સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ
સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મોના પ્રત્યક્ષ સ્તંભ
અનેક નાના-મોટા મહત્ત્વના સ્તંભો પર ઊભી છે આ ફિલ્મી દુનિયા, અનેક નાના-મોટા લોકોએ મળીને તેને બનાવી છે. તેમાં કેટલાક સીધી રીતે સંકળાયેલા છે, જ્યારે અનેક લોકો અપ્રત્યક્ષ રીતે. કેટલાક લોકોનું મહત્ત્વ વધુ છે જ્યારે કેટલાકનું ઓછું, પરંતુ મહત્ત્વહીન કોઈ જ નથી.
લડાઈમાં જેટલા જરૂરી સિપાઈ હોય છે એટલા જ જરૂરી ઘોડા પણ હોય છે… અને એટલા જ જરૂરી હોય છે ઘોડાના પગમાં નાળ ઠોકનારો. તેના વગર તો સિપાઈ અને ઘોડો બંને બેકાર છે.
આ બધા એવા સ્તંભો હોય છે, જેનો કોઈ વિકલ્પ નથી હોતો. આમાંથી એકેય ન હોય તો ફિલ્મની કલ્પના થઈ શકતી નથી.
આવો તો હવે આપણે વાતો કરીએ ફિલ્મી દુનિયાના આવા જ કેટલાક સિપાઈઓની, કેટલાક ઘોડાઓની અને કેટલાક ઘોડાના પગમાં નાળ ઠોંકનારાની. એટલે કે ફિલ્મો સાથે સંકળાયેલા પ્રત્યક્ષ સ્તંભોની.
——–
મ્યુઝિક એરેન્જર
શું તમે ક્યારેય ગીતોનું રેકોર્ડિંગ જોયું છે તો યાદ કરો કે રેકોર્ડિંગ રૂમમાં એક માણસ હેડફોન લગાવીને, બધા જ સંગીતકારો અને ગાયકોને હાથોના ઈશારાથી વગાડવાના અને ગાવાના ‘ક્યુ’ આપતો હોય છે. રિધમની સાથે સાથે તે પોતાના હાથ એવી રીતે હલાવતો હોય છે કે તમારા મન જીતી લે છે. તમને એવું લાગ્યું હશે કે તે સંગીત દિગ્દર્શક હશે. નહીં, સંગીત નિર્દેશક તો એક ધૂન બનાવીને કે ચોરીને આને સોંપી દેતો હોય છે. બાકીનું બધું જ કામ રિધમ, મ્યુઝિક પીસ, રેકોર્ડિંગ વગેરે આ જ વ્યક્તિ કરે છે અને આથી જ તેને સંગીત વ્યવસ્થાપક એટલે કે મ્યુઝિક એરેન્જર કહેવામાં આવે છે.
આ મ્યુઝિક એરેન્જર માલ-વાલ તો સારો કમાઈ જતો હોય છે, પરંતુ તેને નામ ક્યારેય મળતું નથી. નામ સંગીત દિગ્દર્શક કમાય છે. કેમ? કેમ કે તે મ્યુઝિક એરેન્જર એટલે કે એક રીતે સંગીત નિર્દેશકનો ડુપ્લિકેટ
હોય છે.
————
આસિસ્ટન્ટ
આસિસ્ટન્ટ એટલે કે સહાયક. સહાયક દિગ્દર્શક, સહાયક કેમેરામેન, સહાયક મેક-અપ મેન વગેરે વગેરે. ફિલ્મોમાં સહાયક લોકો કામ કરે છે અને સાથે સાથે કામ શીખતા હોય છે. આ જ લોકો આગળ જતા સહાયકમાંથી મુખ્ય બનતા હોય છે.
આસિસ્ટન્ટ દિગ્દર્શક અથવા દિગ્દર્શકની સાથે અથવા આસિસ્ટન્ટ કેમેરામેનનો કેમેરામેનની સાથેનો આપસી સંબંધ ગુરુ-ચેલા જેવો હોય છે, ફક્ત હોતો જ નથી, તેઓ એકબીજાને ગુરુ અને શિષ્ય માનતા પણ હોય છે. આગળ જઈને ભલે ગુરુ ગુડ અને ચેલો શક્કર બની જાય. પરંતુ કેટલી સારી વાત છે કે ફિલ્મોમાં આજે પણ ગુરુ અને શિષ્યની શુદ્ધ ભારતીય પરંપરા જીવિત છે. શૂટિંગ પેક-અપ થયા બાદ ગુરુ-શિષ્ય સાથે બેસીને દારૂનું સેવન પણ કરતા હોય છે. ગુરુ-શિષ્યને સાથે બેસાડે છે અને દારૂ પિવડાવીને પોતાની દરિયાદિલીથી ચેલાનું દિલ જીતી લેતો હોય છે. ગુરુ ક્યારેક વધુ પડતો દારૂ પી લે અને ઘરે જવા માટે અસમર્થ હોય તો ગુરુની ના-નકારને અવગણીને શિષ્ય જબરદસ્તી ઘરે છોડવા જાય છે અને તેનું આ વર્તન ગુરુનું દિલ જીતી લે છે.