સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી.
નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
————-
પી. આર. ઓ.
પી. આર. ઓ. એટલે કે પબ્લિક રિલેશન ઑફિસર. જે લોકો પોતાના મુખેથી પોતાની પ્રશંસા ક્યારેય કરી નથી શકતા તેઓ પોતાની પ્રશંસા કરાવવા માટે એક પી. આર. ઓ. રાખતા હોય છે.
આ પી. આર. ઓ. ઘણું કલ્પનાશીલ પ્રાણી હોય છે. તેઓ તલનો તાડ અને રાઈનો પહાડ બનાવવામાં અત્યંત હોશિયાર હોય છે. ક્યારેક તો તેઓ જ્યાં પાણી મળવાની ખબર આપતા હોય છે ત્યાં કીચડ પણ મળતો નથી. કલાકારનો પી. આર. ઓ., લાલ શાહીથી લખેલા પત્રને ‘લોહીથી લખેલો પત્ર’ તરીકે પ્રચારિત કરે છે. કલાકાર પોતાની કિંમત વધારીને તે લોહીની કિંમત નિર્માતા પાસેથી વસૂલ કરે છે.
નિર્માતા ડિસ્ટ્રિબ્યૂટરો પાસેથી અને ડિસ્ટ્રિબ્યૂટર છેવટે જનતા પાસેથી કિંમત વસૂલ કરે છે. દુનિયામાં લોહીથી ક્રાંતિ નથી આવતી, પી. આર. ઓ. લાલ શાહીથી ક્રાંતિ લઈ આવે છે.
————–
ફિલ્મી ગીતોના શ્રોતા
ફિલ્મમાં કોઈ ગીત અમર બની જાય તો તે ગીતને અમર બનાવવામાં જેટલો હાથ સંગીતકાર, ગીતકાર અને ગાયકનો હોય છે, એટલો જ શ્રોતાઓનો પણ હાથ હોય છે. સંગીતવાળાઓની કંપની તો ગીતને એક કે બે વખત વગાડીને બજારમાં મૂકી દેતી હોય છે. ત્યાર બાદ આ ગીતની વારંવાર ફરમાઈશ કરીને તેને ઘડીએ ઘડીએ વગાડવાની ફરજ પાડવાનું અને તે ગીતને હિટ કરાવવાનું કામ શ્રોતાઓનું હોય છે.
આજે જેવી રીતે આગ્રા તાજમહેલ માટે પ્રસિદ્ધ છે અને દિલ્હી લાલકિલ્લા માટે પ્રસિદ્ધ છે તેવી જ રીતે કોઈ એવો સવાલ કરે કે શ્રોતાઓ માટે ક્યું શહેર પ્રસિદ્ધ છે તો કોઈપણ કહેશે કે ઝુમરીતલૈયા અને મારવાડ મુંડવા. કેટલાક સંગીતપ્રેમી શ્રોતાઓએ ઝુમરીતલૈયા અને મારવાડ મુંડવાને રાષ્ટ્રીય સ્તરની ઓળખ અપાવી છે. આખા દેશને ખબર પડી ગઈ છે કે આ શહેરોમાં વસવાટ કરે છે અસલી સંગીત સાંભળનારાઓ. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)