ફોકસ -રાજેશ યાજ્ઞિક
આપણે કુળ વિશે ચર્ચા કરી તેમ આત્માની મુક્તિના માર્ગમાં સાતમો અવરોધ છે જીવનું પોતાને કોઈ જાતિ સાથે જોડીને જોવું, જાતિનો મદ કરવો.
જાતી (પંથ):
શ્રી દુર્ગા સપ્તશતીમાં રાક્ષસ કાલ્કેય જાતિના બંધનનું પ્રતીક છે. કુળની જેમ શા માટે જાતિને બંધન ગણ્યું છે? કારણકે મનુષ્યમાં અન્ય કરતાં ઉત્તમ હોવાની ભાવના નિર્માણ થાય છે અને તેનો મદ કરે છે. આ પ્રકારે તે કેટલાય મદનો શિકાર બને છે. જીવને તેનું શરીર અન્ય કરતાં વિશેષ હોવાનો ગર્વ છે.
સૌથી પહેલાં તો આ વિશ્ર્વમાં અન્ય પ્રાણીઓની જેમ તે પણ એક પ્રાણી હોવા છતાં એ વાતનો તેને ગર્વ છે કે તે અન્ય કરતાં વધારે બુદ્ધિમાન છે અને બુદ્ધિના જોરે વિશ્ર્વને પોતાના નિયંત્રણમાં રાખી શકે છે અને પોતાની મરજી મુજબ તેનો ઉપભોગ કરી શકે છે. હવે તો પૃથ્વીથી આગળ વધીને ગર્વિષ્ઠ મનુષ્ય અવકાશનો ઉપભોગ કરવા પણ આગળ વધ્યો છે.
સ્વાભાવિક છે કે આમ કરવાથી તેનો અહમ પોષાય છે. અને અહમ અર્થાત શુમ્ભ રાક્ષસ જ છે જેના વડપણ હેઠળ જાતિનો મદ ફૂલ્યોફાલ્યો છે. જીવને પોતાની બુદ્ધિ પર ગર્વ છે તેમ પોતાની ચામડીના રંગ ઉપર પણ ગર્વ છે.
ફલાણી જાતિમાં જન્મ હોવાને કારણે પોતાનો વાન ઉજળો છે, પોતે અન્ય કરતાં વધુ સુંદર દેખાય છે, ફલાણી જાતિનો હોવાને કારણે તે બીજા કરતાં શારીરિક રીતે વધુ બળવાન છે, વગેરે કેટલાય મદ જીવ પાળીને બેઠો છે. જયારે હકીકત એ છે કે કઈ જાતિમાં જન્મ લેવો તે પણ તેના હાથમાં નથી. અરે, આત્માની વાત તો પછી, પણ આ અભિમાનના કારણે મનુષ્ય, અન્ય મનુષ્ય સાથે પણ કેટલાય ભેદ રચી નાખે છે. ઊંચનીચ, સારાનરસાના આ અભિમાન અને ભેદને કારણે જ સમાજની જે સ્થિતિ થઇ છે તે કોણ નથી જાણતું?
રંગભેદના કારણે પોતાને અન્યોથી ઊંચા માનતા લોકોએ આફ્રિકા, અમેરિકા અને યુરોપના કેટલાય દેશોમાં સદીઓ
સુધી ઉજળી ચામડી ન ધરાવતા લોકો પર કરેલા અત્યાચારનો ખરડાયેલો
ઇતિહાસ છે. આજે પણ, પોતાને આધુનિક માનતા લોકો આ ભેદમાંથી બહાર નથી આવતા.
