મોંઘવારી જાણે ભારતના લોકોને કોઠે પડી ગઈ હોય તેમ છે. એક પછી એક વસ્તુ કે સેવાના ભાવ વધે જ છે. હવે એક વધારે સેવા છે જે મોંઘી થવાની છે અને આ સેવાના ગ્રાહકો ખૂબ મોટા પ્રમાણમાં હોવાથી તે વિશાળવર્ગને અસર કરશે. વાત છે ઘરે ફૂડ ડિલિવરીની. એક ક્લિકમાં જે ખાણીપીણીનું પાર્સલ તમારા ઘરે આવી જાય છે તે તમને આમ પણ મોંઘું પડે છે અને હવે વધારે મોંઘુ પડશે કારણ કે ફૂડ ડિલિવરી કરતા પ્લેટફોર્મ્સ ફૂડ આઉટલેટ્સ પાસેથી વધારે પ્રિમિયમ માંગી રહ્યા છે. તેઓ ખાણીપીણીના માલિકોને જણાવી રહ્યા છે આવનારા ટૂંક સમયમાં તેમણે ઓર્ડરદીઠ વધારે ચાર્જ આપવો પડશે. આ વધારો ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મધારકો હાલમાં 18થી 28 ટકા જેટલું કમિશન વસૂલે છે અને પાંચ ટકા જીએસટી ચાર્જ લાગે છે. હવે તેઓ આમાં વધારો કરશે. સ્વાભાવિક છે કે આ વધારો ફૂડ પાર્લર કે રેસ્ટોરાંવાળા ગ્રાહકો પર જ લાદશે. પહેલેથી ઘરે પાર્સલ મંગાવવાનું ગ્રાહકોને મોંધુ જ પડે છે. કારણ કે કાં તો તેમની વધારે ચાર્જ સાથે પાર્સલ મળે છે જ્યારે મોટા ભાગના રેસ્ટોરાં ગ્રાહકોને ભાવ વધારે ન લાગે તે માટે ક્વોન્ટિટી ઓછી કરી નાખે છે. આથી તમને આમ પણ પાર્સલ ઘરે મંગાવવું મોંઘુ પડે છે અને ખાવાની અસલી મજા પણ નથી આવતી. ત્યારે હવે આ સેવા વધારે મોંઘી થવાની છે.