સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મો બનાવવાની કેટલીક ફોર્મ્યુલા
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મોના નિર્માણને ૧૦૦ વર્ષ થઈ ગયા છે.
આ સો વર્ષોમાં સેંકડો લોકોએ પોતાની ફિલ્મોને સફળ બનાવવા માટેના કેટલાક ફોર્મ્યુલા બનાવ્યા છે અને તેને અજમાવ્યા પણ છે.
કેટલાક ફોર્મ્યુલા એકાદ ફિલ્મ સુધી જ ચાલ્યો હતો, પરંતુ કેટલાક ફોર્મ્યુલા એકાદ ડઝન ફિલ્મો સુધી ચાલ્યા હતા. કેટલાક ફોર્મ્યુલા થોડા-થોડા વર્ષો બાદ આજે પણ અપનાવવામાં આવી રહ્યા છે. આમ તો કોઈ એક સફળ ફોર્મ્યુલા આજ સુધી બની શક્યો નથી, આમ છતાં કેટલાક લોકપ્રિય ફોર્મ્યુલા નીચે મુજબ છે-
————–
પારિવારિક ફોર્મ્યુલા
પ્રેમકથા પછી સૌથી વધુ ચાલનારો કોઈ ફોર્મ્યુલા હોય તો તે પારિવારિક ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાને કેટલાક લોકો સાઉથ (મદ્રાસી) ફોર્મ્યુલા તરીકે પણ ઓળખે છે. પંજાબી બેક્ગ્રાઉન્ડવાળા નિર્માતાઓએ મસ્તીવાળી પ્રેમ કથાઓ ફિલ્મ ઉદ્યોગને આપી હતી તો બીજી તરફ બંગાળી બેક-ગ્રાઉન્ડવાળા નિર્માતાઓએ દુ:ખી પ્રેમ કથાઓ વાળી ફિલ્મો આપી હતી. આ બધા પછી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં આગમન થયું હતું સાઉથનું બેક-ગ્રાઉન્ડ ધરાવતા નિર્માતાઓનું જેમણે એકથી સારી એક પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મો આપી હતી.
પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ એટલે કે એક હસતા રમતા મોટા પરિવારના તૂટવાની અને ફરી પાછા એક થવાની
વાર્તા. કેટલાક લુચ્ચા-કપટી અને સ્વાર્થી સભ્યો અને કેટલાક સીધા-ભોળા સભ્યો, ઢગલોબંધ આંસુ અને તેમાં પાછો થોડો હાસ્યનો વઘાર કરીને આપો એટલે
તૈયાર થઈ ગયો હિટ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા પહેલાં પણ ચાલતો હતો અને આજે પણ ચાલે છે.
‘હમ આપકે હૈ કોન’ ફિલ્મની સફળતા બાદ તો પારિવારિક ફિલ્મોની સફળતાની ગેરેન્ટીનો થપ્પો લગાવી દીધો હતો. આ ફિલ્મ પછી તો મારધાડ અને સેક્સનો વેપલો કરનારી ફિલ્મોના ખુમચા ઉડાવી નાખ્યા હતા.
—————-
ત્રિકોણીય પ્રેમ કથા
પારિવારિક ફિલ્મોના આગમન પછી પ્રેમ કથાઓમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા. બે પ્રેમીઓની વચ્ચે પહેલાં જે ખલનાયક આવતો હતો તેને હટાવીને તેને સ્થાને ત્રીજો પ્રેમી જોડી દેવામાં આવ્યો અને આમ બની ગયો પ્રણય ત્રિકોણ. મહેબૂબ સાહેબે ‘અંદાજ’ ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મ ઘણી ચાલી હતી. ત્યારબાદ રાજ કપૂર સાહેબે બનાવી ‘સંગમ’ અને ત્યાંથી આ ફોર્મ્યુલા ચીર-સ્થાયી હિટ ફોર્મ્યુલા બની ગયો. ત્યારબાદના સમયગાળામાં યશ ચોપડાજીએ આ
ફોર્મ્યુલાને કાયમી ધોરણે અપનાવી લીધો હતો અને તેને પગલે ખાસ્સી એવી લોકપ્રિયતા અને સમૃદ્ધિ મેળવી.
પ્રણય ત્રિકોણના ફોર્મ્યુલામાં એક પ્રેમીનો પ્રેમ સફળ થયા છે અને બીજાને ત્યાગ કરીને મરી જવું પડતું હોય છે. આ ફોર્મ્યુલામાં એક તરફ પંજાબનો મસ્તીભર્યો પ્રેમ આવી જતો હતો અને તેવી જ રીતે બીજી તરફ બંગાળ તરફનો દુ:ખાંત પ્રેમ પણ આવી જતો હતો. એની ઉપર હિટ સંગીતનો તડકો લગાવી દેવામાં આવે એટલે પછી તો હિંગ લગે ન ફિટકરી, રંગ ચોખા હી ચોખા. (હિંગ કે ફટકડી લગાવ્યા વગર જ રંગ એકદમ સરસ ઉઠી આવે) આથી આ ફોર્મ્યુલા ઘણો લોકપ્રિય થયો છે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)