જ્યાં જાતિઓને નિમ્ન નથી ગણાઈ તેવા તુલસીદાસના રામાયણનો અવળો અર્થ કરીને અનર્થકારી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખીને લોકોના મનમાં ઝેર ભરાતું રહે છે. જાતિ આધારિત વ્યવસ્થા માટે સૌથી વધુ ટીકા, અથવા કહીએ તો રીતસરની ગાળો મનુસ્મૃતિને અપાય છે. (એ પણ કોઈ જાતના વાંચન વિના!) મનુસ્મૃતિનો એક શ્લોક જોઈએ,
શુદ્રો બ્રાહ્મણતામેતિ બ્રાહ્મણશ્ર્વૈતિ શુદ્રતામ્
ક્ષત્રિયાજજાતમેવં તુ વિદ્યાદ્વૈશ્યાસ્તથૈવચ
અર્થાત, મનુષ્યનાં કર્મોને આધારે બ્રાહ્મણ શુદ્રતા પ્રાપ્ત કરે છે અને શુદ્ર બ્રાહ્મણત્વ. એ જ રીતે ક્ષત્રિય અને વૈશ્યથી ઉત્પન્ન સંતાન પણ અન્ય વર્ણોને પ્રાપ્ત કરે છે. વિદ્યા અને યોગ્યતા અનુસાર બધાં વર્ણોનાં સંતાનો અન્ય વર્ણમાં જઈ શકે છે.
આ જ્ઞાનને કોરાણે મૂકીને પોતાના અહમને પોષવા જેમણે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થાને જન્મ આધારિત જાતિ વ્યવસ્થા બનાવી નાખી તેઓ આ સાતમા પાશના બંધનમાં મુકાયેલા જીવો છે. એટલે શ્રી દુર્ગા સપ્તશતીમાં વર્ણવેલા પાશને તોડવા
સાચા જ્ઞાનની કેટલી જરૂર છે તે પણ સમજાય છે.
સામાજિક રીતે પોતાને “ઉચ્ચ માનતા લોકોએ અન્યો પર અત્યાચાર કર્યા તેનો ઇન્કાર થઇ ન શકે. પરંતુ, જ્યાં ધર્મની વાત આવે, ત્યાં સમજવાની જરૂર છે કે સનાતન ધર્મએ ક્યારેય કોઈને જન્મના આધારે ઉચ્ચ કે કનિષ્ઠ કહ્યા નથી.
મનુષ્ય માત્ર પોતાના કર્મને આધારે જ પોતાની ભૂમિકા સ્વયં બાંધે છે. બ્રાહ્મણોને પણ જાતિ ભેદના પાપનું કારણ માનવામાં આવે છે. કદાચ, એક વર્ગે તેવું કર્યું હોય તો પણ બ્રાહ્મણ પરંપરામાં એવી માન્યતા નથી અને બધા જ બ્રાહ્મણો એવી માન્યતા ધરાવતા હોય એવું કહેવું મૂર્ખતા છે. મહાભારતકાર શ્રી વેદ વ્યાસે, શાંતિ પર્વમાં કહ્યું છે,
“જન્મના જાયતે શુદ્ધ: સંસ્કારત દ્વિજ ઉચ્ચતે
અર્થાત, જન્મથી તો બધા શુદ્ર જ છે, પરંતુ સંસ્કારોને કારણે તે બ્રાહ્મણ કહેવાય છે.
શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાનકર્મસન્યાસ યોગમાં, શ્રી કૃષ્ણ કહે છે,
ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ:
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્ય॥
અર્થાત, ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણોનું સર્જન કર્યું છે. તેનો કર્તા હું છું, છતાં તું મને અકર્તા અને અવિકારી જાણ.
એ પણ નોંધવું જોઈએ કે અઢાર અધ્યાયની શ્રીમદ ભગવદ ગીતામાં એક કરતાં વધુ વખત ભગવાન શ્રી કૃષ્ણએ આ બાબત ઉપર પ્રકાશ પાડ્યો છે. હજારો વર્ષો પહેલા પણ લોકોની સંકુચિત માન્યતાઓ અને કુંઠિત બુદ્ધિને તોડવાની કેટલી જરૂર હતી કે સ્વયં ભગવાન પણ જીવને મુક્ત કરવા તેના ઉપર વારંવાર બોલે છે. એ પણ નોંધનીય છે કે આ વાત ફરીથી ભગવાન અંતિમ અધ્યાયમાં કહે છે, જેનું નામ જ ‘મોક્ષસન્યાસ યોગ’ છે. માટે જીવની મુક્તિ માટે આ સમજવું કેટલું જરૂરી છે તે આપણને સમજાય.
