કવર સ્ટોરી -ગીતા માણેક
ન તો આ કોઈ ચબરાકીભર્યું વાક્ય છે કે ન તો સાયન્સફિક્શન. આ એકવીસમી સદીનું સત્ય છે. ફેકટરીમાં પેદા થતા આ એકવીસમી સદીનાં બાળકો માના ગર્ભમાં નહીં પણ કૃત્રિમ ગર્ભાશયમાં ઉછેરવામાં આવે છે. જર્મનીના બર્લિન શહેરમાં આવેલી આ ફેક્ટરી એટલે કે કૃત્રિમ ગર્ભમાં બાળકોને ઉછેરવાની આ ટેક્નોલોજી સાયન્સ કોમ્યુનિકેટર અને બાયોટેક્નોલોજિસ્ટ હશેમ અલ-ઘ્યાલીએ વિકસાવી છે.
માંડીને વાત કરીએ તો સ્ત્રી-પુરુષના શરીરમાંથી રજ અને શુક્ર લઈને એક ભ્રૂણ વિકસાવવામાં આવે છે. આ ભ્રૂણને કૃત્રિમ ગર્ભમાં ઇમ્પલાન્ટ કરવામાં આવે છે. આ કૃત્રિમ ગર્ભાશય સ્ત્રીના ગર્ભાશયના આકારનું પરંતુ પારદર્શક હોય છે જેમાં ભ્રૂણને વિકાસ પામતું જોઈ પણ શકાય છે. સામાન્યપણે કુદરતી પ્રક્રિયાથી ઉત્પન્ન થતું બાળક કેવું હશે એટલે કે તેની આંખનો, વાળનો કે ત્વચાનો રંગ અથવા તે બુદ્ધિશાળી હશે કે ડોબું હશે એ મા-બાપ નક્કી કરી શકતા નથી પણ જે ફેક્ટરીની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં બાળકના આંખનો રંગ બ્લુ જોઈએ છે કે કથ્થાઈ, કાળો જોઈએ છે કે ચોકલેટી ઝાંયવાળો, તેની હાઇટ, શારીરિક ક્ષમતા વગેરે મા-બાપ પોતાની મરજી મુજબના કરાવી શકે છે અને તેમ છતાં આ બાળક તેમનો જ અંશ હોય છે, કારણ કે તેનું સર્જન દંપતી એટલે કે થનારાં મા-બાપના શરીરમાંથી શુક્રાણુ અને રજ દ્વારા જ થયું હોય છે. સૌથી મહત્ત્વની વાત કે માતા કે પિતાના પરિવારમાં જો કોઈ આનુવાંશિક બીમારી હોય તો કૃત્રિમ ગર્ભાશયમાં બનતા આ બાળકમાંથી એ રોગના જીન (જનીન)ને દૂર કરી દેવામાં આવે છે! મતલબ કે મરજી મુજબનું સ્વસ્થ અને શરીર સૌષ્ઠવ ધરાવતું બાળક પેદા થઈ શકે છે.
કાલ્પનિક લાગે એવી વાત આજે વિજ્ઞાને સત્ય બનાવીને બતાવી છે. આ પ્રક્રિયા દ્વારા જન્મતા બાળકને લીધે માને ગર્ભાવસ્થાની તકલીફો, ગર્ભનો ભાર ઊંચકવાની તેમ જ પ્રસૂતિની પીડામાંથી મુક્તિ મળે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના આંકડાંઓ મુજબ ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિ દરમિયાન ત્રણ લાખ સ્ત્રીઓ મૃત્યુ પામે છે પણ જો બાળક કૃત્રિમ ગર્ભાશયમાંથી પેદા થયું હોય તો આવી કોઈ સંભાવના જ રહેતી નથી. ઉપરાંત કસુવાવડ કે સિઝેરિયન ઓપરેશન અથવા અધૂરા મહિને બાળક જન્મવા જેવી કોઈ સ્થિતિ માટે જગ્યા જ રહેતી નથી.
