સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
——–
પ્રોડક્શન મેનેજર
પ્રોડક્શન મેનેજર અત્યંત મજબૂત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હોય છે. તે કેટલાક વર્ષો સુધી આ પદે ટકી જાય તો તેના નિર્માતા બનવાની શક્યતા વધી જતી હોય છે. જેમ-જેમ અપમાન સહન કરવાની અને અપમાનિત કરવાનો અનુભવ વધતો જાય છે, તેમ-તેમ આ શક્યતા હકીકતમાં બદલાતી જોવા મળતી હોય છે.
કોઈ ખર્ચમાંથી થોડા પૈસા બચાવી લેવા, કલાકારો સાથે સંબંધો રાખવા, સારા કામની ક્રેડિટ પોતે લેવી અને ભૂલોને પોતાના જુનિયરો પર નાખી દેવી, ક્યારે અને ક્યા-ક્યા નિર્માતાને પોતાની હોશિયારીથી સંકટમાંથી બચાવ્યા, સેટ પર આવા બધા કિસ્સાઓ સંભળાવવા વગેરે એક સફળ પ્રોડક્શન મેનેજરની ઓળખ હોય છે. તે દોસ્તો-યારો સાથે ભલે ૫૫૫ સિગારેટ પીતો હોય, પરંતુ સેટ પર હંમેશા બીડી પીતો હોય છે, નિર્માતાને એ દેખાડવા માટે કે તેનું ગુજરાન ફક્ત વેતનના પૈસામાંથી ચાલી રહ્યું છે, સમજ્યા!
——–
પ્રાણીઓના સપ્લાયર
ફિલ્મોમાં પ્રાણી કલાકારોનું પોતાનું અલગ આગવું સ્થાન છે. જો નિર્માતાને કોઈ કલાકારની ડેટ લેવી હોય તો તે તેના સેક્રેટરીને ફોન કરે છે અને જ્યારે તેને કોઈ પ્રાણીઓની તારીખ જોઈતી હોય તો તેના માલિકને ફોન કરવો પડે છે.
‘અરે માલિક ભાઈ, તું પ્રાણી કલાકારનો માલિક છે કે પછી પ્રાણી તારો માલિક છે? મહેનત પ્રાણી કરી રહ્યું છે. પૈસા પ્રાણી કમાઈ રહ્યું છે અને માલિક તું બનીને બેઠો છે!’
ખેર, આવા માણસોને પ્રાણીઓના સપ્લાયર કહેવામાં આવે છે. શ્ર્વાન, અશ્ર્વ, વાંદરા વગેરે કલાકારોના સપ્લાયર સારા એવા પૈસા કમાતા હોય છે. ‘રાજા ઔર રેન્ચો’ સિરિયલમાં કામ કરનારા વાંદરાનો માલિક જ્યારે શૂટિંગમાં સાથે જતો હતો ત્યારે તે ફાઈવ સ્ટાર હોટેલમાં જ રહેતોે હતો, પોતાના વાંદરાની મહેનતને કારણે. આ પણ સારું જ છે, માણસે દીકરાને ભણાવવા-ગણાવવાનો ખર્ચ કરવાને બદલે એક પ્રાણી કલાકારને પાળી લેવો જોઈએ. દીકરો તો કપૂત પણ નીકળી શકે છે, પોતાની કમાણીનો હિસાબ પણ માગી શકે છે. એક પ્રાણીઓનો સપ્લાયર કોઈ દીકરાના પિતાની સરખામણીએ ઘણો વધારે સુખી અને સુરક્ષિત હોય છે. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)