ગુજરાતમાં વધુ એક કંપનીએ મોટા પ્રમાણમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી (Ocior energy) ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. આ કંપની કચ્છ જિલ્લામાં 1 મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાનો ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના શરુ કરશે.
નોંધનીય છે કે સરકાર નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી તરફ ધ્યાન આપી રહી છે. આ MoUને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ઓકિઓર એનર્જી રૂપિયા 40 હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં 2030 સુધીમાં પૂર્ણ કરશે, જેના કારણે અંદાજે 10,400 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું થશે.
રાજ્યના ઊદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં થયેલા MoU બાદ ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે. ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દાયાનીએ તથા ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. રણજિત ગુપ્તા એ MoU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી.
ઓકિઓર(Ocior)એ અબુધાબી ઇન્ટરનેશનલ ગ્લોબલ માર્કેટ(ADGM) ખાતે શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા પ્રદેશમાં 4 GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે. ભારતમાં પ્રોજેક્ટ શરૂ કરવા કંપનીએ ગુજરાતની પસંદગી કરી છે.