પચાસ વર્ષના સંશોધન બાદ હશેમ અલ-ધ્યાલીએ આ ફેક્ટરી વિકસાવી છે જેને એક્ટોલાઇફ નામ આપવામાં આવ્યું છે. જે દંપતી કોઈપણ ખામીને કારણે ગર્ભાધાન ન કરી શકતા હોય એટલે કે પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય કે અન્ય કોઈ તકલીફ હોય અથવા સ્ત્રીના શરીરમાંથી કૅન્સર અથવા બીજી કોઈ બીમારીને કારણે ગર્ભાશય કાઢી નખાયું હોય એવા દંપતી માટે આ સુવિધા ખરેખર આશીર્વાદરૂપ થઈ શકે છે, પરંતુ હકીકત તો એ છે કે જરૂરી નથી કે આવી ખામીવાળા દંપતી જ આનો ઉપયોગ કરે. સામાન્ય દંપતીઓ પણ આ પ્રકારનાં બાળકો પેદા કરી શકે છે. બર્લિનમાં એક જ મકાનમાં આવી ૭૫ લેબોરેટરી છે જેમાં ૪૦૦ ગ્રોથ પોડ્સ અથવા તો કૃત્રિમ ગર્ભાશયો છે જેમાં એકસાથે ૩૦,૦૦૦ બાળકો બનાવી શકાય છે. આની બીજી એ ખાસિયત છે કે આમાં ઉછરી રહેલાં બાળકોને કોઈ પણ પ્રકારનું ઇન્ફેશન લાગવાની શક્યતા નહીંવત છે કારણ કે આ ગ્રોથ પોડ્સ એવી ધાતુમાંથી બનાવેલા છે કે તેમાં કોઈપણ પ્રકારના કીટાણુઓ પ્રવેશી કે ટકી શકતા નથી. મતલબ કે કુદરતી પ્રક્રિયાથી માના ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકને માને કારણે અથવા આસપાસના વાતાવરણને કારણે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાની સંભાવના હોય છે પણ કૃત્રિમ ગર્ભાશયમાં આવી કોઈ ભીતિ જ હોતી નથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ ગ્રોથ પોડ્સમાં એવા સેન્સર્સ લગાવવામાં આવ્યા છે જે સતત બાળકનું બ્લડપ્રેશર, હૃદયના ધબકારા, ઉષ્ણતામાન અને ઓક્સિજનની વધઘટ મોનિટર કરતા રહે છે. આ કૃત્રિમ ગર્ભાશયમાં મુકાયેલા બાળકનાં અંગોના વિકાસ પર પણ સેન્સર્સ લગાતાર નજર રાખે છે. એટલું જ નહીં પણ કોઈ આનુવંશિક ખામી સર્જાતી હોય તો એની જાણકારી પણ આ સેન્સર્સ આપી દે છે. આ ગ્રોથ પોડ સાથે એક સ્ક્રીન જોડાયેલી હોય છે જ્યાં બાળકના વિકાસને લગતી બધી જ માહિતી જોઈ અને જાણી શકાય છે.
બાળક ફેક્ટરીમાં કૃત્રિમ ગર્ભાશયમાં ઉછરી રહ્યું હોય અને મા-બાપ બહારની દુનિયામાં હોય એટલે નવ મહિના બાદ કંઈ બાળકની ડિલીવરી લેવાની હોય એવું નથી, પરંતુ ગર્ભાવસ્થાની કોઈ પણ તકલીફ ભોગવ્યા વિના મા અને પિતા તે બાળકના વિકસવાને ધારે ત્યારે જોઈ શકે છે. આના માટે તેમના બાળકના ગ્રોથ પોડ સાથે મા-પિતાનો મોબાઈલ ફોન જોડાયેલો હોય છે. દાખલા તરીકે બાળકની મા કે પિતાને રાતના ત્રણ વાગ્યે વિચાર આવે કે અમારું બાળક અત્યારે કઈ સ્થિતિમાં છે તો તેઓ મોબાઈલની સ્ક્રીન પર તેને જોઈ શકે છે. એક એપ વડે બાળકનો વિકાસ હાઇ વ્યૂ રેઝોલ્યુશન પર જોઈ
શકાય છે. આ એપમાં એવી સુવિધા પણ હોય છે કે દાખલા તરીકે જ્યારે મા-પિતા જુએ ત્યારે બાળક બે મહિનાનું હોય તો આઠ મહિના બાદ તે કેવું દેખાતું હશે એની ઇમેજ પણ મોબાઈલ પર આવે છે જે તેઓ સ્વજનો સાથે શેઅર પણ કરી શકે છે.
