કામ સ્થળે મહિલાઓની થતી કનડગત માત્ર ખાનગી ક્ષેત્રોમાં જ નથી, સરકારી ક્ષેત્રોમાં પણ એટલી જ છે. માનસિકતા જ હીન કક્ષાની હોય અને પોતાની સાથે કામ કરતી મહિલાઓને માત્ર સહકર્મીની નજરથી જોવાની ટેવ જ ન પડી હોય તેવા વાતાવરણ વચ્ચે રહેનારા લોકો મોકો મળ્યે પોતાનું અસલી પોત પ્રકાશતા હોય છે. જોકે ગુજરાત સરકારે આવા એક ઉચ્ચ અધિકારીને સારો પાઠ ભણાવ્યો છે. શુક્રવારે ગુજરાત સરકારે 109 અધિકારીની બદલી અને બઢતી કરી છે, પરંતુ એક અધિકારીને ફરજ પરથી વિદાય આપાવમાં આવી છે. આ અધિકારી વિરુદ્ધ એક મહિલા કર્મીએ છેડતીની ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકારે શુક્રવારે જયારે 109 સનદી અધિકારીની બદલીનો હુકમ કર્યો ત્યારે એક ઓર્ડર એવો પણ કર્યો હતો જેની સચિવાલયમાં ભારે ચર્ચા ચાલી છે. એક મહિલા કર્મચારીની ફરિયાદને પગલે સરકારે થોડા મહિના અગાઉ કોન્ટ્રાકટથી નોકરી ઉપર લીધેલા ઉચ્ચ નિવૃત્ત ઓફિસરને ઘરભેગા કરી દીધા છે. લાંબા સમયથી પરેશાન મહિલા કર્મચારીને જયારે આ અધિકારીએ એવી કોમેન્ટ કરી કે, ‘તારી આંખો તો શ્રી દેવી જેવી લાગે છે.’ ત્યારે મહિલા સમજી ગઈ કે, હવે આ અધિકારીની ફરિયાદ કરવી જ પડશે. મામલો સચિવાલયની મહિલાઓ અંગેની સમિતિથી ચીફ મિનિસ્ટર ઓફિસ (CMO) સુધી પહોંચ્યો ત્યારે સરકારે તાત્કાલિક અસરથી એક અધિકારીનો કોન્ટ્રાકટ રદ્દ કરીને તેમને રવાના કરી દીધા હતા.
નાયબ સેક્શન ઓફિસર તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહેલા મહિલા કર્મચારી લાંબા સમયથી પરેશાન હતા. સૂત્રોનું માનીએ તો, અવાર નવાર તેમને કામના બહાના હેઠળ ચેમ્બરમાં બોલાવવામાં આવતા હતા. પરંતુ જયારે આ રીટાયર્ડ અધિકારી ‘ તારી આંખો તો શ્રીદેવી જેવી છે’ તેવા પ્રકારની કોમેન્ટ કરવાનું શરુ કર્યું ત્યારે મહિલા કર્મચારીએ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું. નિવૃત્ત થયા પછી પણ સરકારમાં ગોઠવાઈ ગયેલા અધિકારી સામે ફરિયાદ કરવી એ નાનીસૂની વાત ન હતી. આથી મહિલાએ સચિવાલયમાં મહિલાઓ માટે બનાવેલી સમિતિ સમક્ષ અધિકારીની ફરિયાદ કરી હતી. અને મામલો જયારે છેક CMO સુધી પહોંચ્યો ત્યારે સરકારે ગંભીરતાને પારખીને તાત્કાલિક અસરથી અધિકારીનો કોન્ટ્રાકટ ટર્મિનેટ કરીને રવાના કરી દીધા હતા. આ પ્રકારની ઘટના બને ત્યારે સરકાર, પોલીસ કે સ્થાનિક એજન્સીની ભૂમિકા મહત્વની બની જાય છે. જો તેઓ આવા લોકો સામે લાલ આંખ કરે તો અન્યો માટે પણ દાખલો બેસે છે.