સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ
(ભાગ-૨)
પરિસ્થિતિમાં રહેલું અંતર
ગીતો વગર ભારતીય ફિલ્મોની કલ્પના પણ કરી શકાતી નથી. ફિલ્મમાં વાર્તા હોય કે ન હોય તો પણ એક વખત કામ ચાલી જશે, પરંતુ ગીતો વગરની ફિલ્મ એક ડગલું પણ ભરી શકતી નથી. અત્યાર સુધીમાં અજમાવવામાં આવેલી ગીતો માટેની અલગ અલગ પરિસ્થિતિઓ નીચે મુજબ છે.
————-
આખું ઘર મળીને ગાય ગીત
ક્યારેક ક્યારેક કોઈ ફિલ્મમાં આખો પરિવાર એક સાથે આવીને ગીત ગાતો હોય છે. માતા-પિતા, ભાઈ-ભાભી, બહેન બધા સાથે મળીને ગાતા હોય છે. બધાયે બધા એક બીજાથી ચડે એટલા સુરીલા, આખું ખાનદાન જ જાણે સંગીતમય. સ્વ. તાનસેન અને બૈજુ બાવરા પણ ગાતા હતા, પરંતુ આટલું સૌભાગ્ય તો એમને ય પ્રાપ્ત થયું નહોતું. આ બધાની વચ્ચે સૌથી મોટો આંચકો ત્યારે લાગે કે ઘરનો નોકર પણ ગીત ગાવામાં સામેલ થઈ જાય. એક આખો અંતરો એના માટે અલગ રાખવામાં આવ્યો હોય છે. દુનિયાના મોટામાં મોટા લોકશાહી દેશો નોંધી લે, નોકરોને આવી આઝાદી અને અધિકારો અન્ય કોઈ દેશમાં મળે છે?
આવી જ રીતે આવા ગીતની બીજી એક ખાસ બાબત હોય છે. આ ગીત જ્યારે પણ આવે ત્યારે તે ફિલ્મની શરૂઆતની રીલમાં જ આવતું હોય છે. જેવો આખો પરિવાર એકસાથે ગીત ગાવા લાગે છે કે તરત જ ટેલેન્ટેડ અને દૂરંદેશી ભારતીય દર્શક સમજી જાય છે કે આ પરિવાર પર હવે કોઈ મુસીબત આવવાની છે, નહીં તો બધા મળીને કેમ ગાય છે અને પછી ફિલ્મમાં એવું જ થાય છે. બીજી જ રીલમાં તે પરિવારનો કોઈ સભ્ય કાં તો મરી જાય છે અથવા તો તેઓ કાયમ માટે વિખુટા પડી જાય છે, આટલા ભર્યાભાદર્યા પરિવારની ખુશીને કોઈ દુશ્મનની નજર લાગી જાય છે.
આવા ગીતનું ઘણી વખત એક દુ:ખદ વર્ઝન પણ બનાવવામાં આવતું હોય છે અને તે થોડા સમય પછી કે પરિવારની ખુશીને યાદ કરીને અથવા તો વિખુટા પડી ગયેલા સભ્યને યાદ કરીને બેક-ગ્રાઉન્ડમાં દુ:ખદ ધુનમાં વગાડવામાં આવતું હોય છે અને તેને સાંભળીને ભારતીય દર્શકના હૃદયમાં કરુણા હિલોળા લેવા
માંડે છે.
—————
દુ:ખદ ગીત
દુ:ખ અને કરુણાના ભારતીય દર્શનમાં વિશેષ સ્થાન છે. આપણી પૌરાણિક કથાઓ અને લોકકથાઓમાં તેનું સજીવ ચિત્રણ જોવા મળે છે. જૂની ફિલ્મોમાં પણ દુ:ખ અને કરુણાવાળા વિષયો જ વધુ જોવા મળતા હતા. ફિલ્મમાં કરુણા અને દુ:ખને વ્યક્ત કરાવવા માટેનો સૌથી અસરકારક રસ્તો હતો-દુ:ખી ગીત. જૂની ફિલ્મોમાં એક નહીં, અનેક દુ:ખી ગીતો નાખવામાં આવતા હતા. નાયક દુ:ખી ગીત ગાઈને હજી તો શ્ર્વાસ લે એટલી વારમાં નાયિકા દુ:ખી ગીત ગાવા લાગતી હતી અને સાચી વાત તો એ છે કે આ બધા ગીતોને કારણે જ ફિલ્મો ચાલતી હતી. આજે ફિલ્મમાં એક દુ:ખી ગીત નાખી દો, આખી ફિલ્મ જ બેસી જશે. ક્યાં ગઈ તે દુ:ખી ગીતોવાળી સંસ્કૃતિ? વડીલો સાચું જ કહેતા હતા કે આપણે સંસ્કૃતિ ખોઈ રહ્યા છીએ.
આ સંસ્કૃતિ ખોવાનું એક મહત્ત્વનું કારણ બીજું પણ એક છે. દુ:ખી ગીત સંસ્કૃતિનું સ્થાન હવે મૂક્કા સંસ્કૃતિએ લઈ લીધું છે. પહેલાનો નાયક પોતાના પર થનારા અન્યાયને સહન કરતાં દુ:ખી ગીતો ગાઈને પોતાનું કર્તવ્ય પૂરું કરી લીધું હોવાનું માની લેતો હતો. આજનો નાયક આવું નથી કરતો. તે સેડ સોન્ગ ગાવાને બદલે સીધો મૂક્કા-લાતો ચલાવે છે. ઢિશુમ.. ઢિશુમ…!
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)