ગીતા-મહિમા -સારંગપ્રીત
અત્યાર સુધી આપણે ગીતાના નવમા અધ્યાયના ગૂઢ રાજયોગનાં રહસ્યોને સમજ્યા. હવે દશમ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ હિતકામનાનાં પરમ વચનો સમજાવી રહ્યા છે.
ભગવાન કહે છે -परम वचः वक्ष्यामि हितकाम्यया હા, ભગવાનની આ ભાવના છે. જીવમાત્રનું હિત કરવાવાળું તેમની પાસે વિશાળ હૃદય છે. વસ્તુત: આ વચનો સંપૂર્ણ વિશ્ર્વને પ્રેરણા આપે એવા સક્ષમ છે. આજની દુનિયામાં આ બાબત બહુ જ
પ્રાસંગિક છે.
હૃદયની વિશાળતા દરિયા જેવી હોય એવા માણસનો આ જગતમાં કોઈ શત્રુ હોતો નથી. દયાનું અખૂટ ઝરણું વહેવડાવનાર માણસ જ્યારે જ્યારે કોઈ દુખિયારાને જુએ છે ત્યારે તેનું હૃદય દ્રવી ઊઠે છે. પછી તે પોતાનું સર્વસ્વ લૂંટાવીને પણ તેને દુ:ખમુક્ત કરવા પ્રયત્ન કરે છે.
સ્વાર્થી હોય એ જ અંગત સુખમાં રાચે છે, તે અન્યોને અડચરણરૂપ બનતાં અચકાતો નથી. સામાનું સુખ છીનવીને પણ તે પોતાનું સુખ પ્રાપ્ત કરવા મથે છે. તેનું સકુચિત હૃદય તેને ઉદાર થતાં રોકે છે. પરંતુ આપણી આજુ બાજુ સુખ-દુ:ખની વચ્ચે પિસાતા લોકોને જોઈને એક વાર તો વિચારવા જેવું નથી લાગતું?
મહાભારતમાં લખ્યું છે-
સુખસ્યાનન્તરં દુ:ખં દુ:ખસ્યાનન્તરં સુખમ્
સુખ પછી દુ:ખ અને દુ:ખ પછી સુખ આવતું રહે છે. આ જીવનનો અબાધિત ક્રમ છે. તેમાં પણ સુખનો અનુભવ તો ક્ષણ પૂરતો જ હોય, પણ દુ:ખની ઘડીએ લાંબી હોય છે. દુ:ખના નિરન્તર અભ્યાસના લીધે માણસે પોતાના દુ:ખ સાથે મમત્વનો સંબંધ બાંધી લીધો છે. મારું દુ:ખ… મારું દુ:ખ… દીર્ધકાળના સહવાસના કારણે આવું બને તે સ્વાભાવિક છે. પરન્તુ પારકાના દુ:ખ સાથે આ સંબંધ કાંઈક વિચિત્ર હોય છે.
માણસમાત્રને પોતાના દુ:ખને મોટું કરીને બતાવવાની ટેવ છે. જ્યારે બીજાના મોટા દુ:ખને પણ સૂક્ષ્મ કરી દેખાડવાની આવડત તેણે કેળવી લીધી છે.
આપણા માથે આવી પડેલ દુ:ખને અને બીજાના માથે આવી પડેલ દુ:ખને જરા જુદી રીતે જોવું જોઈએ. બીજાને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તેનો વિચાર કરવો જોઈએ. ઘણા માણસો પોતે મુસીબતનો સામનો કરવામાં બહાદુર હોય છે, પરંતુ તેઓ બીજાને સાંત્વના આપી શકતા નથી કે મદદરૂપ થઈ શકતા નથી. બીજાના દુ:ખમાં મદદરૂપ થવું તે એક કળા છે તે આપણે શીખવી જોઈએ.
સર્વ જનોમાં, સર્વ પ્રાણીઓમાં આપણને મંગલભવનું દર્શન થતું રહે છે, પરિણામે તેમનું સુખ તે આપણું સુખ તેમનું દુ:ખ તે આપણું દુ:ખ એવી ભાવના પેદા થાય છે. સંતોની આ જીવન ભાવના હોય છે. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહે છે, “બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. હૃદય પ્રેમથી છલકાતું હોય ત્યારે માણસ સર્વોચ્ચ અનુભૂતિ કરે છે અને જે જે લોકો એના સંપર્કમાં આવે તે તે લોકોને પ્રેમ કરીને વશ કરી લે છે. પ્રેમનું બંધન એટલું મજબૂત હોય છે કે તે કદીય તૂટતું નથી.
એકવાર હૃદયનો પ્રેમ થઈ જાય એટલે સામા પાત્રની મર્યાદાઓ ક્યારેય નડતી નથી. સામું પાત્ર જેવું હોય તેવું સંપૂર્ણપણે સ્વીકારી લેવાની તૈયારી હોય ત્યારે પ્રેમ પાંગરતો રહે છે. હૃદયમાં સૌ માટે પ્રેમનું અમી ઝરણું ફૂટે ત્યારે દિલ દરિયાની શ્રેણીમાં આવે. આ હૈયાનાં અમૃતને વહાવતા મહાપુરુષો ક્યારેય કોઈના અહિતનો વિચાર નથી કરતા. એમના હૃદયના બધા જ રત્નોને તેઓ બીજા માટે ન્યોછાવર કરી
દેતા હોય છે.
તા. ૩/૪/૨૦૦૫ના રોજ એક ભાઈ એના બાળકને લઈને સારંગપુર આવેલા. બાળકના શરીરે હોઝકીન્સ નામનું કેન્સર હતું. એને કારણે આખા શરીરમાં ત્રણથી ચાર હજાર જેટલી નાની મોટી ગાંઠો ફૂટી નીકળેલી. પિતાને એમ કે મારા દીકરાને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ મળે તો સારું થાય. તેઓએ વ્યવસ્થાપકોને વાત કરી. પિતાએ વાત કરી કે બાળકની સ્થિતિ જોતાં તેને સ્વામીશ્રીના રૂમમાં ન લઈ જવાય. એટલે અહીં તમે બાપાના પ્રસાદીનાં પુષ્પો લઈ આવો.’ વ્યવસ્થાપકોએ સ્વામીશ્રીને આ વાત કરી. સ્વામીશ્રી કહે, ‘તેને રૂમમાં લઈ આવો.’ પરંતુ… “વ્યવસ્થાપકોએ તેના ચેપી રોગની વાત કરી. સ્વામીશ્રીએ કહ્યું, બાળકને રૂમના દરવાજા સુધી તો લઈ આવો, આપણે એની ઉપર પ્રસાદીનું જળ છાટીએ, જેથી તેનું દુ:ખ દૂર થાય. કલ્યાણ થાય. બાળકને લાવામાં આવ્યો. સ્વામીશ્રીએ મંત્રોચ્ચાર કરીને તેને ભગવાનનો આશ્રય કરાવ્યો. પ્રસાદીનું જળ છાટ્યું અને “બોલ્યા, તું ભગવાનને યાદ કરજે, વધુ દુ:ખ નહીં પડે. અલૌકિક ભટ્ટ નામનો આ કેન્સર પીડિત બાળક સ્વામીશ્રીની હિતકામનાથી ભીંજાઈ રહ્યો.
આપણે પણ સત્પુરુષની આ હૃદયભાવનાને આત્મસાત્ કરીએ.