અઢારમા અધ્યાય ‘મોક્ષસન્યાસ યોગ’ માં ભગવાન કહે છે,
બ્રાહ્મણક્ષત્રિયવિશાં શૂદ્રાણાં ચ પરંતપ
કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવપ્રભવૈર્ગુણૈ:
અર્થાત, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રમાં કર્મના વિભાજન પણ મનુષ્યના ગુણથી ઉત્પન્ન થયેલા સ્વભાવના અનુસાર જ કરવામાં આવ્યા છે.
અને આગળના શ્ર્લોકોમાં પણ કયા વર્ણનું સ્વાભાવિક કર્મ શું છે તેનું વર્ણન કર્યું છે. આપણી રૂઢ માન્યતાઓથી વિપરીત, વેદ, ઉપનિષદ, મહાભારત, ગીતા, મનુસ્મૃતિ આદિ ધર્મગ્રંથોમાં ‘જાતિ’ની કોઈ ચર્ચા જ નથી, વર્ણ વ્યવસ્થાની ચર્ચા છે. વર્ણ શબ્દની વ્યત્પત્તિ ‘વૃજ’ ધાતુથી થઇ છે, જેનો અર્થ છે વરણ કરવું, પસંદ કરવું. એટલે સરળ શબ્દોમાં, વ્યક્તિ પોતાના કર્મ અને સ્વભાવને આધારે જે વ્યવસ્થાનું ચયન કરે છે, તેને જ વર્ણ કહેવાય છે. તેથી, જાતિની સમગ્ર ચર્ચા અસ્થાને છે તે મનુષ્યએ સમજવું પડશે.
વાલિયો લૂંટારો , વાલ્મીકિ ઋષિ કર્મથી બન્યો, જન્મથી બ્રાહ્મણ એવા પરશુરામ, કર્મથી ક્ષત્રિય બની શકે અને કાન્યકુબ્જના પુરુવંશી રાજકુટુંબમાં જન્મેલા ક્ષત્રિય વિશ્ર્વામિત્ર, ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા બ્રહ્મર્ષિ બની શકે છે.
આમ, જે લોકો પોતાની બુદ્ધિમાં જાતિના વાડા ઊભા કરીને અટવાતા નથી, તેમને માટે મુક્તિના દ્વાર ખુલે છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. ધર્મ અને ધર્મ શાસ્ત્રો, જાતિ વિશેના તેમના મતમાં આટલા સ્પષ્ટ હોવા છતાં, કમનસીબે અહમથી ભરેલા જીવો ઉત્તરોત્તર વધુને વધુ જાતિ સંકુલ થઇ રહ્યા છે. જે સામાજિક અને આધ્યાત્મિક બંને સ્તરે જીવને સર્વથા નુકસાનકારક બન્યું છે અને બનતું રહેશે. આપણે સામાજિક સ્તરે થઇ રહેલા જાતિ વાદથી અને તેના નુકસાનથી
મહદ અંશે પરિચિત છીએ પણ તેનાથી આપણું જે આત્મિક નુકસાન થાય છે તેના પ્રત્યે આપણે સંપૂર્ણ અજાણ અને બેદરકાર છીએ.
આધુનિકતામાં જ્યાં આત્મા, પાપ-પુણ્ય, આલોક-પરલોકને જ ન માનવામાં આવતું હોય ત્યાં આત્માની મુક્તિ વિશે વિચારે પણ કોણ? અને આ અવિચાર જ આજના કાળમાં આત્મા માટે બંધન રૂપ છે.