કોઈને એવો વિચાર આવે કે બાળકના શરીરનો વિકાસ તો આ રીતે થઈ જતો હોય પણ મનનું શું તો એની વ્યવસ્થા પણ આ વૈજ્ઞાનિકોએ કરી છે. હવે એ જાણીતી હકીકત છે કે બાળક ગર્ભમાં હોય છે ત્યારે જ ભાષા શીખે છે, નવા-નવા શબ્દોના પરિચયમાં આવે છે. આ ગ્રોથ પોડમાં સ્પીકર્સ લગાડેલા હોય છે જેમાં તમે બાળકને જે પ્રકારનું સંગીત કે જે ભાષાનાં ગીતો, જોડકણાં સંભળાવવા ઇચ્છતા હો એ સંભળાવી શકો છો. મતલબ કે ધારો કે કોઈ ગુજરાતી મા-પિતાનું બાળક હોય અને તેને ઉમાશંકર જોશી કે ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ બાળકને સંભળાવવી હોય તો એ પણ સંભવ બને છે. ગ્રોથ પોડમાં ઉછરી રહેલું બાળક માનો અવાજ નહીં ઓળખે તો ? એવી ભીતિ રાખવાની પણ જરૂર નથી કારણ કે મા પોતાના ઘરમાં બેઠાં-બેઠાં ગ્રોથ પોડમાં ઉછરી રહેલા બાળકને ‘તમે મારા દેવના દીધેલ છો’ જેવું હાલરડું પણ પોતાના અવાજમાં ગાઈને સંભળાવી શકે છે. આ રીતે બાળક પોતાની માના અવાજથી પણ પરિચિત રહે એવી વ્યવસ્થા આ ફેક્ટરીમાં છે.
એક્ટોલાઈફના વૈજ્ઞાનિકોનો દાવો છે કે અમે જગતમાં વધુ બુદ્ધિશાળી બાળકો પેદા કરવા માગીએ છીએ. બાળક ગણિતશાસ્ત્રી, ભાષાશાસ્ત્રી કે સંગીતકાર, ચિત્રકાર જે કંઈ ઇચ્છતા હો એવું મેઇડ-ટુ-ઓર્ડર બનાવી શકાય છે. તમારી પસંદગી મુજબની તેની બૌદ્ધિક ક્ષમતા હોય એવું પ્રોગ્રામિંગ થઈ શકે છે.
આ ગ્રોથ પોડમાં ૩૬૦ ડિગ્રી વ્યૂ આપતો કેમેરા હોય છે. પોતાના ઘરના આરામદાયક બેડ કે સોફામાં બેસીને વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ વાપરીને તમે બાળકની લગોલગ છો એવું પણ અનુભવી શકાય છે. ઉપરાંત ફેક્ટરીમાં તમારું બાળક શું જોઈ રહ્યું છે, શું સાંભળી રહ્યું છે એનો અનુભવ તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી શકો છો.
ગ્રોથ પોડના બાળકને પૂરતું પોષણ મળે એની તકેદારી પણ આ ફેક્ટરીમાં રાખવામાં આવે છે. આ દરેક ગ્રોથ પોડ બે સેન્ટ્રલ બાયોરિયેક્ટર સાથે જોડાયેલા હોય છે. બે મોટી-ઊંચી ટાંકી જેવા આ બાયોરિએક્ટરમાંના એકમાંથી બાળકને જરૂરી એટલું ઓક્સિજન અને પોષક તત્ત્વો ગ્રોથ પોડમાં બાળક સાથે જોડાયેલી કૃત્રિમ ગર્ભનાળ દ્વારા પહોંચતા રહે છે. ગ્રોથ પોડમાં અસલ એવું જ ગર્ભજળ હોય છે જેવું માના કુદરતી ગર્ભાશયમાં હોય. એમાં જરૂરી હોર્મોન્સ તેમ જ બાળકના વિકાસ માટેના બધાં જ તત્ત્વો અને એન્ટીબોડીઝ હોય છે.
