સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ ફિલ્મ ઉદ્યોગ જેને સરકાર હજી સુધી ઉદ્યોગ માનવા તૈયાર નથી તે આજે અનેક નાના મોટા સ્તંભો પર ઊભો છે. કેટલાક સ્તંભો દેખાય છે અને બાકીના કેટલાક સ્તંભો દેખાતા નથી. નથી દેખાતા એવા કેટલાક આ ઉદ્યોગના સ્તંભો વિશે આપણે હવે વાત કરીશું.
——–
ફિલ્મ સમીક્ષક
ફિલ્મ સમીક્ષક સિનેમા સાથે અપ્રત્યક્ષ (ઈનડાયરેક્ટ) રીતે જોડાયેલો એવો અનિવાર્ય સ્તંભ છે, જેનું હોવું કે ન હોવું એક સમાન છે. તે કોઈ ફિલ્મને વખોડી કાઢે કે પછી ટીકા કરે તો તેનાથી ફિલ્મના ‘આરોગ્ય’ પર કોઈ અસર થતી નથી. આવી જ રીતે તે કોઈ ફિલ્મના ઢગલા મોંએ વખાણ કરે તો પણ દર્શકોને તેના પર કોઈ ભરોસો હોતો નથી. મોટા ભાગના કિસ્સાઓમાં એવું થતું હોય છે કે સમીક્ષક જે ફિલ્મને સારી કહે છે તે ફિલ્મ અત્યંત બોરિંગ (નિરસ) નીકળે છે અને જેને સમીક્ષક બોરિંગ કહે છે તે મનોરંજક પુરવાર થાય છે.
સમીક્ષક એવી આદર્શ સાસુ છે જે પોતાની વહુના કોઈ કામની ક્યારેય પ્રશંસા કરતી નથી. સામે પક્ષે નિર્માતા એવી વહુ જેવો હોય છે જેને સાસુ દ્વારા કરવામાં આવેલી ટીકાની રતીભાર પરવાહ હોતી નથી. આવા સંબંધો નિર્માતા અને સમીક્ષક વચ્ચે હોવા છતાં દરેક નિર્માતા પોતાની ફિલ્મ સમીક્ષકને પહેલાં દેખાડવા માટે તૈયાર હોય છે અને સમીક્ષક ફિલ્મની ટીકા કરવા માટે તૈયાર રહેતો હોય છે.
———
સેક્રેટરી
ફિલ્મોમાં દરેક કલાકારનો એક સેક્રેટરી હોય છે. કેમ હોય છે? એની તો ખબર નથી પણ જરૂર હોય છે. સેક્રેટરી પોતે જાતે નાનો કે મોટો નથી હોતો, જો કલાકાર મોટો તો તેનો સેક્રેટરી મોટો થઈ જાય છે અને જો કલાકાર નાનો હોય તો તેનો સેક્રેટરી ગમે તેટલું જોર લગાવી લે તે મોટો થઈ શકતો નથી.
જેવી રીતે પહેલાં દારા સિંહને ચેલેન્જ કરનારા પહેલવાને દારા સિંહ સાથે લડવા પહેલાં રંધાવા સાથે લડવું પડતું હતું, તેવી જ રીતે કલાકારને મળવા આવેલા નિર્માતાને કલાકારની પહેલાં સેક્રેટરીને પટાવવો પડતો હતો. આ રીતે જોવા જઈએ તો સેક્રેટરી કલાકારના રંધાવા સમાન હતો.
સેક્રેટરી કલાકારના નિર્માતાઓને ઓબ્લાઈજ (પર ઉપકાર) કરતો હોય છે. કલાકારના ફેન્સને તે અત્યંત સ્નેહભરી આંખોથી જોતો હોય છે. બધું મળીને તે પારકા પૈસે મોજ કરતો હોય છે અને એક દિવસ તે પોતે નિર્માતા બની જતો હોય છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)