આમ પણ રાજ્યની ઈનજેરી કોલેજોમાં બેઠકો મોટી સંખ્યામાં ખાલી રહે છે ત્યારે મંગળવારે જાહેર કરાયેલા ગુજરાત HSC વિજ્ઞાનના પરિણામોએ રાજ્યના કોલેજ મેનેજમેન્ટની ચિંતામાં ફરી વધારો કરી દીધો છે, કારણ કે ઇજનેરી અભ્યાસક્રમોમાં ઉપલબ્ધ બેઠકોની સંખ્યા 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા બમણી છે.
આ વર્ષે, 29,163 વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની એચએસસી વિજ્ઞાનની પરીક્ષા ‘A’ જૂથમાંથી પાસ કરી છે, જે ગયા વર્ષે 26,895 વિદ્યાર્થીઓની સરખામણીએ 2,980 વિદ્યાર્થીઓનો વધારો છે. ‘A’ જૂથના વિદ્યાર્થીઓએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે અને તેઓ એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે પાત્ર છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે – 7,790 CBSE વિદ્યાર્થીઓ સહિત – આ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 36,207 હતી. અધિકારીઓ આ વર્ષે આ સંખ્યા 39,000 આસપાસ રહેવાની શક્યતા દર્શાવે છે. જોકે હાલમાં બધાની નજર JEE એડવાન્સ પરીક્ષા પર છે, તે જોવા માટે કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓ IIT અને NIT માં જાય છે.
મંગળવારે જાહેર થયેલા પરિણામો અનુસાર, ‘A’ ગ્રુપની પરીક્ષા આપનારા 40,352 વિદ્યાર્થીઓમાંથી 29,163 પાસ થયા છે. 2022માં 33,396 વિદ્યાર્થીઓમાંથી 26,183 પાસ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 2022 માં, ભરાયેલા 36,207 ફોર્મની સામે, ફક્ત 30,050 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને આમ 39,000 બેઠકો ખાલી રહી હતી. આથી આ વર્ષે પણ આટલી જ કે તેનાંથી વધારે બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભાને જણાવ્યું હતું કે સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ખાલી બેઠકોનું પ્રમાણ 2021-22માં 21.31% થી વધીને 2022-23 માં લગભગ 50% થઈ ગયું છે. સેલ્ફ-ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ (SFIs)માં લગભગ 50% બેઠકો ખાલી હોવા છતાં, 2022-23માં SFI બેઠકોની સંખ્યામાં 3,000 થી વધુનો વધારો થયો છે.
એન્જિનિયરિંગ કોલેજો – જેમાં કુલ 69,4100 ડિગ્રી એન્જિનિયરિંગ બેઠકો છે. આ વર્ષે પણ તકલીફમાં આવે તેમ જણાઈ રહ્યું છે જેના કારણોમાં સૌથી વધારે અસર કરતું કારણ છેલ્લા કેટલાક વર્ષોમાં ‘A’ જૂથ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું છે.
2013 માં, ‘A’ જૂથમાં 70,000 થી વધુ વિદ્યાર્થીઓ અને ‘B’ જૂથમાં 35,000 વિદ્યાર્થીઓ હતા – જ્યાં વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનનો અભ્યાસ કરે છે. દસ વર્ષ બાદ ચિત્ર સંપૂર્ણ પણે બદલાઈ ગયું છે. 2023માં ‘A’ જૂથમાં 40,352 વિદ્યાર્થીઓ અને ‘B’ જૂથમાં 69,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ પરિસ્થિતિના મૂળમાં એ હકીકત છે કે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ડિગ્રી સાથે કારકિર્દીની સારી સંભાવનાઓ શોધવામાં નિષ્ફળ જાય છે, તેમ એક નિષ્ણાતે જણાવ્યું હતું. ગુજરાત જેવા મેન્યુફેક્ચરિંગ હબ તેમ જ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કરતા રાજ્યમાં આ પ્રકારની નોકરીઓ-રોજગારી મળતી નથી તે પણ ચિંતા અને ચિંતનનો વિષય છે.