સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
——–
સેન્સર બોર્ડ
સેન્સર બોર્ડ બાબતે જ્યારે પણ હું વિચારું છું ત્યારે મને ‘પંચતંત્ર’ની એક વાર્તા યાદ આવી જાય છે. વાર્તામાં એક વૃદ્ધ માણસ, એક ગધેડાને લઈને પોતાના ૧૫ વર્ષના દીકરાની સાથે રસ્તા પરથી ક્યાંક જઈ રહ્યો હતો. બંને પગપાળા જ જઈ રહ્યા હતા. રસ્તામાં લોકોએ તેમને જોયા તો તેમને ટોણો મારવા લાગ્યા કે કેવો બેવકૂફ માણસ છે આ, ગધેડાના હોવા છતાં પગપાળા ચાલી રહ્યા છે.
આ સાંભળીને વૃદ્ધ માણસે નાના છોકરાને ગધેડા પર બેસાડી દીધો અને ફરી તેઓ આગળ વધવા લાગ્યા. લોકોએ રસ્તામાં તેમને જતા જોઈને ફરીથી ટોણો મારવાનું ચાલુ કર્યું કે કેવો નિર્લજ્જ દીકરો છે. વૃદ્ધ બાપ પગપાળા ચાલી રહ્યો છે અને યુવાન હોવા છતાં તે ગધેડા પર બેસી ગયો છે.
હવે દીકરો ગધેડા પરથી નીચે ઉતરી ગયો અને વૃદ્ધને ગધેડા પર બેસાડી દીધો અને પોતે પગપાળા ચાલવા લાગ્યો. ફરી તેઓ આગળ વધ્યા એટલે લોકો કહેવા લાગ્યા કે કેટલો બેશરમ બાપ છે પોતે ગધેડા પર બેઠો છે અને માસૂમ બાળકને પગપાળા ચલાવી રહ્યો છે.
હવે એક જ વિકલ્પ બચ્યો હતો. વૃદ્ધે બાળકને પણ પોતાની સાથે ગધેડા પર બેસાડી દીધો. હવે લોકોએ ફરી ટોણો માર્યો કે કેટલા નિર્દયી છે આ પિતા અને પુત્ર, એક ગધેડા પર બંને લદાઈ ગયા છે.
સેન્સર બોર્ડની હાલત પણ આવી જ છે. આમ કરે તો ક્રિટિસાઈઝ (ટીકાનો ભોગ) થાય છે અને તેમ કરે તો તેમની થુ-થુ થાય છે. રોંગ હોય તો રોંગ અને સાચા હોય તો પણ રોંગ.
——–
એન.એફ.ડી.સી.
એન.એફ.ડી.સી. એટલે કે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ ફિલ્મોમાં ફાઈનાન્સ કરનારા સરકારી ફાઈનાન્સર છે. રાજ કપુર, ઋષિકેશ મુખરજી કે પ્રકાશ મહેરાએ
ક્યારેય એનએફડીસી પાસેથી ફાઈનાન્સ લીધું નહોતું, કેમ કે એનએફડીસીએ તેમને આપ્યું જ નથી.
એનએફડીસીની ગોવિંદ નિહલાનીની ‘અર્ધસત્ય’, સ્થયૂની ‘ગર્મ હવા’ અથવા એટનબરોની ‘ગાંધી’ ફિલ્મો અપવાદ છે. અન્યથા એનએફડીસીના સિદ્ધાંતોને આધારે તેઓ ફક્ત એવી જ ફિલ્મો માટે ફાઈનાન્સ કરે છે જે કાં તો રિલીઝ જ નથી થતી અથવા તો રિલીઝ થાય તો પણ તે ચાલે જ નહીં. જે વ્યાજ તો વ્યાજ, મૂળ નાણાં પણ હડપ કરી જાય. એનએફડીસીની ફાઈનાન્સ કરવાની એકમાત્ર અલિખિત જેવી શરત હોય છે કે ફિલ્મ એકદમ કંટાળાજનક અને અસહ્ય હોવી જોઈએ.