત્ર પછી લોકો પોતાના હોલમાર્ક વિનાના દાગીના સરળતાથી વહેંચી શકશે અથવા તો એક્સચેન્જ કરી શકશે.