સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
ફિલ્મો બનાવવાની કેટલીક ફોર્મ્યુલા
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ફિલ્મોના નિર્માણને ૧૦૦ વર્ષ થઈ ગયા છે. આ સો વર્ષોમાં સેંકડો લોકોએ પોતાની ફિલ્મોને સફળ બનાવવા માટેના કેટલાક ફોર્મ્યુલા બનાવ્યા છે અને તેને અજમાવ્યા પણ છે. કેટલાક ફોર્મ્યુલા એકાદ ફિલ્મ સુધી જ ચાલ્યો હતો, પરંતુ કેટલાક ફોર્મ્યુલા એકાદ ડઝન ફિલ્મો સુધી ચાલ્યા હતા. કેટલાક ફોર્મ્યુલા થોડા-થોડા વર્ષો બાદ આજે પણ અપનાવવામાં આવી રહ્યા છે. આમ તો કોઈ એક સફળ ફોર્મ્યુલા આજ સુધી બની શક્યો નથી, આમ છતાં કેટલાક લોકપ્રિય ફોર્મ્યુલા નીચે મુજબ છે-
————–
પ્રેમ કથા (લવ સ્ટોરી)
સામાન્ય રીતે જોવામાં આવે તો ફિલ્મ એટલે જ પ્રેમ કથા એવો અર્થ થાય છે, પરંતુ જે ૨૪ કેરેટ પ્રેમ પર બનેલી ફિલ્મ હોય તેનો સમાવેશ પ્રેમ કથામાં કરવામાં આવી રહ્યો છે જેમ કે લૈલા-મજનૂ, સોહની-મહિવાલ, હીર-રાંઝા, બોબી વગેરે વગેરે. લૈલા-મજનૂ જૂના જમાનાની અને બોબી નવા જમાનાની આધુનિક શૈલીની મધર લવ સ્ટોરી માનવામાં આવે છે.
એક નવો કે જૂનો નિર્માતા જેનો ફિલ્મ બનાવવા માટેનો કોઈ નક્કર હેતુ નથી. બસ, ફક્ત એક ફિલ્મ બનાવવી છે, ફિલ્મ બનાવ્યા વગર રહી જ શકતો નથી. એ જ્યારે ફિલ્મ બનાવશે ત્યારે ત્રણ કલાકની ફિલ્મમાં સામગ્રી નિર્ધારીત હશે. થોડો પ્રેમ, થોડી વાર્તા, થોડા ગીતો અને સેન્સરની મહેરબાની થઈ જાય તો થોડી અશ્ર્લીલતા. બસ બની ગઈ એક પ્રેમ કથા.
————
કમ્યુનિસ્ટ નાયકની પ્રેમ કથા
સિનેમાના આગમનની સાથે જ દુનિયામાં કમ્યુનિઝમ (સામ્યવાદ)નું આગમન થઈ ગયું હતું. થોડા વર્ષો બાદ ફિલ્મોમાં એક અવતાર પુરુષ આવ્યો હતો, ચાર્લી ચેપ્લીન. બીજી તરફ આખી દુનિયામાં મૂડીવાદ સામે અવાજ ઉઠવા લાગ્યા હતા. એ સમયમાં સ્વ. કે. એ. અબ્બાસ અને સ્વ. રાજ કપૂર સાહેબે ભારતીય ફિલ્મોને એક અત્યંત લોકપ્રિય (હિટ) ફોર્મ્યુલા તેમ જ એક અથ્યંત લાડકો નાયક આપ્યો હતો. આ નાયક ગરીબ હતો, ભણેલો-ગણેલો હતો, ઈમાનદાર હતો અને બેરોજગાર હતો. ચેપ્લીનની સ્ટાઈલમાં, સમાજવાદી વિચારધારાથી પ્રેરિત થઈને અને રાજકપૂરના ભોળા અંદાજમાં ઢળીને તે નાયક લોકોના હૃદયમાં પોતાનું ઘર કરી ગયો હતો. તે ગરીબ નાયકે ઈમાનદારીનો સંદેશ આપતાં શ્રીમંત યુવતી સાથે પ્રેમ કરીને જ્યારે મૂડીવાદ પર વિજય મેળવ્યો ત્યારે દેશના હજારો ગરીબ અને બેરોજગાર યુવકોને આ નાયકમાં પોતાની જાતને જોઈ હતી. જોકે, તે યુવાનો ગરીબ અને બેરોજગાર તો હતા, પરંતુ નાયકની જેમ ભણેલા-ગણેલા અને ઈમાનદાર હતા, તે શંકાની વાત છે. ગરીબ નાયકવાળો આ ફોર્મ્યુલા વિધાઉટ ડાઉટ (કોઈપણ શંકા વગર) હિટ જ હતો.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)