મહારાષ્ટ્રના કુળસ્વામીની તુળજા ભવાની માતાના મંદિરમાં દર્શન માટે જનાર ભક્તો પર લાગુ કરવામાં આવેલ ડ્રેસકોડનો નિયમ પાછો ખેંચવામાં આવ્યો હોવાના સમાચાર તાજેતરમાં જાણવા મળ્યા હતા. હવે મહારાષ્ટ્રનું એક બીજુ મંદિર આવા વિવાદમાં ફસાયું હોવાના અને તેણે પણ ડ્રેસ કોડના મામલે યુ-ટર્ન લીધો હોવાના સમાચાર મળ્યા છે.
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના ભક્તો સોલાપુરના ગ્રામદેવતા શ્રી સિદ્ધેશ્વર મહારાજના મંદિરે જાય છે. મહારાષ્ટ્ર રાજ્યના આવા પ્રસિદ્ધ મંદિરની સામે બે દિવસથી એક બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આછકલાઇભર્યા વસ્ત્રો પહેરીને સ્ત્રી-પુરુષ ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ છે. મહારાષ્ટ્ર રાજ્યના કુલસ્વામિની શ્રી ક્ષેત્ર તુલજાભવાની મંદિરમાં પણ આવા બૉર્ડ લગાવવામાં આવ્યા હતા. આ બોર્ડના ફોટા રાજ્યભરમાં સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. મંદિર પ્રશાસને તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને ખુલાસો કર્યો હતો કે અમે આ બોર્ડ લગાવ્યું નથી. આવો જ પ્રકાર સોલાપુરના સિદ્ધેશ્વર મંદિરમાં જોવા મળ્યો હતો.
શુક્રવારે બપોરના સમયે ગામના દેવતા સિદ્ધેશ્વર મહારાજ મંદિરની સામે એક બૉર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં નાના કપડાં, બર્મુડા, હાફ પેન્ટ પહેરીને પ્રવેશશો નહીં એમ જણાવવામાં આવ્યું હતું. લોકોને ભારતીય સંસ્કૃતિથી વાકેફ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સોલાપુરમાં સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર વાયુ વેગે જેમ ફેલાઈ ગયા હતા. જ્યારે પંચ સમિતિના ટ્રસ્ટી ધર્મરાજ કાદડીને આ અંગે વધુ માહિતી પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે મંદિર સમિતિ વતી આ બૉર્ડ લગાવવામાં આવ્યું નથી. ધર્મરાજ કાદડીએ માહિતી આપી હતી કે મંદિર સમિતિ દ્વારા આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. મંદિરના કર્મચારીઓ દ્વારા મંદિરની સામેથી આ બૉર્ડ હટાવી દેવામાં આવ્યું હોવાની પણ તેમણે માહિતી આપી હતી.
સોલાપુરમાં શ્રી સિદ્ધેશ્વર મહારાજના મંદિરમાં દરરોજ હજારો ભક્તો આવે છે.
સિદ્ધેશ્વર મહારાજના ભક્ત મહેશ ધારશિવકરે મંદિરની સામેના આ બૉર્ડ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતને આઝાદી મળ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. આઝાદી મળે તો ભક્તોએ મનસ્વી વર્તન ન કરવું જોઈએ. આવા વસ્ત્રો પહેરીને મંદિરમાં ન આવવું જોઇએ. મહેશ ધારશિવકરે જણાવ્યું હતું કે ભગવાન આપણને જોવા બેઠા નથી.