બીજું સેન્ટ્રલ બાયોરિયેક્ટર એવી રીતે ડિઝાઇન થયેલું છે કે બાળકના શરીરમાંથી મળ, મૂત્ર કે કોઈ પણ પ્રકારનો નકામો પદાર્થ નીકળ્યો હોય તો એ ગર્ભનાળ દ્વારા બહાર જાય છે અને બાયોરિયેક્ટર એ નકામા પદાર્થને જરૂરી પોષક તત્ત્વોમાં બદલીને પાછું બાળકને પહોંચાડે છે. આ આખી સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી હોય છે જેથી બાળકને જરૂરી એવી પોષક પદાર્થ પહોંચાડવામાં કોઈ ખામી ન સર્જાય.
અગાઉ કહ્યું તેમ ગ્રોથ પોડમાં ઉછરી રહેલા બાળકનું જેનેટિકલ એન્જિનિયરિંગ એટલે કે તેના ૩૦૦ જનીન મા-બાપની મરજી મુજબ બદલીને પસંદગી મુજબનું બાળક પેદા કરી શકાય છે. તેના આંખ, ત્વચા, વાળના રંગો ઉપરાંત તેના શરીર અને બુદ્ધિમાં જે કંઈ જોઈતું હોય એ મેળવી શકાય છે.
આ બાળકને જન્મ આપવા માટે માને ન તો વેણ ઊપડવાના દર્દને કે ન તો પ્રસૂતિની પીડાને સહન કરવી પડે છે. બાળકનો યોગ્ય વિકાસ થઈ ગયો છે એની જાણકારી મળ્યા પછી નિશ્ર્ચિત થયેલા દિવસે મા-બાપ આ ફેક્ટરીમાં જાય છે અને તેમને એક બટન દબાવવાનું કહેવામાં આવે છે. એ બટન દબાવતાની સાથે જ ગ્રોથ પોડમાંથી ગર્ભજળ બહાર નીકળી જાય છે અને ગર્ભાશય આકારના પારદર્શક પેટી જેવા ગ્રોથ પોડને ખોલીને તમારા હાથમાં હસતું રમતું બાળક આવી જાય છે. મતલબ કે બાળકના જન્મને મા-બાપ રીતસર માણી શકે છે!
ક્યાંક બાળકની ફેરબદલી થઈ જાય તો? એવી આશંકા પેદા થવાનો પણ સંભવ નથી કારણ કે બાળક મા-બાપને સોંપતી વખતે ત્રણેયની ડીએનએ ટેસ્ટ કરીને એ ખાતરી આપવામાં આવે છે કે જે બાળકને તમે ઘરે લઈ જઈ રહ્યા છો એ તમારા અંશમાંથી જ તૈયાર થયેલું બાળક છે.
અવનવી અજાયબીભરી લાગતી આ વાત કોઈ નવલિકા કે નવલકથાનો હિસ્સો નહીં પણ નક્કર વાસ્તવિકતા છે. આ વૈજ્ઞાનિકો આ રીતે ફેક્ટરીમાં રમકડાં ઉત્પાદન થતા હોય એમ બાળકોનું ઉત્પાદન કરવાનો અને એમાં તમામ પ્રકારની ખાસિયત હોવાનો દાવો કરે છે. આ બાળકો મોટા થઈને કેવી વ્યક્તિ બને છે એ તો સમય જ કહેશે. કૃત્રિમ રીતે જન્મેલા આ બાળકોના મન અને સ્વભાવ કેવા હશે એ કહેવું પણ અત્યારે સંભવ નથી અને એને કારણે કેવી સમસ્યાઓ ઊભી થશે કે નહીં થાય એનું અનુમાન પણ કરી શકાય એમ નથી.
માનવ કુદરત સાથે હજુ કેટલાં ચેડાં કરશે એ કહેવું પણ સંભવ નથી!