ઉત્તર પ્રદેશના કાનપુર મંડોલી ગામમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પ્રસાશનના અધિકારીઓ દ્વારા માતા-પુત્રીને જીવતી સળગાવી દેવાની ઘટના બની છે. પીડિત પરિવારનો આરોપ છે કે વહીવટી અધિકારીઓએ કૃષ્ણ ગોપાલ દીક્ષિતના પરિવારને બળજબરીથી ઝૂંપડીમાં કેદ કરીને તેને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ઝૂંપડામાં ફસાઈ ગયેલી માતા-પુત્રીને આગની લપેટમાં આવી ગઈ હતી અને દાઝી જવાથી બંનેના મોત થયા હતા.
આ ઘટના બાદ કાનપુરના મંડોલી ગામમાં ગ્રામજનો અને પીડિતના પરિવારજનોએ પોલીસ અને પ્રશાસન પર હુમલો કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ કાનપુર રેન્જના આઈજી અને એડીજી સાથે ડિવિઝનલ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે.
પીડિત કૃષ્ણ કુમાર દીક્ષિતનું કહેવું છે કે તેમના પરિવારનો આ જમીન પર ઘણા વર્ષોથી રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે તેના પરિવારના સંબંધીઓ વહીવટી અધિકારીઓ સાથે મળીને તેની ઝૂંપડીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં પીડિત કૃષ્ણ ગોપાલની પત્ની પ્રમિલા દીક્ષિત અને તેમની 23 વર્ષની પુત્રી નેહા દીક્ષિતનું મોત થયું.
પીડિત ગોપાલ દીક્ષિતનું કહેવું છે કે, અમારી આજીજી છતાં અધિકારીઓ સહમત ન થયા. અમે તેમને કહ્યું કે આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, પરંતુ તેમ છતાં અમારું ઘર તોડી પાડવામાં આવ્યું. અધિકારીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. ગામના 8-10 લોકો પણ હાજર હતા જે બધાને સળગાવી દેવાનું કહેતા હતા. આમાં જિલ્લાના મોટા અધિકારીઓ સામેલ છે અને અમારી વાત સાંભળવામાં નથી આવી રહી.
હવે આ ઘટનાને લઈને રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. સમાજવાદી પાર્ટી આને હત્યા ગણાવીને સરકાર પર આરોપ લગાવી રહી છે. રાજ્ય સરકારનાપ્રધાન પ્રતિભા શુક્લા મૃતકના પરિવારને મળવા પહોંચ્યા હતા. બીજી તરફ આજે માતા-પુત્રીના મૃત્યુ બાદ કોંગ્રેસનું રાજ્ય સ્તરીય પ્રતિનિધિમંડળ પરિવારજનોને મળવા કાનપુરના મંડોલી ગામમાં પહોંચશે.