સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
——
એક્ટિંગ સ્કૂલ
એક્ટિંગ સ્કૂલો માટે એવું પણ નથી કહેવું કે તેઓ ફાલતુ છે કે એવું કહેવાનું પણ યોગ્ય નહીં ગણાય કે તેઓ કોઈ કામના છે. પુણેની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ૭૦ના દાયકામાં ચોક્કસ થોડી ચર્ચામાં આવી હતી, જ્યારે તેમાંથી નીકળેલા કેટલાક કલાકારો જેમ કે શત્રુઘ્ન સિન્હા, અસરાની, જયા ભાદુરી, ડેની વગેરેએ ચોંકાવી નાખ્યા હતા, પરંતુ હવે આ બધું જે તે કલાકારોની વ્યક્તિગત કુશળતાનો કમાલ હતો, ઈન્સ્ટિટ્યૂટની આમાં કોઈ કમાલ નહોતી. અહીં મુંબઈની કેટલીક ખાનગી એક્ટિંગ સ્કૂલો પણ અભિનય શીખવવાના પોત-પોતાના દાવા રજૂ કરે છે, પરંતુ અભિનય સમ્રાટ દિલીપકુમારે કઈ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી હતી? તેઓ પોતે જ એક સ્કૂલ છે.
સુપર સ્ટાર રાજેશ ખન્ના, એવરગ્રીન ધર્મેન્દ્ર અને મેગા સ્ટાર અભિતાભ બચ્ચન વગેરે કઈ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવે છે? બીજી તરફ ફલાણા-ફલાણા એક્ટરને સેંકડો ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ હજી સુધી અભિનય કરતાં કેમ નથી આવડતું? આ બધા સવાલોના જવાબ કોઈપણ એક્ટિંગ સ્કૂલ પાસે નથી. આમેય આ બધી સ્કૂલો ફિલ્મી ગ્લેમરના બાય-પ્રોડક્ટ છે, પેટા-ઉત્પાદનો છે. બિલકુલ એવી રીતે જેમ કે મુજરા માર્કેટની પાસે ગજરા વેચનારાઓ ફૂટી નીકળે છે.
—–
ફિલ્મી સામયિકો
સામયિકો અને ફિલ્મોનો આપસી સંબંધ ઘણો ઊંડો છે. એમ સમજી લો કે જેવી રીતે બંદર અને મદારીનો ખેલ થતો હોય છે. મદારીને કારણે બંદર અને બંદરને કારણે મદારીનું ગુજરાન ચાલતું હોય છે. ફિલ્મી સામયિકો બજારમાં ફિલ્મવાળાઓની હવા બનાવે છે અને ફિલ્મવાળાઓ સામયિકોને ચટપટી અને મસાલેદાર બાતમીઓ આપ્યા કરતા હોય છે. ‘આરે, મેરે સંપટપાટ, મૈં તુઝે ચાટું, તુ મુઝે ચાટ. (બે નિરર્થક અથવા નકામી વ્યક્તિનો સાથ થવો), બંને ખુશ. અખબારોમાં નેતાઓના સમાચાર છપાતા હોય છે. ફિલ્મી સામયિકોમાં અભિનેતાઓના સમાચાર છપાય છે. નેતા પાર્ટી બદલી નાખે તો તેના સમાચાર બનતા હોય છે અને અભિનેતાનો પ્રેમ બદલાય ત્યારે સમાચાર બને છે.
ફિલ્મી સામયિકો ભલે અન્ય સામયિકોની સરખામણીએ ઘણી ઓછી છપાતી હોય, પરંતુ તેની
પહોંચ ઘણી દૂર સુધી હોય છે. અન્ય સામયિકો બીજા દિવસે રદ્દીની દુકાનમાં વેચાઈ જતા હોય છે, જ્યારે ફિલ્મી સામયિકો યુવાનોના તકિયાની નીચે પહોંચી જતા હોય છે અને એક રોમેન્ટિક ડ્રીમનો પાયો નાખતી હોય છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)