ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાયેલી ત્રીજી અને છેલ્લી ODI મેચ પણ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી અને ટીમ ઈન્ડિયા કિવી ટીમ સામેની ODI શ્રેણી 0-1થી હારી ગઈ હતી. ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. આ પછી હેમિલ્ટનમાં બીજી વનડે વરસાદને કારણે અનિર્ણિત રહી હતી અને હવે ત્રીજી વનડેનું પરિણામ પણ વરસાદને કારણે આવી શક્યું નથી.
ક્રાઇસ્ટચર્ચમાં બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ODIને વરસાદને કારણે સ્થગિત કરવાની ફરજ પડી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 47.3 ઓવરમાં 219 રન બનાવ્યા હતા. યજમાન ટીમે 220 રનના લક્ષ્યનો પીછો કરતા 18 ઓવરમાં એક વિકેટે 104 રન બનાવ્યા હતા. આ પછી વરસાદ શરૂ થયો જેના કારણે મેચનું પરિણામ જાણી શકાયું ન હતું.
વરસાદના કારણે મેચ રોકાઈ તે પહેલા ડેવોન કોનવે 38 રન બનાવીને રમી રહ્યો હતો જ્યારે કેપ્ટન કેન વિલિયમ્સન ખાતું ખોલાવી શક્યો ન હતો. ન્યૂઝીલેન્ડે ફિન એલન (57 રન)ના રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી હતી. DLS અનુસાર, ન્યૂઝીલેન્ડની ટીમ ભારતથી 50 રનથી આગળ હતી, પરંતુ મેચ પૂરી કરવા માટે તેને ઓછામાં ઓછી 20 ઓવરની જરૂર હતી, પરંતુ આવું થઈ શક્યું નહીં.